તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 5th October 2025
રાજકોટ જિલ્લામાં વાહનચાલકો માટે એક મોટી રાહતના સમાચારઃ પીઠડીયા અને ભરૂડીયા ટોલ પ્લાઝા પર ટોલદરમાં ઘટાડો
બીજી તરફ ઉપલેટા ડુમયાણી ટોલ પ્લાઝા પર કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથીઃ ઘટાડેલા દર ખાસ કરીને કોમર્શિયલ વાહનો માટે લાગુ

રાજકોટઃ રાજકોટ જિલ્લામાં વાહનચાલકો માટે એક મોટી રાહતની ખબર સામે આવી છે. પરંતુ આ રાહત દરેક માટે નથી. કેટલાક ટોલ પ્લાઝા પર દર ઘટાડાયા છે, તો કેટલાક પર જૂના દર જ ચાલુ રહેશે. હવે પ્રશ્ન એ છે કે કયા વાહનોને ફાયદો મળશે અને કયા હજુ પણ એ જ દર ચૂકવવા પડશે?
નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) દ્વારા 1 ઓક્ટોબરથી ટોલદરમાં ઘટાડાની જાહેરાત કરવામાં આવી હતી. તેના અંતર્ગત રાજકોટ જિલ્લાના પીઠડીયા અને ભરૂડીયા ટોલ પ્લાઝા પર ટોલદરમાં ઘટાડો કરવામાં આવ્યો છે. બીજી તરફ ઉપલેટા ડુમયાણી ટોલ પ્લાઝા પર કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી, જેથી આ વિસ્તારમાંથી પસાર થનારા વાહનચાલકોને કોઈ રાહત મળી નથી.
ઘટાડેલા દર ખાસ કરીને કોમર્શિયલ વાહનો માટે લાગુ કરવામાં આવ્યા છે. બસ, ટ્રક અને મીની બસ જેવા વાહનોના ટોલમાં 5 રૂપિયાનો ઘટાડો થયો છે. આ નિર્ણયથી ખાસ કરીને મોટા હેવી વાહનોના ડ્રાઈવરોને સીધી સહુલિયત મળી છે. લાંબી મુસાફરી કરનારા ટ્રાન્સપોર્ટર્સ માટે આ થોડો પણ ઘટાડો રાહતરૂપ સાબિત થશે.
તેમ છતાં નાના વાહનચાલકો માટે કોઈ રાહત જાહેર કરવામાં આવી નથી. કાર, જીપ જેવા નાના વાહનોના ટોલદરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. એટલે કે, સામાન્ય લોકો માટે હજીપણ જૂના દર જ ચાલુ રહેશે. આ કારણે ખાનગી વાહનચાલકોમાં નિરાશા જોવા મળી રહી છે.
(11:13 AM IST)










