News of Monday, 6th October 2025
રાધિકા પાર્કની પ્રાચીન ગરબીમાં બાળાઓની રમઝટ

રાજકોટ : મા આદ્યશકિના નવલા નવ નોરતાની રંગેચંગે પુર્ણાહૂતિ થઇ. ત્યારે નાણાવટી ચોક પાસે સ્ટરલીંગ હોસ્પિટલની પાછળ આવેલા રાધીકા પાર્કમાં રિધ્ધી-સિધ્ધિ ગરબી મંડળનું આયોજન કરવામાં આવે છે. આ ગરબીનું સંચાલન બહેનો દ્વારા કરવામાં આવે છે. આ વર્ષે રપ દીકરોએ અવનવા રાસ રજુ કર્યા. જેમાં તાલી રાસ, કરતાલ રાસ, ખંજરી રાસ, ટીપ્પણી રાસ, અંઠુગો મંડળી રાસ, ત્રિશુલ રાસ, દીવડા રાસ, ડાંડીયા રાસ, સહિતના રાસ રજુ કર્યા હતાં. જેમાં બરસાને કે છોરી રાસ અને મધર રાસ વિશેષ હતાં. મધર રાસમાં દરેક દિકરીઓની માતાઓ પણ ગરબે રમ્યા હતાં. રાસોત્સવ નિહાળવા બહોળી સંખ્યામાં લોકો ઉમટયા હતાં. તેમજ અઠુંગો મંડળી રાસમાં નવરાત્રીના નવ દિવસના માતાજીનું મહત્વ સમજાવ્યું હતું. ખોડીયાર મા તથા અંબા માંની ઉત્પતિ અંગે બે નાટકો બાળાઓએ રજૂ કર્યા હતાં. બાળાઓને લ્હાણીમાં સોના-ચાંદી બુટી, ચુક, સિકકા તથા અન્ય પ૭ જેટલી વસ્તુઓ આપવામાં આવી. આ આયોજન માટે બીનાબેન ટેવાણી, હીનાબેન વોરા, શર્મીલાબેન રાઠવા, અલ્કાબેન લાઠીયા, રીટાબેન ઘીયા, કવિતાબેન જોષી અને માંતગીબેન પંડયાએ જહેમત ઉઠાવી હતી.
(3:15 PM IST)










