News of Friday, 3rd October 2025
અખબાર વિતરક વિપુલભાઇ કાચાનું ભીલવાસ ચોક નજીક હૃદય બેસી ગયું
મોટા ભાઇ સાથે વહેલી સવારે અખબાર વિતરણ માટે નીકળ્યા ત્યારે તબિયત લથડીઃ સારવારમાં દમ તોડયોઃ લક્ષ્મીવાડીના પરિવારમાં શોક

રાજકોટ તા. ૩: લક્ષ્મીવાડી શેરી નં. ૧૭માં રહેતાં અખબાર વિતરક વિપુલભાઇ હેમતભાઇ કાચા (ઉ.વ.૫૦) વહેલી સવારે સાડા ચારેક વાગ્યે અખબાર વિતરણ કરવા નીકળ્યા ત્યારે ભીલવાસ ચોક નજીક છાતીમાં દુઃખાવો ઉપડતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.
મૃત્યુ પામનાર વિપુલભાઇ ચાર ભાઇ અને બે બહેનમાં નાના અને અપરિણીત હતાં. વર્ષોથી છાપાની ફેરી કરતાં હતાં. સવારે તેમની સાથે મોટા ભાઇ જીતુભાઇ કાચા પણ અખબાર વિતરણ માટે નીકળ્યા હતાં. તબિયત બગડતાં મોટા ભાઇએ જ હોસ્પિટલે ખસેડયા હતાં. પણ અહિ મૃત જાહેર કરાતાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, અમૃતભાઇ મકવાણા સહિતે પ્ર.નગરને જાણ કરતાં જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી.
(4:13 PM IST)










