<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd October 2025

ગાંધીજીના જીવનના આદર્શો, જીવનચરિત્ર મૂલ્‍યોથી અવગત થવા અવશ્‍ય મ્‍યુઝીયમની મુલાકાત લોઃ નયનાબેન

મનપા અને ગુજરાત પ્રવાસન નિગમના સંયુકત ઉપક્રમે ગાંધીધૂન કાર્યક્રમ યોજાયો : ૧૧પ બાળકો સહિત કુલ ર૯૩ મુલાકાતીઓએ મ્‍યુઝીયમની મુલાકાત લીધી : વિવિધ ક્ષેત્રેના પ્રતિષ્‍ઠીત લોકોનું સન્‍માન

 

રાજકોટઃ શહેરના ઐતિહાસિક સ્‍થળ એવા ‘મહાત્‍મા ગાંધી મ્‍યુઝિયમ'ની મુલાકાત લઈ, પૂજ્‍ય મહાત્‍મા ગાંધીજીના જીવનના આદર્શો, જીવનચરિત્રો પોતાના જીવનમાં અમલમાં મુકે તે હેતુસર  મહાનગરપાલિકા અને ગુજરાત પ્રવાસન નિગમ લિ.ના સંયુક્‍ત ઉપક્રમે ૨જી ઓક્‍ટોબર ‘ગાંધી જયંતિ' નિમિતે સાંજે ૦૫:૪૫ કલાકે ‘મહાત્‍મા ગાંધી મ્‍યુઝિયમફ્‌ ખાતે ‘ગાંધી ધૂન' કાર્યક્રમ યોજવામાં આવ્‍યો. આ કાર્યક્રમનું દિપ પ્રાગટય સાંસદ શ્રી રામભાઈ મોકરીયા તથા ઉપસ્‍થિત મહાનુભાવોનાં હસ્‍તે કરી, આ કાર્યક્રમ શરૂ કરવામાં આવેલ.

‘ગાંધી ધૂન' કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદ્દબોધન કરતા મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયાએ જણાવેલ કે, સૌ પ્રથમ તો દેશને આઝાદી અપાવવામાં જેમની મહત્‍વપૂર્ણ ભૂમિકા રહેલ છે તેમજ રાજકોટ સાથે જેમનો બચપણથી નાતો છે તેવા આપણા રાષ્‍ટ્રપિતા પૂજ્‍ય મહાત્‍મા ગાંધીજીની આજે જ્‍ન્‍મજયંતિ છે.

મહાત્‍મા ગાંધીજીના જીવનના આદર્શો, જીવનચરિત્ર, મૂલ્‍યોથી અવગત થવા વધુમાં વધું લોકો મહાત્‍મા ગાંધી મ્‍યુઝિયમની મુલાકાત લે તે માટે શહેરીજનોને આહવાન અને અપીલ કરૂ છું. રાજકોટ મહાનગરપાલિકા અને ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા ગાંધી જયંતી નિમિતે સુંદર ‘ગાંધી ધૂન' કાર્યક્રમનું આયોજન કરવા બદલ હું ખુબ ખુબ અભિનંદન પાઠવું છું.

આ અવસરે સાંસદ  રામભાઈ મોકરીયાએ જણાવ્‍યું હતું કે, આઝાદી સમયે મહાત્‍મા ગાંધીજીએ આઝાદીની લડતમાં ખુબ મોટી સંખ્‍યામાં નાગરિકોને જોડ્‍યા હતા, જેના પરિણામે આજે આપણે અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયા છે. સમાજના શ્રેષ્‍ઠીઓ આપણને સ્‍વચ્‍છતા રાખવા પ્રેરણા આપે છે. તો સૌ સાથે મળીને સ્‍વચ્‍છતામાં સહભાગી બનીએ.

‘ગાંધી ધૂન‘' કાર્યક્રમમાં શાબ્‍દિક સ્‍વાગત પ્રવચન શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા દ્વારા કરવામાં આવેલ. ઉપસ્‍થિત મહાનુભાવોનું ચરખો-પુષ્‍પ અને ખાદીના રૂમાલથી સ્‍વાગત ગુજરાત પ્રવાસન નિગમ લિ.ના અધિકારીઓ દ્વારા કરવામાં આવેલ. બાદમાં મહાનગરપાલિકા દ્વારા ‘'ગાંધી ધૂન' કાર્યક્રમમાં શહેરના વિવિધ ક્ષેત્રના પ્રતિષ્ઠિત આઠ વ્‍યક્‍તિઓના  હસ્‍તે શિલ્‍ડ આપી, સન્‍માનિત કરવામાં આવેલ. કાર્યક્રમના અંતે સમાજ કલ્‍યાણ સમિતિ ચેરમેન સુરેન્‍દ્રસિંહ વાળાએ આભાર વિધિ કરી હતી.

