<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th October 2025

સગીરને ઉલાળી રોંગ સાઇડમાં ઘુસેલા ડમ્‍પરે ત્રણ વાહનોને ઠોકરે લીધાઃ ૧૫ વર્ષના વિજયનું મોત

મોરબી રોડ પર જુના જકાતનાકા નજીક અર્જુન પાર્ક પાસે રાત્રે જીવલેણ અકસ્‍માત : માતા-પિતા વિહોણો સગીર કુટુંબી ભાઇ-ભાભી-બહેન સાથે રહી ભીક્ષાવૃતિ કરતો હતોઃ દૂધ લેવા જતો હતો ત્‍યારે કાળ ભેટી ગયોઃ દેવીપૂજક પરિવારમાં અરેરાટી : ડમ્‍પરનો આગળના ભાગે બૂકડો બોલી ગયોઃ ચાલક રાજેશનાથ ગંભીરઃ ગોંડલ કોલસી ખાલી કરી કચ્‍છ રાપર જતો હતો તસ્‍વીરમાં અકસ્‍માત સર્જનાર ડમ્‍પરની હાલત કેવી થઇ ગઇ હતી તે તથા ઘટના સ્‍થળે સગીરનો મૃતદેહ,પોલીસ,મૃતક વિજય વાઘેલાનો ફાઇલ ફોટો અને ગંભીર ઇજાગ્રસ્‍ત ડમ્‍પરચાલક રાજેશનાથ નાથબાવા તથા લોકોનું ટોળુ જોઇ શકાય છે (ફોટોઃ અભીજીત બગથરીયા)

 

રાજકોટ તા. ૪: શહેરના મોરબી રોડ પર અર્જુન પાર્ટી પ્‍લોટ નજીક બેકાબુ ડમ્‍પરે એક સગીરને ઉલાળી દેતાં ઘટના સ્‍થળે જ કમકમાટી ભર્યુ મોત થયું હતું. બાદમાં આ ડમ્‍પર રોંગ સાઇડમાં ધસી ગયું હતું અને આગળ કાર સીહત ત્રણ વાહનોને પણ ઠોકરે લીધા હતાં. અકસ્‍માતમાં ડમ્‍પરના આગળના ભાગનો બૂકડો બોલી જતાં તેના ચાલક કચ્‍છ રાપર પંથકના યુવાનને ગંભીર ઇજા થતાં સારવાર હેઠળ છે. મૃત્‍યુ પામનાર સગીરના માતા-પિતા હયાત ન હોઇ તેના ભાઇ-ભાભી અને બહેન સાથે ઝૂપડામાં રહેતો હતો. તે દૂધ લેવા જતો હતો ત્‍યારે ડમ્‍પર કાળ બનીને આવ્‍યું હતું.

જાણવા મળ્‍યા મુજબ મોરબી રોડ પર અર્જુનપાર્ક પાસેની ઝૂંપડપટ્ટીમાં રહેતો વિજય ભીખાભાઈ વાઘેલા (ઉ.વ.૧૫)  સાંજે સાડા આઠેક વાગ્‍યા આસપાસ મોરબી રોડ પર જૂના જકાતનાકા પાસે ચાલીને દૂધ લેવા જતો હતો ત્‍યારે એક ડમ્‍પરની ઠોકરે ચડી જતાં ઘટના સ્‍થળે જ તેના દેહનો છુંદો બોલી જતાં કમકમાટી ભર્યુ મોત થયું હતું. આ પછી ડમ્‍પરના ચાલકે રોંગ સાઇડમાં ડમ્‍પર હંકારી મુક્‍યુ હતું ડિવાઇડર ઠેંકી બેડી ચોકડી તરફ જતાં એક કારને ઠોકર માર્યા બાદ ડમ્‍પર આગળ જઈને કેમિકલ ભરેલા ટેન્‍કર સાથે ધડાકાભેર અથડાયા પછી ઉભુ રહી ગયું હતું. આ બનાવને પગલે લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં.

ડમ્‍પરના આગળના ભાગનો બૂકડો બોલી જતાં અંદર ચાલક ફસાયો હતો. તેને પોલીસ, લોકો, ૧૦૮ના સ્‍ટાફે બહાર કાઢયો હતો. ડમ્‍પર ચાલકનું નામ રાજેશનાથ કનુનાથ નાથબાવા (ઉ.વ.૩૦) છે અને તે કપ્‍છના રાપર વાગડના લખાગઢમાં રહે છે. તે ચાર બહેનનો એક જ ભાઇ છે અને સંતાનમાં બે દિકરા છે. પોતે ડમ્‍પરમાં કોલસી ભરી ગોંડલ ખાલી કરવા ગયો હતો. ત્‍યાંથી પરત કચ્‍છ જઇ રહ્યો હતો. તે બેભાન અને ગંભીર હાલતમાં સારવારમાં હોઇ અકસ્‍માત કઇ રીતે સર્જાયો તે બહાર આવ્‍યું નથી.

ઘટના સ્‍થળે મૃત્‍યુ પામનાર દેવીપૂજક પરિવારનો વિજય વાઘેલા (ઉ.વ.૧૫)ના બે ભાઇના અગાઉ મૃત્‍યુ થઇ ગયા છે. તેનાથી નાની એક બહેન છે. માતા-પિતા પણ ન હોઇ હાલમાં તે કુટુંબી ભાઇ-ભાભી સાથે રહી ભીક્ષાવૃતિ કરતો હતો. સાંજે દુધ લેવા જતી વખતે કાળનો કોળીયો બની ગયાનું જણાવાયું હતું. બી-ડિવીઝનના એએસઆઇ કે. સી. સોઢાએ આ બનાવમાં મૃતકના કુટુંબી ભાભી બેબીબેન જીવણભાઇ વાઘેલીયા-વાઘેલાની ફરિયાદ પરથી ડમ્‍પર નં. જીજે૦૩-૧૨-બીટી-૨૮૭૦ના ચાલક વિરૂધ્‍ધ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. 

(2:14 PM IST)