તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Tuesday, 7th October 2025
ટેરો કાર્ડ રીડર લંડનના કેપ્ટન માઇક પાઇલોટ (મુકુંદભાઇ પટેલ)નું રાજકોટમાં હૃદય બેસી ગયું
મુળ મોટી મેંગણીના વતની લંડનથી દર બે મહિને રાજકોટ આવી ઇમ્પિરીયલ પેલેસ હોટેલમાં ઉતરતાં હતાં: સાંજે તબિયત બગડતાં હોસ્પિટલમાં ખસેડાયા પણ જીવ ન બચ્યો

રાજકોટ તા. ૭: મુળ લોધીકાના મોટી મેંગણીના વતની અને વર્ષોથી લંડન સ્થાયી થયેલા ટેરો કાર્ડ રીડર કેપ્ટન માઇક પટેલ તરીકે ઓળખાતા મુકુંદભાઇ કુરજીભાઇ પટેલ (ઉ.વ.૭૨)નું રાજકોટની હોટેલમાં હૃદય રોગનો હુમલો આવી જવાથી મૃત્યુ થયું છે. તેઓ દર બે મહિને લંડનથી રાજકોટ આવતાં હતાં.
જાણવા મળ્યા મુજબ લંડન રહેતાં મુકુંદભાઇ કુરજીભાઇ પટેલ (ઉ.વ.૭૨) ગત તા. ૪/૧૦ના રોજ લંડનથી રાજકોટ આવ્યા હતાં અને અહિ ડો. યાજ્ઞિક રોડ પર આવેલી ધ ઇમ્પિરીયલ પેલેસ હોટેલ ખાતે રોકાયા હતાં. તેઓ ટેરો કાર્ડ રીડર (જ્યોતિષ) તરીકે કામ કરતાં હતાં. આ કારણે દર બે મહિને રાજકોટ આવતાં હતાં. તેઓ બે ભાઇ અને એક બહેનમાં મોટા અને અપરિણીત હતાં. મોટી મેંગણીના વતની મુકુંદભાઇ પટેલ અને તેમના બીજા ભાઇઓ, બહેન સહિતના વર્ષોથી લંડન સ્થાયી થયા છે.
મુકુંદભાઇ પટેલ કે જેઓ પાઇલોટનું લાયસન્સ ધરાવતાં હોઇ કેપ્ટન માઇક પટેલ તરીકે પણ ઓળખાતા હતાં. ટેરો કાર્ડ રીડરના અચ્છા જાણકાર એવા મુકુંદભાઇ ગત સાંજે હોટેલ ખાતે હતાં ત્યારે હૃદય રોગનો હુમલો આવતાં તેમની સાથેના વ્યક્તિએ ૧૦૮ બોલાવી સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતાં અને રાજકોટ રહેતાં સગાઓને જાણ કરતાં બધા હોસ્પિટલે પહોંચ્યા હતાં. જો કે સારવાર દરમિયાન મુકુંદભાઇ પટેલનું મૃત્યુ નિપજતાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, અમૃતભાઇ મકવાણા, ધર્મેન્દ્રભાઇ ચાવડા, પ્રકાશભાઇ રાઠોડ, ધર્મેન્દ્રભાઇ હુદડે જાણ કરતાં એ-ડિવીઝનના હેડકોન્સ. રમેશભાઇ ચોૈહાણે જરૂરી કાર્યવાહી કરી હતી.
(12:18 PM IST)










