તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Monday, 6th October 2025
શાપરથી કોઠારીયા સોલવન્ટના દીપકનું અપહરણ કરી રાજકોટ, નવાગામ પાસે બેફામ ધોલાઇ કરી ડામ દીધા
એક વર્ષ પહેલા વિજયની ભાડાની રિક્ષા દીપક ફેરવતો ત્યારે પાંચ હજારનો દંડ થયો હોઇ તેની લેતીદેતી મામલે ચાલતો ડખ્ખો વકર્યો : હુડકોના વિજય અને અજાણ્યાએ ટુવ્હીલરમાં ઉઠાવી કાલાવડ રોડના ફલેટમાં લઇ જઇ ફટકાર્યો, પછી નવાગામમાં માર્યો અને વાંકાનેર તરફ જતાં હતાં ત્યાં શાપર પોલીસ મોબાઇલ લોકેશનને આધારે પહોંચી જતાં મુક્ત થતાં સારવાર માટે દાખલ થયો

રાજકોટ તા. ૬ : શહેરના કોઠારીયા સોલવન્ટ વિસ્તાર ત્રણ માળીયા ક્વાર્ટરમાં રહેતાં દિપક મનોજભાઇ રાઠોડ (ઉ.વ.૨૨) નામના યુવાનને તે સાંજે છએક વાગ્યે શાપરના પૂલ નીચે હતો ત્યાંથી બે શખ્સો ટુવ્હીલરમાં વચ્ચે બેસાડી અપહરણ કરી રાજકોટના કાલાવડ રોડ પર કોઇ ફલેટમાં લઇ ગયા બાદ મારકુટ કરી ત્યાંથી નવાગામ અને નવાગામથી કુવાડવા વાંકાનેર હાઇવે પરના કોઇ ખેતર પાસે લઇ જઇ બેફામ માર મારતાં સારવાર માટે દાખલ થયો છે. ભાડાની રિક્ષા ડિટેઇન થઇ હોઇ તેના પાંચ હજાર રૂપિયાની ઉઘરાણી મામલે ડખ્ખો થયો હતો. યુવાનનું અપહરણ થયું તે તેનો મિત્ર જોઇ ગયો હોઇ પોલીસને જાણ થતાં લોકેશનને આધારે કુવાડવા વાંકાનેરના પીપળીયા ગામેથી આ અપહૃતને મુક્ત કરાવ્યો હતો.જાણવા મળ્યા મુજબ કોઠારીયા સોલવન્ટમાં રહેતો દિપક રાઠોડ મોડી રાતે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો હતો. તેણે પોતાનું અપહરણ કરી મારકુટ કરવામાં આવ્યાનું કહેતાં તબિબે પોલીસ કેસ જાહેર કરતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે શાપર પોલીસને જાણ કરી હતી. દિપક બે ભાઇમાં મોટો છે અને રિક્ષા હંકારી ગુજરાન ચલાવે છે.
હોસ્પિટલના બિછાનેથી દિપકે કહ્યું હતું કે હું એક વર્ષ પહેલા રાજકોટ હુડકોના વિજયની રિક્ષા ભાડેથી ફેરવતો હતો. તે વખતે ગોંડલમાં નો-પાર્કિંગ સહિતનો રિક્ષાનો પાંચ હજાર જેવો દંડ થયો હતો. આ રકમ જે તે વખતે રિક્ષા માલિક વિજયએ ભરપાઇ કરી હતી. જે મારે તેને આપવાની હતી. પણ આ રકમ આપી શક્યો નહોતો. બાદમાં તે કોઇ ગુનામાં જેલમાં ગયો હતો. થોડા દિવસ પહેલા જ તેનો છુટકારો થયો હોઇ જુના પૈસાની લેતીદેતીનો ખાર રાખી તે ગત સાંજે છએક વાગ્યે હું શાપર પૂલ નીચે રિક્ષા લઇને ઉભો હતો ત્યાં અજાણ્યા શખ્સ સાથે આવ્યો હતો. આ બંને જણા મને બળજબરીથી તેના ટુવ્હીલરમાં વચ્ચે બેસાડી ઉપાડી ગયા હતાં. આ વખતે મારો મિત્ર વિશાલ ત્યાં ઉભો હોઇ તેણે મારા કાકા રાજુભાઇને વાત કરી હતી અને મારા કાકાએ શાપર પોલીસને જાણ કરી હતી.
આ લોકો મને પહેલા રાજકોટ કાલાવડ રોડના કોઇ ફલેટમાં લઇ ગયા હતાં. જ્યાં બીજા અજાણ્યા શખ્સો પણ હતાં. અહિ મને ધોકા-પાઇપથી ફટકારી બીડી-સિગારેટના ડામ દીધા હતાં. પછી ત્યાંથી ફરી ટુવ્હીલરમાં બેસાડી નવાગામ તરફ લઇ ગયા હતાં. ત્યાં પણ બેફામ માર માર્યો હતો. બાદમાં કુવાડવાથી વાંકાનેર તરફના રસ્તે લઇને જતાં હતાં. હું રસતામાં કંઇ બોલુ તો સીધા મારકુટ કરવા માંડતા હતાં. જુના પૈસાની લેતીદેતી મામલે મારુ અપહરણ કરી ેબેફામ માર માર્યો હતો. અન્ય અજાણ્યા શખ્સો પણ વિજય અને અભયની સાથે અન્ય ટુવ્હીલરમાં અમારી સાથે સાથે હતાં.
અમે પીપળીયા નજીક પહોંચ્યા ત્યારે ફોન લોકેશનને આધારે શાપર પોલીસ કાર લઇને અમારા સુધી પહોંચી ગઇ હતી અને મને મુક્ત કરાવી બે શખ્સને પકડી લીધા હતાં. બીજા અજાણ્યા ભાગી ગયા હતાં. મારકુટને કારણે મને ભારે દુઃખાવો થતો હોઇ સારવાર માટે દાખલ થયો હતો. તેમ વધુમાં દીપકે કહેતાં શાપર પોલીસે તપાસ હાથ ધરી છે. (૧૪.૫)
(2:50 PM IST)










