તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 3rd October 2025
રાજકોટીયનોની નવરાત્રીમાં વાહનો ખરીદવા હોડઃ ૯૦ કરોડનું વેચાણ
મનપાને ૧.૬૮ કરોડ વાહન વેરા આવક :નવ દિવસ દરમિયાન ૩૯૦૧ ટુ વ્હીલર, ૪૭૭ કાર સહિત કુલ ૪૭૧૮ વાહનોની ખરીદી

રાજકોટ, તા.૩: કેન્દ્ર સરકારે જીએસટીમાં ઘટાડો કરતા વાહનના વેચાણમાં વધારો જોવા મળ્યો છે. શહેરીજનોમાં નવરાત્રી દરમિયાન વાહનો છોડાવાનો ક્રેઝ હંમેશા રહ્યો છે. જેમાં આ વર્ષે પણ નોરતામાં અલગ અલગ પ્રકારના ૪૭૧૮ વાહનોનું વિક્રમજનક વેચાણ થયું છે. ટુ વ્હીલથી લઈને હેવી વાહનનું ૯૦ કરોડનું ટર્નઓવર થતાં મહાનગરપાલિકાને ટેક્સ પેટે રૂા. ૧.૬૭ કરોડની આવક થઈ હતી.
કેન્દ્ર સરકારે જીએસટી ૨.૦ લાગુ કરતા અન્ય એકમોની સાથો સાથ ટ્રાન્સપોર્ટ ઉદ્યોગમાં પણ તેની સારી અસર જોવા મળી છે. ગત વર્ષે નવરાત્રીમાં થયેલા વાહનોના વેચાણની સામે આ વર્ષે વિક્રમજનક વાહનોનું વેચાણ થયું છે. મોટેભાગે લોકો દ્વારા વર્ષમાં બે વખત એટલે કે, નવરાત્રી અને દિવાળીએ વધુ વાહનો છોડાવાતા હોય છે. જેમાં સૌથી વધુ નવરાત્રી દરમિયાન શો-રૂમોમાં નોંધણી કરાવ્યા બાદ દશેરાના દિવસે વાહનની ડિલેવરી લેવાની પ્રથા આજે પણ ચાલુ છે.
તમામ શો-રૂમના વાહન વેચાણનો આંકડો મહાનગરપાલિકાના ટેક્સ વિભાગ પાસે પહોંચ્યો છે. જે મુજબ અલગ અલગ પ્રકારના ૪૭૧૮ વાહનોનું વેચાણ થયું છે. કુલ ૯૦ કરોડથી રૂપિયાથી વધુનું વેચાણ ફક્ત રાજકોટ શહેરમાં નોંધાયું છે. વાહનો પેટે મહાનગરપાલિકાએ રૂા. ૧.૬૭ કરોડનો ટેક્સ ઉઘરાવ્યો છે. વાહન વેચાણમાં સીએનજી, ડીઝલ અને પેટ્રોલ વાહનો પૈકી પેટ્રોલ વાહનોનું વેચાણ વધુ જોવા મળ્યું છે.
મનપાના ટેક્સ વિભાગમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ ગત વર્ષે ૨૯૬૬ અલગ અલગ પ્રકારના વાહનોનું વેચાણ થયું હતું. જેના થકી મનપાને રૂા. ૧.૦૧ કરોડની આવક થઈ હતી. જેની સામે આ વર્ષે ૧.૬૭ કરોડની આવક નોંધાઈ છે. આ વર્ષે ગત વર્ષ કરતા ૧૭પર વાહન વધુ વેંચાયા હોવાનું જણાવાયું છે.
તેવી જ રીતે ફોર વ્હીલના વેચાણમાં પણ જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. થ્રી વ્હીલર શ્રેણીના વાહનોમાં મહદંશે વધારો જોવાયો છે. જ્યારે હેવી વાહનોનું વેચાણ આ વર્ષે ઓછું થયાનું જાણવા મળેલ છે.
ટેક્સ વિભાગના જણાવ્યા મુજબ દિવાળી દરમિયાન લાભ પાંચમ સુધી વાહનોનું વેચાણ સતત થતું રહેશે. જેના લીધે લાભ પાંચમ બાદના આંકડા પણ વાહન વેચાણમાં વધારો થયાના જોવા મળશે આથી ટેક્સનો લક્ષ્યાંક આ વર્ષે વહેલો પૂર્ણ થઈ જાય તેવી સંભાવના જોવાઈ રહી છે.(૬.૧૬)
નવરાત્રિમાં કયાં-કયાં વાહનો વેંચાયા?
નોરતામાં ૪૭૧૮ વાહનોનું વેચાણ થયું છે. જેમાં ટુ વ્હીલરમાં સીએનજી અને પેટ્રોલ સાથે ૩૯૦૧ વાહન તેમજ થ્રી વ્હીલરમાં પેટ્રોલ અને સીએનજી સાથે ૨૩૬ વાહનો તથા ફોર વ્હીલરમાં સીએનજી, પેટ્રોલ અને ડીઝલ સહિત ૫૭૪ વાહનો વેચાયા છે. અને હેવી વાહનોની કેટેગરીમાં અલગ અલગ સાત વાહનોનું વેચાણ થયું છે.
(2:59 PM IST)










