News of Monday, 6th October 2025
પોલીસ સ્ટેશનમાં સગીરના વાળ ખેંચી કાઢવાની ઘટનામાં એસીપી દ્વારા તપાસનો ધમધમાટ
જો ભોગ બનનાર ફરિયાદી નહિ બને તો સરકાર તરફે ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવશેઃ રાધીકા ભારાઇ

રાજકોટ તા. ૬: શહેરના ગાંધીગ્રામ પોલીસ મથકમાં છરીથી હુમલો કરવાના કેસમાં કેસમાં પકડાયેલા સગીર આરોપીના બર્બરતાથી હાથેથી વાળ ખેંચવાનો વીડિયો વાયરલ થયા બાદ તાત્કાલિક અસરથી પોલીસ મથકના બે કોન્સ્ટેબલ પ્રદિપ ડાંગર અને સહદેવસિંહ જાડેજાની બદલી કરી હેડ કવાર્ટર અને શાખામાં કરી દેવામાં આવી છે. બીજી તરફ આ સમગ્ર ઘટનાની એસીપી રાધીકા ભારાઇએ તપાસ હાથ ધરી છે. તેમણે જણાવ્યું હતું કે આ મામલે ફરિયાદી તરફથી કોઇ ફરિયાદ નહિ થાય તો સરકાર પક્ષે અજાણ્યા સામે ગુનો દાખલ કરી તપાસ કરવામાં આવશે.
જાણવા મળ્યા મુજબ રૈયા રોડ પરના કનૈયા ચોક પાસે ગઈ તા.૩૧મીએ એક યુવક પર પાંચ શખ્સોએ છરી વડે હુમલો કર્યો હતો. હુમલો એટલો ઝનૂનથી કરવામાં આવ્યો હતો કે યુવકના શરીરમાં છરી ખૂંપી ગઈ હતી. જે તબીબોએ બહાર કાઢી હતી. ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી એક સગીર સહિત કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાંથી સગીર આરોપીના ગાંધીગ્રામ પોલીસ મથકમાં સફાઈ કામદાર તરીકે રખાયેલો શૈલેષ ચૌહાણ હાથેથી વાળ ખેંચતો હોવાનો વીડિયો વાયરલ થયો હતો. વાળ જોરથી ખેંચી મુળમાંથી ઉખેડી શૈલેષ ચૌહાણ હસતા હસતા આ વાળ નજીકની કચરાપેટીમાં નાખતો પણ વીડિયોમાં દેખાયો હતો.
આ વિડીયોને કારણે ઉહાપોહ મચી ગયો હતો.વાયરલ થયેલા આ વીડિયોને અધિકારીઓએ તાત્કાલિક અસરથી આ કેસની એસીપી રાધીકા ભારાઈને ઈન્કવાયરી સોંપી હોઇ તેમણે તપાસ શરૂ કરી દીધી છે. ગાંધીગ્રામ પોલીસ મથકમાં સફાઈ કર્મચારી તરીકે કામ કરતાં શૈલેષ ચૌહાણને છુટ્ટો કરી દેવામાં આવ્યો છે. જો કે હાલ ભોગ બનનાર તરફથી કોઇ ફરિયાદ થઇ નથી. જો તે ફરિયાદી નહિ બને તો સરકાર તરફે ફયિરાદદ દાખલ થશે. હાલ સીસીટીવી ફૂટેજ અંગે પણ તપાસ થઇ રહી છે.
(4:06 PM IST)










