તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Friday, 3rd October 2025
પંજાબના પૂરગ્રસ્તોને રાજકોટ ગુરૂસિંહ સભા-ગુરૂદ્વારાની સહાય
જલમીતસિંહ ઢીલોન તથા સરદાર ઉજાગરસિંહ રાજકોટથી ફંડ એકઠુ કરીને અસરગ્રસ્તોની સેવા કરીઃ ૭૦૦૦ કિલોમીટર ફર્યાઃ પંજાબમાં અતિ કરૂણ સ્થિતિ

‘અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે જલમીતસિંહ ઢીલોન તથા ઉજાગરસિંહજી નજરે પડે છે. અન્ય તસ્વીરોમાં પંજાબમાં કરેલા સેવાકાર્યોની છે. (૪.૧૧)
રાજકોટ તા. ૩ :.. પંજાબ રાજયમાં ભયાવહ આફત આવી છે. લગભગ તમામ વિસ્તારોમાં પૂરના વિનાશક પાણી ફરી વળ્યા છે. કૃષિક્ષેત્રે તથા અન્ય ક્ષેત્રોમાં અકલ્પનીય નુકસાન થયું છે. આફતગ્રસ્ત લોકોની હાલત દયનીય બની છે. આફત સમયે સેવા કરવી એ માનવતાનું લક્ષણ છે. પંજાબના પૂરગ્રસ્તોને રાજકોટથી સહાય પહોંચી હતી.
ગુરુદ્વારા ગુરુસિંહ - સભા રાજકોટના પ્રેસીડેન્ટ જલમિતસિંહ ઢિલોન તથા સેક્રેટરી સરદાર ઉજાગરસિંહ ‘અકિલા' ની મુલાકાતે આવ્યા હતાં. તેઓએ જણાવ્યું હતું કે, અમે રાજકોટથી ફંડ એકઠું કરીને પંજાબ પહોંચ્યા હતાં.
પંજાબની હાલત ખૂબ ખરાબ છે. ચારેબાજુ પૂરના પાણી ફરી વળ્યા છે. અનેક વિસ્તારો બરબાદ થઇ ગયા છે. પંજાબની મુખ્ય આવક કૃષિક્ષેત્ર છે, આ ક્ષેત્ર સહિતના મોટાભાગના ક્ષેત્રોમાં અકલ્પનીય નુકસાન થયું છે.
જલમિતજી તથા ઉજાગરજીએ કહ્યું હતું કે, અમે ફોર વ્હીલમાં રોકડ રકમ લઇને ગયા હતાં. પંજાબના માર્ગો પણ ધોવાઇ ગયા છે. ખૂબ મુશ્કેલી વેઠીને અસરગ્રસ્તો સુધી પહોંચાયું હતું. અસરગ્રસ્તોને ફુલ નહિ તો ફુલની પાખડી જેવી સહાય કરી હતી.
રાજકોટના આ બંને સેવાભાવી વડીલોએ ૭૦૦૦ કિલો મીટર પ્રવાસ કરીને સહાય આપી હતી. તેઓ કહે છે કે, ૧૩ દિવસના આ પ્રવાસ દરમિયાન બિયારણ, ખાતર, ડીઝલ તથા રોકડ સહાય કરવામાં આવી હતી. ફંડ એકઠું કરવામાં રાજકોટના દાતાઓએ સહયોગ આપ્યો હતો, અમે તમામ દાતાઓ પ્રત્યે આભાર વ્યકત કરીએ છીએ. પંજાબમાં થયેલા સેવાકાર્ય અંગે રાજકોટના ગુરુદ્વારામાં વીડિયો - તસ્વીરો દર્શાવવાનો કાર્યક્રમ યોજાશે. કાર્યક્રમની તારીખ ટૂંક સમયમાં જાહેર થશે.
પંજાબની આફત
પ્રભાવિત વિસ્તારોઃ પંજાબના ૨૩માંથી ૧૨થી વધુ જિલ્લાઓ અને ૧,૪૦૦થી વધુ ગામો પૂરથી પ્રભાવિત થયા હતા. મુખ્ય અસરગ્રસ્ત જિલ્લાઓમાં ગુરદાસપુર, કપૂરથલા, ફિરોઝપુર, પઠાણકોટ, ફાઝિલ્કા, અમળતસર, તરન તારન અને હોશિયારપુરનો સમાવેશ થાય છે.
લોકો પર અસર : લગભગ ૩.૫ લાખથી વધુ રહેવાસીઓ પ્રભાવિત થયા.
ખેતીને નુકસાનઃ આ પૂરથી પંજાબ, જે ભારતનું અનાજ ભંડાર ગણાય છે, ત્યાં ખેતીને ભારે નુકસાન થયું. લગભગ ૪.૮ લાખ એકરથી વધુ ખેતીલાયક જમીન પરના પાક, ખાસ કરીને ડાંગર, કપાસ અને મકાઈનો પાક સંપૂર્ણપણે નાશ પામ્યો. આર્થિક નુકસાન અંદાજે રૂા. ૬,૦૦૦ કરોડથી વધુનું ગણવામાં આવ્યું છે.
માળખાગત નુકસાનઃ ૧૭,૦૦૦થી વધુ મકાનોને નુકસાન થયું, હજારો પશુધન પ્રભાવિત થયા, અને ગ્રામીણ રસ્તાઓ, પુલો અને પુલિયાઓને પણ ભારે નુકસાન થયું છે.
(3:38 PM IST)










