તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd October 2025
ઘંટેશ્વરના વૃધ્ધને જામનગર રોડના પાર્ટી પ્લોટમાં છરી બતાવી બંટી-બબલી રૂપિયા ૪ લાખની માળા લૂંટી ગયા
૭૧ વર્ષના લાભુભાઇ હુંબલને પહેલા શખ્સે ફોન કરી લગ્ન માટે પાર્ટી પ્લોટ ભાડે રાખવાની વાત કરીઃ પછી યુવતિ સાથે કારમાં ત્યાં પહોંચી ઓફિસમાં વાત કરતી વખતે છરી બતાવી લૂંટ કરીઃ ચાર જેટલા શકમંદની પુછતાછ

રાજકોટતા. ૨: ઘંટેશ્વરમાં રહેતાં વૃધ્ધ જામનગર રોડ પર આવેલા પોતાના પાર્ટી પ્લોટ ખાતે હતાં ત્યારે અજાણ્યા શખ્સે બે ત્રણ વખત ફોન કરી લગ્ન માટે આ જગ્યા ભાડે રાખવી છે તેવી વાત કર્યા બાદ એક શખ્સ અને યુવતિએ કાર મારફત આ પાર્ટી પ્લોટ ખાતે પહોંચી રૂમ જોયા બાદ ઓફિસમાં વૃધ્ધ સાથે વાત કરવાના બહાને જઇ છરી બતાવી મોઢે મુંગો દઇ તેમના ગળામાંથી ૪ લાખની સોનાની માળા લૂંટી લેતાં ચકચાર મચી ગઇ છે. ધોળે દિવસે બનેલી આ ઘટનાનો ભેદ ઉકેલાઇ જવાની આશા છે. પોલીસે શકમંદ યુવક-યુવતિ સહિત ૪ની પુછતાછ હાથ ધરી છે.
આ બનાવમાં ગાંધીગ્રામ પોલીસે જામનગર રોડ પર ઘંટેશ્વર ગામમાં બંસીધર પાન પાસે રહેતાં અને નિવૃત જીવન જીવતાં લાભુભાઇ નરસંગભાઇ હુંબલ (ઉ.વ.૭૧)ની ફરિયાદ પરથી સફેદ રંગની કારમાં આવેલા અજાણ્યાસ્ત્રી અને પુરૂષ વિરૂધ્ધ લૂંટનો ગુનો નોંધી તપાસ હાથ ધરી શકમંદોને સકંજામાં લઇ પુછતાછ હાથ ધરી છે.
લાભુભાઇ હુ઼બલ પરિવાર સાથે રહે છે. તેમણે જણાવ્યું હતું કે રાજકોટ-જામનગર હાઇવે પર ગુજરાત ગેસ પંપની પાસે રીયલ પર્લ ફાર્મ નામનો પાર્ટી પ્લોટ છે તે પ્લોટ મેં ખોડાભાઇ લાલજીભાઇ પટેલને ભાડેથી આપેલો છે. આ પાર્ટી પ્લોટ ખાતે દરરોજ હું બેસવા માટે જાઉ છું. તા. ૧ના બુધવારે સવારે પોણા અગીયારેક વાગ્યે હું ત્યાં હતો ત્યારે એક અજાણ્યા શખ્સનો મારા મોબાઇલમાં ફોન આવ્યો હતો અને પુછ્યું હતું કે-મારે રીયલ પર્લ ફાર્મ પાર્ટી પ્લોટ લગ્ન માટે ભાડેથી જોઇએ છે.
આ પછી મને અલગ અલગ સમયે ત્રણેક ફોન આવ્યા હતાં. બાદ હું સાંજે ચારેક વાગ્યે જામનગર રોડ પર રીયલ પર્લ ફાર્મ પાર્ટી પ્લોટ ખાતે હતો ત્યારે અજાણ્યો ૨૫ વર્ષનો શખ્સ અને એક આશરે ૨૪ વર્ષની યુવતિ સફેદ રંગની કાર લઇને આવ્યા હતાં. આ બંનેએ મારી સાથે પ્લોટ ભાડે રાખવાની વાત કરી હતી. તેમજ આ પાર્ટી પ્લોટમાં આવેલા રૂમ પણ આ બંને યુવક-યુવતિએ જોવા હોઇ અમારા પગી ભરતભાઇ ગોવિંદભાઇ વાઘેલાએ એક રૂમનો લોક ખોલી દીધો હતો. આ પછી ભરતભાઇ ઉપર તેના કામ માટે જતો રહ્યો હતો. હું બાદમાં આ બંનેને ઓફિસમાં લઇને ગયો હતો. જ્યાં બેસીને વાતચીત કરી હતી. આ દરમિયાન આ શખ્સે અચાનક ઉભા થઇ પેન્ટના નેફામાંથી છરી કાઢી હતી અને મારા મોઢા ઉપર હાથ રાખી મને મુંગો દઇ રાખ્યો હતો.
આ શખ્સની સાથેની યુવતિએ મારા ગળામાં પહેરેલી સોનાના પારાવાળી માળા જેનો વજન ચારેક તોલા હતો તે રૂા. ૪ લાખની બળજબરીથી લૂંટી લીધી હતી. આ પછી આ બંને યુવક-યુવતિ ઓફિસમાંથી ભાગી ગયા હતાં. કાવત્રુ ઘડી આ બંને યુવક-યુવતિ પાર્ટી પ્લોટ ભાડે રાખવાના બહાને આવી ઓફિસમાં મને છરી બતાવી લૂંટ કરી ગયા હતાં. તેમ વધુમાં વૃધ્ધ લાભુભાઇ હુંબલે જણાવતાં પીઆઇ એસ.આર. મેઘાણીની રાહબરીમાં પીએસઆઇ એમ. જી. જાડેજાએ ગુનો નોંધ્યો હતો અને તપાસ શરૂ કરવામાં આવી હતી. ગાંધીગ્રામ પોલીસની સાથે એલસીબી ઝોન-૨ ટીમના પીએસઆઇ આર. એચ. ઝાલા પણ પોતાની ટીમ સાથે તપાસમાં સામેલ થયા હતાં. બંને શકમંદ યુવક-યુવતિ સહિત ચારને સકંજામાં લઇ પુછતાછ હાથ ધરી છે.
(3:42 PM IST)










