<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th October 2025

શિક્ષીકા નીતુબેન દાસને શિક્ષીકા બહેનપણી સહિત ચાર જણાએ ૧૨ લાખનો ચૂનો લગાવ્‍યો

બલ્‍કમાં મોબાઇલ ફોનની ખરીદી સામે મોટો નફો મળે કહી એકવાર ૨૫ હજાર, બીજીવાર ૩૦ હજાર નફો આપ્‍યોઃ વધુ રોકાણ કર્યા બાદ ફ્રોડઃ એ-ડિવીઝન પોલીસે મહિમા, પ્રેમ, દર્શિલ અને તસ્‍લીમ સામે ગુનો નોંધ્‍યો : શિક્ષીકા જ્‍યાં રહે છે એ શીવ ટાઉનશીપના છ લોકો પણ છેતરાયા

રાજકોટ તા. ૭: મવડી પાળ રોડ પર રહેતાં શિક્ષીકા સાથે અગાઉ નોકરી કરતી શિક્ષીકા બહેનપણી અને તેણીના મિત્ર સહિતના ચાર જણાએ મોબાઇલ ફોનની બલ્‍કમાં ખરીદી કરી વેંચાણ કરવાના વેપારમાં રોકાણ કરવાથી મોટો નફો મળે છે તેમ કહી લલચાવી બે ૫૫ હજાર સામે ૨૫ હજાર નફો, ૭૦ હજાર અને ૭૦ હજાર સામે ૧  લાખ પાછા આપી બાદમાં કુલ ૧૨ લાખ જેવી રકમ મેળવી એક પણ રૂપીયો પાછો ન આપી ઠગાઇ કરતાં ફરિયાદ થઇ છે.

આ બનાવમાં એ-ડિવીઝન પોલીસે મવડી પાળ રોડ પર શીવ ટાઉનશીપ-૨/૪૦૮માં રહેતાં અને ખાનગી સ્‍કૂલમાં શિક્ષીકા તરીકે નોકરી કરતાં નીતુબેન રાજેશભાઇ દાસ (ઉ.વ.૩૪)ની ફરિયાદ પરથી યુનિવર્સિટી રોડ શિવધારા એપાર્ટમેન્‍ટ રૂમ નં. ૩૦૧માં રહેતાં પ્રેમ વિજયભાઇ બુધ્‍ધદેવ, રેલનગર દ્વારીકા વિલેજ એ-વીંગ ૧૦૦૨માં રહેતી મહિમા બિપીનભાઇ કક્કડ, પુનીતનગર-૮માં રહેતાં દર્શિલ મહેશભાઇ વાઘેલા અને નવા ૧૫૦ રીંગ રોડ રંગોલી પાર્ક એન-વીંગ ફલેટ નં. ૧૧૦૩માં રહેતી તસ્‍લીમા રફીકશા શાહમદાર વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે.

નીતુબેન દાસે જણાવ્‍યું છે કે હું શિક્ષીકા તરીકે નોકરી કરી પરિવાર સાથે રહુ છું. મારે સાથે નોકરી કરતી શિક્ષીકા મહિમા કક્કડ સાથે ૨૦૨૩માં પરીચય થયો હતો. એ પછી મેં એ સ્‍કૂલની નોકરી મુકી દીધી હતી. પણ મારો દિકરો ત્‍યાં ભણતો હોઇ જેથી હું તેનું રિઝલ્‍ટ લેવા જતાં મહિમાએ વાત કરી હતી કે મારો મિત્ર પ્રેમ બુધ્‍ધદે છે તે મોબાઇલ ફોનના ખરીદ-વેંચાણનું કામ કરે છે તેમાં રોકાણ કરવાથી સારુ એવુ વળતર મળે છે. જેથી મારે રોકાણ કરવું હોઇ મેં હા પાડી હતી. બાદ મહિમા મને હરિહર ચોક સ્‍ટાર ચેમ્‍બર-૪૦૧માં આવેલી તેણીના મિત્ર પ્રેમ બુધ્‍ધદેવની ઓફિસે લઇ ગઇ હતી. જ્‍યાં અન્‍ય એક શખ્‍સ દર્શીલ વાઘેલા તથા એક યુવતિ તસ્‍લીમ શાહમદાર હતાં. આ લોકોએ કહ્યું હતું કે તે બલ્‍કમાં મોબાઇલનું ડીલીંગ કરે છે અને તેના માટે રોકાણકારોની જરૂર છે.

તેમજ જણાવ્‍યું હતું કે મોબાઇલનો સ્‍ટોક આવી જાય પછી જેણે રોકાણ કર્યુ હોઇ તેને રોકાણ અને નફાની રકમ મહિમાનું કમિશન બાદ કરી પરત આપી દેવામાં આવે છે. આથી મેં રૂ. ૫૫૦૦૦ ઓનલાઇન મારી મિત્ર મહિમાને ટ્રાન્‍સફર કરી દીધા હતાં. આ પછી મહિમાએ મને કહેલું કે તમે કરેલા રોકાણ સામે તમને નફાના ૨૫ હજાર મળશે. આ પછી મારા ખાતામાં ૮૦ હજાર જમા થયા હતાં. આથી મને વિશ્વાસ આવતાં મેં ફરીથી મહિમાને રૂ. ૭૦,૦૦૦ આપ્‍યા હતાં. તેણે આ રોકાણ સામે મને નફાના ૩૦ હજાર મળશે તેમ કહ્યું હતું. એ પછી મને ૧ લાખ પરત અપાયા હતા. સમયસર મને નાણા મળી જતાં હોય અને નફો પણ અપાતો હોઇ જેથી વિશ્વાસ બેસી ગયો હતો.

બાદમાં મેં પ્રેમની ઓફિસમાં કામ કરતાં એજન્‍ટ દર્શીલના ખાતામાં, એજન્‍ટ તસ્‍લીમના ખાતામાં તેમજ મહિમાના ખાતામાં મળી કુલ રૂ. ૮,૫૦,૦૦૫ અને અન્‍ય રોકડા રૂ. ૩,૫૦,૦૦૦ મળી કુલ ૧૨,૦૦,૦૫ આપ્‍યા હતાં. આ રોકાણ સામે મને સારુ વળતર મળશે તેમ કહેવાયુ હતું. પરંતુ બાદમાં મને રકમ પાછી આપવા બહાના ચાલુ કરાયા હતાં. જેથી મેં પ્રેમ બુધ્‍ધદેવ વિરૂધ્‍ધ અરજી કરતાં તે વખતે પ્રેમે નોટરીનું લખાણ કરી આપી કુલ રૂ. ૨૫,૦૦,૦૦૦ પાછા આપી દેશે તેવી ખાત્રી આપી હતી. જેથી અરજીમાં સમાધાન થઇ ગયું હતું. પરંતુ હવે મારી રકમ પાછી અપાઇ નથી. મારા સિવાય અમારી શીવ ટાઉનશીપમાં રહેતાં વીભાબેન વડાલીયા, ચીંતનભાઇ ઝીંઝુવાડીયા, બલરામભાઇ પંડીત, મોતીભાઇ સિંધવ, સારાભાઇ જોગરાણા, પાર્થભાઇ ચાવડાઅ પણ રોકાણ કર્યુ હતું. તેને પણ રકમ પાછી આપી નથી. તેમ વધુમાં શિક્ષીકાએ કહેતાં પીઆઇ બી. વી. બોરીસાગરની રાહબરીમાં એએસઆઇ વી. જે. દહીયાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

(2:17 PM IST)