<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th October 2025

ધરમનગરમાં રોડ મામલે મહિલાઓ રણચંડી બનીઃ રસ્‍તા રોકયા

છેલ્લા ૩-૩ વર્ષથી ૧પ૦ ફુટ રીંગ રોડ સ્‍થિત સોસાયટી ખાડા બુરવાની રાહમાં કોન્‍ટ્રાકટર ઉડાઉ જવાબ આપતો હોવાની તથા મોરમના બદલે માટી બીછાવી દીધાની રાવ

રાજકોટ, તા.૪: શહેરના ૧૫૦ ફુટ રોડ નજીક આવેલા વોર્ડ નં.૧૧ના ધરમનગર વિસ્‍તારમાં ત્રણ-ત્રણ વર્ષથી ભાંગેલા રોડની સમસ્‍યા હોય અને ચોમાસુ વિતવા છતાં કોઈ પરિણામ ન આવતા ગઇકાલે વિસ્‍તારના બહેનોએ રસ્‍તા રોકો આંદોલન કર્યુ હતું. ભાજપના મહિલા કાર્યકરે જ પોતાને હવે જવાબ આપવો ભારે પડતો હોવાની ફરિયાદ કરી હતી.

વોર્ડ નં.૧૧માં આવેલા આ ધરમનગર વિસ્‍તારમાં ત્રણ વર્ષ અગાઉથી પાણીની ડીઆઇ પાઇપલાઇન નાંખવાનું કામ ચાલે છે. બે-બે ચોમાસા વિતવા છતાં પાઈપલાુન પાથર્યા બાદ ખાડા બુરવા કે નવા રોડ કરવાના કામ થતા નથી. હવે લોકોની ધીરજ ખુટતા ગઇકાલે સાંજે બહેનો વિસ્‍તારમાં એકઠા થયા હતા અને રોડ પર રસ્‍તા રોકો આંદોલન કર્યુ હતું.

ભાજપના મહિલા કાર્યકરે કહ્યું હતું કે તેઓ પાસે લોકો અવારનવાર રજુઆત લઇને આવે છે. લોકોની તકલીફ નજરે દેખાય એવી છે. પાઇપલાઇનનું કામ કયારે પુરૂ થશે અને કયારે પાકો રોડ બનશે તે લોકો પૂછી રહ્યા છે. થોડા દિવસો પહેલા નળની પાઇપલાઇન પણ ચાલુ કામે તોડી પાડી હતી. ભાંગેલા રસ્‍તા પર મેટલ-મોરમના બદલે માટી નાંખી દેવામાં આવે છે જેનાથી ગારો થાય છે. એક વખત મોરમના બદલે માટી નાંખી જવાતા બીજા જ દિવસે ટ્રેકટરમાં ભરવાની ફરજ પડી હતી.

આ અંગે કોન્‍ટ્રાકટરને રજુઆત કરવામાં આવતા તેઓ દ્વારા ઉડાઉ જવાબ આપવામાં આવે છે. હવે વિસ્‍તારના કોર્પોરેટરો અને પદાધિકારીઓ ભાંગેલા રસ્‍તાની આ સમસ્‍યા દુર કરે અને પાઇપલાઇનનું કામ પૂર્ણ કરે તેવી રજુઆત થઇ છે.(૬.૧૯)

(3:55 PM IST)