News of Tuesday, 7th October 2025
હરિહર ચોક રોડ બંધ કર્યો પણ સામે વૈકલ્પિક વ્યવસ્થામાં નબળી

તંત્રીશ્રી,
શાસકો અને તંત્ર દ્વારા વિકાસના નામે જુદા જુદા રોડ બંધ કરી દેવામાં આવે છે. પરંતુ તેની સામે જે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં ઘણું નિરાશાવાદી વલણ જોવા મળી રહ્યુ છે. કાં તો શાસકોને લોકોની તકલીફની પડી નથી અથવા તો તંત્ર પાસે સુચારુ વૈકલ્પિક વ્યવસ્થા કરવા નિષ્ણાંતો નથી. જામનગર રોડ પર છેલ્લા લાંબા સમયથી સાંઢીયા પુલનું કામ ચાલી રહ્યુ છે. જેની પૂર્ણ થવાની મુદત લગભગ પુરી થવામાં છે છતા કામ પૂર્ણ થઇ શકે તેમ હોવાના કોઇ ચિન્હ દેખાતા નથી. આ સામે તંત્રએ પોપટપરા તેમજ ભોમેશ્વર વિસ્તારને વૈકલ્પિક રોડ બનાવ્યો છે પરંતુ આ બનને રોડ પર ટ્રાફીક સમસ્યા પારાવાર છે. ખાસ કરીને ભોમેશ્વર રોડ પરની ફાટક બંધ થયા પછી ખુલે ત્યારે હલી ન શકાય તેવો ટ્રાફીક જામ થઇ જાય છે. એજ રીતે હવે હરીહર ચોક રોડ બંધ કર્યો છે, પણ સામે નકકર વૈકલ્પિક વ્યવસ્થા ન હોવાથી ટ્રાફીક સમસ્યા હતી તેના કરતા પણ વધી ગઇ છે. હરીહર ચોકથી જયુબેલી ચોક સુધી બન્ને તરફ કાર અને સ્કુટરના આડેધડ પાર્કીંગ, પોસ્ટ ઓફીસ અને બેન્કો પર આવતા ગ્રાહકોના પાર્કીંગના કારણે આ રોડ સાવ નાની ગલી જેવો બની જાય છે. આ બાબતે તંત્ર ધ્યાન આપે અને લોકોની ટ્રાફીક સમસ્યા હળવી બનાવે તે ઇચ્છનીય છે. (૧૬.૧)
-એડવોકેટ હિંમતભાઇ લાબડીયા, ભાવેશ આચાર્ય, પ્રકાશ મોરી
રાજકોટ નાગરિક સમિતિ (મો.૯૪૨૭૨ ૧૪૭૭૨)
(2:59 PM IST)










