News of Friday, 3rd October 2025
પત્નિ રિસામણેથી પરત ન આવતાં સંદિપ નેપાળીએ લટકીને જીવ દીધો
આકાશવાણી ચોકના આવાસ યોજના ક્વાર્ટરમાં બનાવઃ મોટો ભાઇ ઘરે આવ્યો ત્યારે નાનો ભાઇ લટકતો મળ્યો ત્રણ દિવસથી સતત ફોન કરતો હતોઃ ગત રાતે પણ પત્નિને પાછા આવી જવા કહેતો હતો પણ ન માનતાં પગલુ ભર્યુ

રાજકોટ તા. ૩: દંપતિ વચ્ચે સર્જાતા કલેશમાં ક્યારેક પરિણામ માઠુ આવી જતું હોય છે. શહેરના યુનિવર્ર્સિટી રોડ પર આકાશવાણી ચોક ભગતસિંહજી ગાર્ડન પાસે આવેલા આવાસ યોજના કવાર્ટરમાં રહેતાં નેપાળી યુવાને તેની પત્નિ રિસામણેથી પરત ન આવતાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આવાસ યોજના ક્વાર્ટરમાં રહેતાં સંદિપ રામસિંગ પરીહાર (ઉ.વ.૨૨)એ ઘરે પંખામાં ચાદર બાંધી ગળાફાંસો ખાઇ લેતાં તે વખતે જ મોટો ભાઇ અર્જુન બહારથી આવતાં તે જોઇ જતાં તેને બેભાન હાલતમાં નીચે ઉતારી સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, અમૃતભાઇ મકવાણા, પ્રકાશભાઇ રાઠોડ, ધર્મેન્દ્રભાઇ હુદડ અને ધર્મેન્દ્રભાઇ ચાવડાએ કરતાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીએસઆઇ સી. પી. રાઠોડે કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર સંદિપ નેપાળનો વતની હતો. વર્ષોથી અહિ રહેતો હતો અને હોટેલમાં કૂક તરીકે નોકરી કરતો હતો. તે બે ભાઇ અને એક બહેનમાં નાનો હતો. તેના લગ્ન ચાર વર્ષ પહેલા ભુમિકા સાથે થયા હતાં. સંતાનમાં એક દિકરો છે. સગાના કહેવા મુજબ પતિ-પત્નિ વચ્ચે નાની એવી વાતે બોલાચાલી થતાં પત્નિ માળીયા તરફ રહેતાં માવતરના ઘરે ત્રણેક દિવસ પહેલા જતી રહી હતી. ત્યારથી સતત સંદિપ તેને પરત આવી જવા કહેતો હતો. ગઇકાલે પણ તેણે ફોન કરી પત્નિને પરત આવવા કહ્યું હતું. પરંતુ તેણીએ આવવાની ના પાડી દેતાં માઠુ લાગતાં આ બનાવ બન્યો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
(2:52 PM IST)










