News of Saturday, 4th October 2025
તું કેમ અમારી સાથે થાર ગાડી લઇને, ચેઇન પહેરીને આવ્યો? આકાશને ગર્લફ્રેન્ડની સખી સહિત ચારે ઢસડીને માર માર્યો
જામનગર રોડ પુનિતનગરનો યુવાન થારમાં ગર્લફ્રેન્ડને લઇ જમવા જતો હતો ત્યારે ગર્લફ્રેન્ડની સખીએ ફોન કરી કાલાવડ રોડ એલપીએલ કાફે ખાતે બોલાવ્યા બાદ ડખ્ખોઃ તાલુકા પોલીસે એટ્રોસીટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૪: જામનગર રોડ બજરંગવાડી પુનિતનગરમાં રહેતાં અને ફાયનાન્સની પેઢીમાં નોકરી કરતાં યુવાનને તે તેની બહેનપણી સાથે થાર ગાડી લઇને જમવા નીકળ્યો ત્યારે બહેનપણીની સખીએ ફોન કરી કાલાવડ રોડ પર એલપીએલ કાફે ખાતેથી પોતાને તેડી જવાનું કહેતાં તે બહેનપણી સાથે ત્યાં જતાં તેણી તથા તેની સાથેના બીજા ત્રણ શખ્સોએ જ્ઞાતિ અને નામ પુછી બાદમાં તું અમારી સાથે આવી ગાડી લઇને, ચેઇન પહેરીને કેમ આવે છે? કહી ગાળો દઇ જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરી ઢીકા-પાટુનો માર મારી ઢસડીને ઇજાઓ કરતાં ફરિયાદ થઇ છે.
આ બનાવમાં તાલુકા પોલીસે જામનગર રોડ પુનીતનગર-૨માં રહેતાં અને ડો. યાજ્ઞિક રોડ પર આવેલી માસ ફાયનાન્સ નામની ઓફિસમાં નોકરી કરતાં આકાશ અરૂણભાઇ સોઢા (ઉ.વ.૨૯)ની ફરિયાદ પરથી સીમી વૈષ્ણવ, અમરદીપ માલા, હરેશ માલા અને મનન મોચી વિરૂધ્ધ એટ્રોસીટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.
આકાશ સોઢાએ જણાવ્યું છે કે ૨૯/૯ના રોજ હું રાતે સાડા બારેક વાગ્યે મારી ફ્રેન્ડ સાથે થાર ગાડીમાં કાલાવડ રોડ પર જલારામ હોટલ ખાતે જમવા જતો હતો ત્યારે મારી ફ્રેન્ડના ફોનમાં તેની અન્ય કોઇ ફ્રેન્ડનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે હું એલપીએલ કાફે ખાતે છું, મારી સાથે બીજી બહેનપણી પણ છે. તું અમને અહિથી લઇ જા. આથી મારી ફ્રેન્ડે મને તેણીને લેવા જવાનું કહેતાં અમે બંને એલપીએલ કાફે ખાતે ગયા હતાં.
ત્યાં જતાં મારી ફ્રેન્ડની સખી સાથે ત્રણ શખ્સો આકાશ સોઢા, હરેશ માલા, અમરદીપ માલા અને મનન મોચી હતાં. આ વખતે ત્રણેયએ મને પુછેલુ કે તારું નામ શું છે? જેથી મેં આકાશ સોઢા છે તેવું કહેતાં આ શખ્સોએ તું દરબાર છો? તેમ પુછતાં મેં ના પાડી હતી અને મારી જ્ઞાતિ જણાવી હતી. આથી આ ત્રણેય અને સાથે મારી ફ્રેન્ડની બહેનપણી સીમી એમ ચારેય ઉશ્કેરાઇ ગયા હતાં અને તું નીચી જાતીનો છો, અમારી સામે થાર ગાડી લઇને આવા ચેઇન પહેરીને અમારી સામે ન અવાય તેમ કહી ગાળો દેતાં અને મને જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરતાં મેં તેને ગાળો દેવાની ના પાડતાં અમરદીપ, મનન, હરેશે મને થાર ગાડીમાંથી બહાર ખેંચી ગાળો દઇ ઢીકાપાટુનો માર માર્યો હતો. તેમજ મને ઢસડયો હતો.
આ પછી મારામારી કરી ત્રણેય ત્યાંથી ભાગી ગયા હતાં. મને ઇજા થઇ હોઇ અને પીડા થતી હોઇ ઘરે જઇ આરામ કરતો હતો. મારી ફ્રેન્ડ થકી હું સીમીને ઓળખુ છું. અમરદીપ, હરેશ, મનન એ નામો મને પાછળથી જાણવા મળ્યા હતાં. તેમ વધુમાં આકાશે કહેતાં તાલુકા પીઆઇ ડી. એમ. હરીપરાની રાહબરીમાં પીએસઆઇ પી. જે. પરમારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(2:41 PM IST)










