<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th October 2025

ઓનલાઇન ગેરકાયદેસર ઉતેજક દવાઓ વેચી બળજબરીથી રૂપીયા પડાવતી ટોળકી પકડાઇ

ભાયાવદર પોલીસે મુખ્‍ય સુત્રધાર દર્શક જાવીયા તથા તેના ૮ સાગ્રીતોને દબોચી લીધા : પ્રેસ કોન્‍ફરન્‍સમાં વિગતો જાહેર કરશે રૂરલ એસપી વિજયસિંહ ગુર્જર : ફેસબુકમાં જાહેરાત આપી પોતે ડોકટર હોવાની ઓળખ આપી ગેરકાયદેસર રીતે ઉતેજક, ડાયાબીટીસ અને વજન ઘટાડવાની દવાઓ માટે ફોર્મ ભરાવતા અને બાદમાં દવા ન લેતા તો ધમકીભર્યા ફોન કરી બળજબરીથી દવાનું વેચાણ કરતા'તા : ભાયાવદરના પીઆઇ વી.સી. પરમાર તથા સ્‍ટાફે ટોળકીના કારસ્‍તાનનો પર્દાફાશ કર્યો : આ ટોળકીએ અનેક લોકોને ખંખેર્યા હોવાની શંકા

રાજકોટ, તા., ૪: ભાયાવદર પંથકમાં  ડોકટર હોવાની ઓળખ આપી ઓનલાઇન ગેરકાયદેસર ઉતેજક સહિતની દવાઓ વેચી રૂપીયા પડાવતી ટોળકીનો ભાયાવદર પોલીસે પર્દાફાશ કરી ટોળકીના મુખ્‍ય સુત્રધાર સહીત ૯ શખ્‍સોને ઝડપી લઇ પુછતાછ હાથ ધરી છે. આ અંગે આજે બપોરે યોજાનાર પ્રેસ કોન્‍ફરન્‍સમાં રૂરલ એસપી વિજયસિંહ ગુર્જર વધુ વિગતો જાહેર કરનાર છે.

મળતી વિગતો મુજબ ભાયાવદર પંથકમાં દર્શક જાવીયા (રહે. ભાયાવદર) તથા તેના અન્‍ય ૮ સાગ્રીતો ફેસબુકમાં સેકસમાં ઉતેજીત કરતી દવા, ડાયાબીટીસ તથા વજન ઘટાડવાની દવાની જાહેરાત આપતા હતા. અને આ જાહેરાતનો વોટસએપ નંબર આપી કોઇ ઇન્‍કવાયરી આવે તો કસ્‍ટમરને ફોર્મ ભરવાનું કહેતા હતા. ફોર્મ ભર્યા બાદ જે તે દવા કુરીયર મારફત મોકલાતી હતી. જો કે સેકસમાં ઉતેજીત કરતી દવાઓનો ઓર્ડર કન્‍ફોર્મ કર્યા બાદ કોઇ ગ્રાહક આ દવા લેવાની ના પાડે તો તેને આ ટોળકી ધાક-ધમકીભર્યા ફોન કરી ફરજીયાત દવા વેચાણ કરી રૂપીયા પડાવતા હતા.

આ અંગે ભોગ બનેલ એક ગ્રાહકે ભાયાવદર પોલીસને જાણ કરતા પીઆઇ વી.સી. પરમાર તથા સ્‍ટાફે તપાસ કરી  ડોકટર હોવાની ખોટી જાહેરાત કરી  ઓનલાઇન ગેરકાયદેસર દવા વેચતા ભાયાવદરના દર્શક જાવીયા તથા તેના ૮ સાગ્રીતોને ઝડપી લીધા હતા.

પોલીસ સુત્રોના જણાવ્‍યા મુજબ આ ટોળકી સેકસમાં ઉતેજીત કરતી દવાઓનો ઓર્ડર કન્‍ફોર્મ કર્યા બાદ ગ્રાહક દવા લેવાની ના પાડે તો આ ગ્રાહકને તેના કુટુંબ કે સમાજમાં બદનામ કરી દઇશે તેવી ધમકી આપી ફરજીયાત દવાનું વેચાણ કરી રૂપીયા પડાવતા હોવાનું ખુલ્‍યુંછે. . આ અંગે વધુ વિગતો રૂરલ એસપી વિજયસિંહ ગુર્જરે બપોરે યોજાનાર પ્રેસ કોન્‍ફરન્‍સમાં જાહેર કરશે. 

(3:24 PM IST)