તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 6th October 2025
પ્રેમી પંખીડાએ ટ્રેન હેઠળ જિંદગી ટૂંકાવી
છુટાછેડા લઇ ચુકેલી શાપરની ૨૫ વર્ષિય મધુ રાઠોડ અને બે સંતાનના પિતા ૩૬ વર્ષના પરષોત્તમ ચાવડા વચ્ચે પ્રેમ હોઇ વીસ દિવસ પહેલા ઘરેથી નીકળી ગયા હતાં: સમાજ એક નહિ થવા દે તેવા ભયથી કાંગશીયાળી પાસે સજોડે આપઘાત કર્યાની શક્યતાઃ પરિવારોમાં શોકની કાલીમા

રાજકોટ તા. ૬: શાપરનો પરણીત યુવાન અને છુટાછેડા લીધેલી યુવતિ વચ્ચે પ્રેમસંબંધ હોઇ બંને વીસ દિવસ પહેલા ભાગી ગયા હતાં. યુવતિ ગૂમ થયાની પરિવારજનોએ પોલીસને જાણ કરી હતી. દરમિયાન આ બંને પ્રેમીપંખીડાએ શાપર નજીક ગોંડલ રોડ પર ખોખડદળ ફાટક નજીક કાંગશીયાળીની સીમમાં ટ્રેન હેઠળ પડતું મુકી આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ છે.
જાણવા મળ્યા મુજબ કાંગશીયાળી ગામની સીમમાં સવારે એક યુવાન અને યુવતિએ ટ્રેન હેઠળ પડતું મુકતાં બેંનના દેહના છુંદા નીકળી જતાં ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત થયું હતું. બનાવની જાણ થતાં શાપર વેરાવળ પોલીસ સ્ટેશનના એએસઆઇ મુકેશભાઇ ડાભી સહિતે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. પોલીસે મૃતકોનો ઓળખ મેળવવા તપાસ હાથ ધરી હતી. દરમિયાન એક યુવતિ ગૂમ થયાની શાપર પોલીસમાં નોંધ થઇ હોઇ તેના આધારે તપાસ કરતાં આ યુવતિ શાપરની સર્વોદય સોસાયટીમાં રહેતી મધુબેન જેન્તીભાઇ રાઠોડ (ઉ.વ.૨૫) હોવાની ઓળખ થઇ હતી.
પોલીસે વધુ તપાસ કરતાં આ યુવતિની સાથે મૃતયુ પામનાર યુવાન પણ શાપર વેરાવળના પારડીમાં રહેતો પરષોત્તમ મગનભાઇ ચાવડા (ઉ.વ.૩૬) હોવાનું ખુલતાં પોલીસે બેંને મૃતકના પરિવારજનોને બોલાવી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડયા હતાં. પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ યુવતિ મધુબેનના અગાઉ છુટાછેડા થઇ ગયા હતાં. તેણી ચાર બહેન અને એક ભાઇમાં વચેટ હતી.
જ્યારે યુવાન પરષોત્તમ પરિણીત હતો અને છુટક મજૂરી કરતો હતો. તેને સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. તે બે ભાઇમાં મોટો હતો. પરષોત્તમ અને મધુ વચ્ચે પ્રેમ હોઇ સમાજ એક નહિ થવા દે તેવું લાગતાં વીસેક દિવસ પહેલા બંને ગાયબ થઇ ગયા હતાં. આજે સવારે ટ્રેનના પાટે બંનેએ જિંદગીનો અંત આણી લેતાં બંનેના પરિવારોમાં કલ્પાંત સર્જાયો હતો. (૧૪.૧૦)
(3:28 PM IST)