રાજુભાઈ દવે- લોક સાહિત્‍ય, કવિ શ્રી સંજુભાઈ વાળા-સાહિત્‍ય, વિનોદભાઈ રણછોડભાઈ ચોટલીયા-સેવા, વિજયભાઈ પારખીયા-નાટય,  મનોજ વિમલ રાચ્‍છ-સંગીત, બ્રહ્માકુમારી સંસ્‍થા-નારી રત્‍ન, ચંદુભાઈ વિરાણી-ઉદ્યોગ, હંસરાજભાઈ ગજેરા-સહકાર

પ્રતિષ્‍ઠિત લોકોનું સન્‍માન

‘ગાંધી ધૂન' કાર્યક્રમમાં મેયર નયનાબેન પેઢડીયા, સાંસદ રામભાઈ મોકરીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખશ્રી ડૉ. માધવભાઈ દવે, ધારાસભ્‍યશ્રી ડૉ. દર્શિતાબેન શાહ, મ્‍યુનિસિપલ કમિશનરશ્રી તુષાર સુમેરા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રીશ્રી અશ્વિનભાઈ મોલીયા, શાસક પક્ષ દંડક મનિષભાઈ રાડીયા,  સમાજ કલ્‍યાણ સમિતિના ચેરમેનસુરેન્‍દ્રસિંહ વાળા, કોર્પોરેટર કંકુબેન ઉધરેજા, અલ્‍પાબેન દવે, કુસુમબેન ટેકવાણી, નાયબ મ્‍યુનિસિપલ કમિશનર ચેતન નંદાણી, સમીર ધડુક, ઇ.ચા. આસી.કમિશનર વિપુલ ઘોણીયા, મેનેજર કૌશિક ઉનાવા, રાજકોટ મહાનગરપાલિકાના અધિકારી-કર્મચારીઓ, ગુજરાત પ્રવાસન નિગમ લિ.ના પ્રતિનિધિઓ-કર્મચારીઓ, ‘મહાત્‍મા ગાંધી મ્‍યુઝિયમ' એજન્‍સીના કર્મચારીઓ તથા બહોળી સંખ્‍યામાં મ્‍યુઝિયમ મુલાકાતીઓ-શહેરીજનો ઉપસ્‍થિત રહેલ હતા.

પૂજ્‍ય મહાત્‍મા ગાંધીજીના જીવનના આદર્શોથી આજની યુવા પેઢી તેમજ બાળકો અવગત થાય અને પોતાના જીવનમાં અમલમાં મુકે તે હેતુસર ૨જી ઓક્‍ટોબર ‘ગાંધી જયંતિ' નિમિતે ૧૨ વર્ષ કે તેથી ઓછી ઉંમરના બાળકો માટે મહાત્‍મા ગાંધી મ્‍યુઝિયમની મુલાકાત માટે નિઃશુલ્‍ક પ્રવેશ આપવામાં આવ્‍યો જેનો ૧૧૫ બાળકો સહિત કુલ ૨૯૩ મુલાકાતીઓએ મ્‍યુઝિયમની મુલાકાતનો લાભ લઈ અભિભૂત થયા હતા.

રાજકોટ મહાનગરપાલિકા તથા ગુજરાત પ્રવાસન નિગમ લી.ના સંયુક્‍ત ઉપક્રમે આયોજીત ‘ગાંધી ધૂન' કાર્યક્રમમાં (મ્‍યુઝિકલ ઇવેન્‍ટ)માં સુપ્રસિદ્ધ કલાકાર સાંઈરામ દવે અને તેની ટીમ દ્વારા ઉપસ્‍થિત મેદનીને ગીત અને ધૂન ગાઈને સંગીતથી તરબોળ કરેલ અને ડોલાવેલ હતી. કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્‍થિત સૌ મહાનુભાવો અને શહેરીજનોએ સ્‍વચ્‍છતાના શપથ ગ્રહણ કર્યા હતા.

(3:38 PM IST)