News of Friday, 3rd October 2025
રાજકોટમાં કોંગ્રેસ દ્વારા 'ગાંધીજી કા અસલી સન્માન': રાષ્ટ્રીય શાળા ખાતે ગાંધીવાદી નેતાઓનું સન્માન

રાજકોટઃ મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ગઈકાલે, તા. ૨ ઓક્ટોબરના રોજ, રાષ્ટ્રીય શાળા ખાતે 'ગાંધીજી કા અસલી સન્માન' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં ગાંધીજીએ માર્ચ ૧૯૩૯માં ઉપવાસ આંદોલન કર્યું હતું, તે ઐતિહાસિક રૂમમાં આ કાર્યક્રમ યોજાયો હતો.
રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ડો. રાજદીપસિંહજી જાડેજાની યાદી મુજબ, વર્તમાન સમયમાં જ્યારે કટ્ટરવાદી નીતિઓ અને સરમુખત્યારશાહી વલણના કારણે પૂજ્ય બાપુના આદર્શો અને મૂલ્યોની અવગણના થઈ રહી છે, ત્યારે ગાંધીજીની જન્મ અને કર્મભૂમિ ગુજરાતની વિશેષ ફરજ છે કે તેમના આદર્શોને પુનઃજીવિત કરીને જાહેર જીવનના સ્તરને ઊંચું લાવવામાં આવે.
સુતરની આંટી અને મહાપુરુષોની તસવીર અર્પણ કરાઈ
એઆઈસીસીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં ગાંધી વિચારધારા ધરાવતા અને સ્વાતંત્ર્ય સેનાની રહેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. દીપ પ્રાગટ્ય બાદ, દરેક વરિષ્ઠ નેતાને સુતરની આંટી પહેરાવીને તેમનું સન્માન કરાયું હતું. આ ઉપરાંત, તેમને મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ અને જવાહરલાલ નહેરુની તસવીર સાથેનો ફોટો પણ અર્પણ કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન, ગાંધીવાદી વરિષ્ઠ નેતાઓએ યુવા પ્રમુખ ડો. રાજદીપસિંહજી જાડેજાને ગાંધીજી ચરખો કેવી રીતે ચલાવતા, તે અંગે માર્ગદર્શન પણ આપ્યું હતું.
આ સન્માન સમારોહમાં જેન્તીભાઈ કાલરીયા, જીતુભાઈ ભટ્ટ, પિયુષભાઈ મહેતા, લાધાભાઈ પટેલ, નાથાભાઈ કિયાડા, નટુભાઈ ચૌહાણ, નંદલાલભાઈ જોશી, રહીમ સાડેકી, ચંદ્રકાંતભાઈ વાઘેલા, દેવજીભાઈ ચૌહાણ, તખુભા રાઠોડ, કંચનબેન વાળા, નાથાભાઈ મકવાણા સહિતના પીઢ કોંગ્રેસ આગેવાનો હાજર રહ્યા હતા
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રમુખ ડો. રાજદીપસિંહજીના માર્ગદર્શન હેઠળ મુકેશભાઈ ચાવડા, વૈશાલીબેન સિંદે, આદિત્યસિંહ ગોહિલ, હરપાલસિંહ જાડેજા, મુકુંદભાઈ ટાંક, રવિભાઈ જીતીયા, દીપ્તિબેન સોલંકી, ધર્મેશ સોલંકી, શુભમ પરમાર સહિતના યુવા અગ્રણીઓએ જહેમત ઉઠાવી હતી. તેમ શહેર કોંગ્રેસ સમિતિ, રાજકોટની યાદી જણાવે છે.(૩૮.૩૭)
(3:56 PM IST)










