News of Saturday, 4th October 2025
૧૩ વર્ષની બાળાના અપહરણમાં ૨૩ વર્ષથી ફરાર મહિલાને પેરોલ ફરલો સ્ક્વોડે ઝડપી
અનુ નામના આદીવાસી શખ્સે રૈયા રોડ પરથી ૨૦૦૩માં બાળાને ભગાડી હતીઃ એ ગુનામાં સવિતાએ મદદ કરી હતીઃ પીઆઇ બી. એમ. ઝણકાત અને ટીમે અમદાવાદથી પકડી : પતિના અવસાન પછી સવિતાએ આરોપી દિયર અનુ સાથે લગ્ન કરી લીધા હતાં: નવુ નામ ટીબુ પારગી રાખી લીધુ હતું

રાજકોટ તા.૪: શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ૨૩ વર્ષ પહેલા ૧૩ વર્ષની બાળાના અપહરણનો ગુનો નોંધાયો હતો. આદિવાસી શખ્સે આ બાળાનું અપહરણ કર્યુ હતું. જે તે વખતે બાળાને ભગાડી જનાર મુખ્ય આરોપી પકડાઇ ગયો હતો. આ ગુનામાં તેને મદદ કરનાર તેણીની તે વખતે કૌટુંબીક ભાભી અને હાલમાં પત્નિ તરીકે રહેતી મહિલાનું સહઆરોપી તરીકે નામ ખુલ્યું હતું. આ મહિલા સતત ત્રેવીસ વર્ષથી ફરાર હોઇ તેને શહેર પેરોલ ફરલો સ્ક્વોડે અમદાવાદથી શોધી કાઢી છે.
જાણવા મળ્યા મુજબ વર્ષ ૨૦૦૩માં રૈયા ચોકડી નજીક આવેલા ઘંટાકર્ણ મંદિર નજીકથી ૧૩ વર્ષની બાળાને અનુ લાલાભાઇ આદિવાસી નામનો શખ્સ ભગાડીગયો હતો. તે વખતે આ ગુનામાં અનુને તેની કૌટુંબીક ભાભી સવિતાબ નાગજી આદિવાસીએ પણ મદદ કરી હોઇ બંને વિરૂધ્ધ ગુનો નોંધાયો હતો. જે તે વખતે મુખ્ય આરોપી અનુને પોલીસે શોધી કાઢી બાળાને મુક્ત કરાવી હતી. ત્યારથી એટલે કે સતત ૨૩ વર્ષથી સહઆરોપી સવિતા ફરાર હતી.
દરમિયાન પેરોલ ફરલો સ્ક્વોડને બાતમી મળી હતી કે આ ગુનામાં મુખ્ય આરોપી અનુ જેલમાંથી છુટયા બાદ તેની કૌટુંબીક ભાભી સવિતાના પતિનું મૃત્યુ થઇ જતાં સવિતાએ અનુ સાથે લગ્ન કરી લીધા હતાં અને હાલ સવિતા અમદાવાદ પીરાણા પીપલજ રોડ નંદન ડેનીમ મીલ પાસે રહે છે. તેમજ તેણે પોતાનું નામ બદલીને ટીબુબેન અનુભાઇ લાલાભાઇ પારગી કરી લીધું છે. આ બાતમી પરથી પોલીસે અમદાવાદ પહોંચી મુળ મધ્યપ્રદેશની સવિતા ઉર્ફ ટીબુ કે જેની ઉમર હાલ ૫૬ વર્ષ છે તેને પકડી લીધી હતી અને ગાંધીગ્રામ પોલીસને સોંપી હતી.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ ભરત બસીયાની સુચના અંતર્ગત પીઆઇ બી. એમ. ઝણકાત, પીએસઆઇ જે. જી. તેરૈયા, એએસઆઇ ઝહીરખાન ખફીફ, ધર્મેન્દ્રસિંહ ઝાલા, લાલજીભાઇ ડાંગર, હેડકોન્સ. રાજદિપસિંહ ચોહાણ, સિરાજભાઇ ચાનીયા, રોહિતભાઇ કછોટ, નરેન્દ્રભાઇ ગઢવી, કોન્સ. કુલદીપસિંહ જાડેજા, શાંતુબેન મુળીયા અને ડ્રા.કોન્સ. દોલતસિંહ રાઠોડે આ કામગીરી કરી હતી.
(4:16 PM IST)










