<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th October 2025

ફેસબૂક ફ્રેન્‍ડ બનાવી જીવરાજ પાર્કના એમ.આર. યુવાન સાથે ક્રિપ્‍ટોના નામે રૂા. ૩૧.૫૦ની ઠગાઇ

શરૂઆતમાં ૧૦૦૦ના રોકાણ પર ૧૨૫૦૦ નફો દેખાયોઃ પછી યુવાને અલગ અલગ ૧૩ ખાતામાં રોકાણ કરી દીધું : નફા સાથે રકમ વીડ્રો કરવા જતાં વધુ ૧૫૦૦૦ ડોલર જમા કરવાનું કહેવાયું: હાર્દિક ઉમરાણીયાની ફરિયાદ પરથી સાયબર ક્રાઇમ પીઆઇ પી.આર. ડોબરીયાએ તપાસ આરંભી

રાજકોટ તા.૭: સોશિયલ મિડીયા પર ફ્રેન્‍ડ બનાવી યુએસડીટી-ક્રિપ્‍ટો કરન્‍સીમાં રોકાણ કરી નફો કરવાનું કહી શહેરના એક એમ.આર. યુવાનને સાયબર ગઠીયાઓએ ૩૧ાા લાખનો ધૂંબો મારી દીધો છે. જીવીકાશ્રી નામે ફ્રેન્‍ડ રિકવેસ્‍ટ મોકલનાર યુવતિએ ફ્રેન્‍ડ બની ખુબ વાતો કરી હતી પછી આ યુવાનને ક્રિપ્‍ટોમાં નાણા રોકવા લલચાવ્‍યો હતો. યુવાને ૧૦૦૦ રૂપિયાનું રોકાણ કર્યુ તેની સામે ૧૨૫૦૦નો નફો દેખાડાતાં તેને વિશ્વાસ બેઠો હતો અને અલગ અલગ ૧૩ ખાતાઓમાં રોકાણ કરી દીધુ હતું. પરંતુ જ્‍યારે નફા સાથે આ રકમ ઉપાડવા પ્રયાસ કર્યો ત્‍યારે તેને વધુ ૧૫૦૦૦ ડોલર સિક્‍યોરીટી વેરીફીકેશન ફીના ભરવા પડશે તેમ કહેવાતાં છેતરાઇ ગયાની ખબર પડી હતી. આ બનાવમાં સાયબર ક્રાઇમ પોલીસે  જીવરાજ પાર્ક અંબિકા ટાઉનશીપ કસ્‍તુરી ખાતે રહેતાં હાર્દિકભાઇ ભૂપેન્‍દ્રભાઇ ઉમરાણીયા (ઉ.વ.૩૫)ની ફરિયાદ પરથી અલગ અલગ બેંક ખાતાના ધારકો તથા બે મોબાઇલ ફોન નંબરના ધારકો વિરૂધ્‍ધ રૂા. ૩૧,૫૪,૮૩૦ની ઠગાઇ કરવાનો ગુનો નોંધ્‍યો છે. યુએસડીટી-ક્રિપ્‍ટો કરન્‍સીમાં રોકાણ કરી નફો મેળવવાની લાલચ આપી આ ઠગાઇ કરવામાં આવી હતી.

હાર્દિકભાઇ ફાર્મા કંપનીમાં એમ.આર. તરીકે નોકરી કરે છે. તેણે જણાવ્‍યું હતું કે હું બે મહિના પહેલા મારા મોબાઇલ ફોનમાં ફેસબૂક પર અલગ અલગ પોસ્‍ટ જોઇ રહ્યો હતો ત્‍યારે જીવકાશ્રી નામના આઇડી પરથી ફ્રેન્‍ડ રિક્‍વેસ્‍ટ આવી હતી. જે મેં સ્‍વીકારી લીધી હતી. હાલ આ આઇડી ફેસબૂક પર નથી. ફ્રેન્‍ડ બન્‍યા બાદ ફેસબૂક મેસેન્‍જર પર અમારી વચ્‍ચે વાતચીત ચાલુ થઇ હતી. એ પછી તે મારી સારી ફ્રેન્‍ડ બની ગઇ હતી. એક દિવસ તેણે મને યુએસડીટી-ક્રિપ્‍ટો કરન્‍સીમાં રોકાણ કરવાની વાત કરી હતી. હું તેની વાતોમાં આવી ગયો હતો અને તેની વાત માની લીધી હતી.

આ પછી તેણીએ મને વ્‍હોટ્‍સએપ નંબર મોકલતાં તેના પર અમે વાત કરતાં હતાં. બાદ તેણીએ મારો સંપર્ક પીટર પોલ નામના શખ્‍સ સાથે વ્‍હોટ્‍સએપ પર કરાવ્‍યો હતો. તેણે ઇન્‍વેસ્‍ટમેન્‍ટ કરવા માટેની એપ્‍લીકેશનની લિંક મોકલી હતી. જે મેં ઓપન કરી મારા નામનું એકાઉન્‍ટ બનાવ્‍યું હતું. જેમાં મને યુઝર નેમ અને પાસવર્ડ જનરેટ કરાવાયા હતાં. શરૂઆતમાં મેં રૂા. ૧૦૦૦ ટ્રેડીંગમાં નાખ્‍યા હતાં. જેમાં નફા સાથે ૧૨૫૦૦ મારા એકાઉન્‍ટમાં દેખાડતા હતાં. આ રકમ મારા ખાતામાં જમા થઇ ગઇહ તી. આથી મને તેના પર વિશ્વાસ બેઠો હતો. બાદમાં વધુ રોકાણ કરવાનું કહેતાં મેં કટકે કટકે સામેવાળાએ જણાવેલા અલગ અલગ ૧૩ બેંક એકાઉન્‍ટમાં અલગ અલગ રકમો જમા કરાવી દીધી હતી. આ રીતે મેં કુલ રૂ. ૩૧,૫૪,૮૩૦ની રોકડ રકમ ટ્રેડીંગના નામે જમા કરાવી હતી.   આ પછી પણ મારી પાસે વધુ ને વધુ નાણાની માંગણી ચાલુ રાખવામાં આવી હતી. પણ હવે મારી પાસે નાણા ન હોઇ મેં યુએસડીટી-ક્રિપ્‍ટોમાં રોકોલા નાણા નફા સાથે વીથડ્રો કરવાનું કહેતાં આ લોકોએ કહ્યું હતું કે નફા સાથે તમારે રૂપિયા ઉપાડવા હોય તો સિક્‍યુરીટી પેટે વેરીફીકેશન ફી ભરવી પડશે, જે ૧૫૦૦૦ ડોલર થાય છે. આ રકમ ભરશો પછી જ તમારી રકમ વીડ્રો કરી શકશો. મેં તેની પાસે રૂપિયા વીડ્રો કરવાની ટર્મ્‍સ કંડીશન મંગાવતાં તેણે કોઇ પ્રતયુતર આપ્‍યો નહોતો. આથી મને શંકા ઉપજતાં સાયબર ક્રાઇમ હેલ્‍પલાઇન ૧૯૩૦ ઉપર ફોન કરી ફરિયાદ કરી હતી. તેમ વધુમાં હાર્દિકભાઇએ કહેતાં પીઆઇ પી.આર. ડોબરીયાએ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. 

(2:15 PM IST)