તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 4th October 2025
રણછોડનગરના વૃધ્ધા સવિતાબેન વેકરીયાની સોખડાની જમીનનો ખોટી સહીથી બોગસ દસ્તાવેજ બનાવી લેવાયો
મોટા મવામાં રહેતાં સવિતાબેનના સગા બહેન મંજુલાબેન લીલાએ પોતાના બે પુત્રો સાથે મળી કાવત્રુ ઘડી જમીન કૌભાંડ આચર્યાની ડીસીબી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

રાજકોટ તા. ૪: રણછોડનગરમાં રહેતાં વૃધ્ધાની સોખડા ગામે આવેલી બે એકર સંયુક્ત જમીનનો ભાગ આપવો ન પડે તે માટે ખુદ તેના જ બહેને પોતાના બે પુત્રો સાથે મળી કાવત્રુ ઘડી વૃધ્ધાની ખોટી સહિઓને આધારે બોગસ કુલમુખત્યારનામુ કરી બીજો દસ્તાવેજ કરી લઇ ઠગાઇ કરવામાં આવતાં આ બનાવમાં ડીસીબી પોલીસે રણછોડનગર-૯ વકરીયા રોડ પર શ્રી ભગવતી ખાતે રહેતાં સવિતાબેન કેશવભાઇ લીંબાસીયા (ઉ.વ.૬૬)ની ફરિયાદ પરથી મોટા મવામાં રહેતાં તેણીના સગા બહેન મંજુલાબેન પરષોત્તમ લીલા તથા અશ્વીન પરષોત્તમભાઇ લીલા, પરેશ પરષોત્તમભાઇ લીલા વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.
સવિતાબેને ફરિયાદમાં જણાવ્યું છેકે સોખડા નજીક આવેલ ૨ એકર ૨ ગુંઠા જમીન જે તેની અને તેના બહેનની સંયુક્ત માલિકીની હતી તેમાં ભાગ આપવો ન પડે તે માટે થઇને બહેને અને ભાણેજોએ મારી બોગસ સહીઓ કરી બનાવટી કુલમુખત્યારનામુ ઉભુ કરી દસ્તાવેજ કરી નાંખ્યો છે. સવિતાબેને પોલીસને જણાવ્યું કે તેણે તેના મોટાબહેન મોટાબહેન મંજૂલાબેન મંજુલાબેન તેના સગાભાઈ રવજીભાઈ નંદાણી પાસેથી ૧૯૯૬માં સોખડા પાસે ૨ એકર ૨ ગુંઠા જમીન ખરીદ કરી હતી. બાદમાં બંનેના ૭/૧૨માં નામ ચડી ગયા હતા. ત્રણેક વર્ષ પહેલાં તેણે જમીનના ૭/૧૨ કઢાવતાં જાણ થઈ હતી કે ૨૦૦૮માં તેણે અને તેના બહેને દામજી ચૌહાણને કુલમુખત્યારનામુ કરી આપ્યું હતું. જેના આધારે દામજી ચૌહાણે જમીનના દસ્તાવેજ તેની બહેનના દિકરા અશ્વિનને દસ્તાવેજ કરી આપેલ છે. તેમજ જમીનનાં ૭/૧૨માં તેનું નામ ચડી ગયું છે. તેણે આ મામલે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે તેની મોટી બહેન મંજુલાબહેન અને તેના બંને પુત્રોએ સ્ટેમ્પ પેપર ખરીદી, નોટરી રૂબરૂ દામજી ચૌહાણને જમીનનું કુલમુખત્યારનામું આપ્યા અંગેનું લખાણ કર્યું હતું. તેમજ તેની જાણ બહાર તેની ખોટી સહી કરવામાં આવી હતી. નોટરીના ચોપડે પણ કુલમુખત્યારનામુ આપેલ ન હોવા છતાં ખોટી સહી કરી હતી. તે દામજીને ઓળખતા ન હોય અને તેને કુલમુખત્યારનામું આપેલ ન હોય છતાં જાણ બહાર કુલમુખત્યારનામું તૈયાર કરવામાં આવ્યું હતું.
આ કુલમુખત્યારનામું તા.૭-૮-૨૦૦૮ના રોજ તૈયાર થયું હતું. જેના ૧૨ દિવસ પછી દામજી ચૌહાણે અશ્વિન પટેલને સબ રજીસ્ટ્રાર કચેરીમાં કુલમુખત્યારનામાના આધારે દસ્તાવેજ રૂ. પ૦ હજાર રોકડામાં કરી આપ્યો હતો. આ દસ્તાવેજમાં ઓનલાઈન સ્ટેમ્પનો ઉપયોગ થયો હોવાથી જોતાં ખરીદનાર વકિલ પરેશ લીલા અને જમીન વેચનાર તરીકે તેનું નામ દર્શાવેલ હતું. આ સ્ટેમ્પ ઓનલાઈન ૩૦-૩-૨૦૦૮ના ખરીદ કરાયો હતો. સ્ટેમ્પ ડયુટી રૂ.૩૪૦૦ ભરવામાં આવી હતી. તે તારીખ એટલે કે ૩૦-૩-૨૦૦૮ના કહેવાતું કુલમુખત્યારનામું અસ્તિત્વમાં જ ન હતું. સ્ટેમ્પ ખરીદાયાના ત્રણ માસ બાદ ૭-૬-૨૦૦૮ના કરાયું હતું. આમ ફુલમુખત્યારનામું જે દિવસે થયેલ હતું તેના બાર દિવસ પછી અશ્વિન લીલાના નામે કુલમુખત્યારનામાના આધારે દસ્તાવેજ કરાયો હતો.
આ રીતે મંજુલાબેનને જમીનમાં ભાગ ન આપવા માટે તરકટ રચી ખોટા ડોકયુમેન્ટ ઉભા કરી જમીન પચાવી પાડવા તેના બહેન મંજુલાબહેન અને તેના બંને પુત્રો પરેશ અને અશ્વિને બનાવટી ડોકયુમેન્ટ બનાવટી સહીના આધારે ઉભા કરી અશ્વિનના નામે તેમની જાણ બહાર દસ્તાવેજ કરી લીધો હતો. તેમ ફરિયાદમાં જણાવાતાં ડીસીબી પીએસઆઇ સી. બી. જાડેજાએ તપાસ હાથ ધરી છે. (૧૪.૭)
(4:17 PM IST)










