<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th October 2025

સાંગણવા ચોકમાં વન-વેમાં રિક્ષાને રોકતાં ટ્રાફિક કોન્‍સ્‍ટેબલને મારકુટઃ કિન્‍નરોએ કપડા ઉંચા કર્યા

હું કિન્‍નર અખાડાની ગાદીપતિ છું કહી તાલીઓ પાડી, વિડીયો ઉતાર્યોઃ બાદમાં બીજા કિન્‍નરોને બોલાવી ધમાલ મચાવીઃ એ-ડિવીઝન પોલીસે ફરજમાં રૂકાવટનો ગુનો નોંધ્‍યો

રાજકોટ તા. ૭: શહેરના સાંગણવા ચોકમાં વન-વેમાં રિક્ષા લઇને કિન્‍નર સાથે આવેલા ચાલકને ટ્રાફિક પોલીસ કોન્‍સ્‍ટેબલે અટકાવતાં આ રિક્ષામાં બેઠેલા લાંબા વાળવાળા શખ્‍સ અને કિન્‍નરે નીચે ઉતરી  વિડીયો ઉતારી બીજાને કેમ રોકતા નથી, હું કિન્‍નર અખાડાની ગાદીપતિ મીરાદે છું કહી તાલીઓ પાડી દેકારો કરી ફોન કરી બીજા કિન્‍નરોને બોલાવી રોડ પર કપડા ઉંચા કરી અશ્‍લીલ કૃત્‍ય કરી તેમજ ટ્રાફિક કોન્‍સ્‍ટેબલને ઢીકાપાટુનો માર મારી ગાળો દઇ ધમાલ મચાવતાં એ-ડિવીઝન પોલીસે કાર્યવાહી કરી છે.

આ બનાવમાં એ-ડિવીઝન પોલીસ દ્વારા  ટ્રાફિક શાખાના કોન્‍સ. હિતેન્‍દ્રસિંહ સાવજુભા ગોહિલની ફરિયાદ પરથી ઓટો રિક્ષા જીજે૦૩એઝડ-૭૪૫૦ના ચાલક તથા કિન્‍નર મીરાદે, લાંબા વાળવાળો અજાણ્‍યો શખ્‍સ અને બીજા સાત આઠ અજાણ્‍યા કિન્‍નરો વિરૂધ્‍ધ ગુનો નોંધી નવ કિન્‍નરોની અટકાયતની તજવીજ કરી હતી. હિતેન્‍દ્રસિંહ ગોહિલે જણાવ્‍યું હતું કે હું સાંગણવા ચોકમાં મારી નોકરીના ટ્રાફિક પોઇન્‍ટ પર હતો. અહિ થ્રી વ્‍હીલ અને ફોર વ્‍હીલ વાહનો માટે નો-એન્‍ટ્રી હોય છે. આ દરમિયાન સાંજે પોણા પાંચેક વાગ્‍યે રિક્ષા નંબર ૭૪૫૦ રોંગ સાઇડમાં આવતાં મેં તેને રોકી હતી. આમ છતાં ચાલકે રિક્ષા હંકારી છેક મારા પગ સુધી આવવા દીધી હતી.

આથી મેં તેને અહિ નો-એન્‍ટ્રી છે અહિથી આગળ રિક્ષા પ્રવેશની મનાઇ છે તેમ કહેતાં રિક્ષામાં બેઠેલા એક કિન્‍નર અને લાંબા વાળવાળા શખ્‍સે રિક્ષામાંથી ઉતરી મોબાઇલથી મારો વિડીયો ઉતારવાનું ચાલુ કર્યુ હતું અને-તમે બીજાને કેમ રોકતા નથી? જેથી મેં ટુવ્‍હીલરવાળાને જ માત્ર એન્‍ટ્રીની છુટ છે તેમ કહેતાં કિન્‍નર જોર જોરથી તાળીઓ પાડી મોટેથી બૂમો પાડી મને કહેવા લાગેલ કે-હું રાજકોટ કિન્‍નર અખાડાની ગાદીપતી મીરાદે છું. તેમ કહી કોઇને ફોન કરતાં થોડીવારમાં બીજા સાત-આઠ કિન્‍નર આવી ગયા હતાં.

બાદમાં આ બધાએ એક થઇ જોર જોરથી રાડો પાડી ગાળો બોલી અમુક કિન્‍નોરએ પોતાના કપડા ઉંચા કરી દેકારો મચાવ્‍યો હતો. મેં તેને આવુ બધુ કરવાની ના પાડતાં આ બધા કિન્‍નરો અને તેની સાથેના શખ્‍સે મને ઢીકાપાટુનો માર માર્યો હતો અને ગાળો દઇ દેકારો મચાવ્‍યો હતો. આ વખતે માણસો પણ ભેગા થઇ ગયા હોઇ મને છોડાવ્‍યો હતો. આ દરમિયાન મેં ટ્રાફિક કન્‍ટ્રોલ રૂમમાં ફોન કરતાં પોલીસ આવી ગઇ હતી. આ દરમિયાન રિક્ષાચાલક અને તેની સાથેનો લાંબા વાળવાળો શખ્‍સ ભાગી ગયા હતાં. આ બંને અને કિન્નરોએ મારી ફરજમાં રૂકાવટ કરી ગાળો દઇ જાહેરમાં કપડા ઉંચા કરી અશ્‍લીલ કૃત્‍ય કરી મને માર માર્યો હોઇ ફરિયાદ નોંધાવી હતી. તેમ વધુમાં હિતેન્‍દ્રસિંહે કહ્યું હતું.

પીઆઇ બી.વી. બોરીસાગરની રાહબરીમાં પીએસઆઇ બી.આર. સાવલીયાએ ગુનો નોંધી રામનાથપરા બહુચરાજી માતાના મઢ ખાતે રહેતાં કિન્‍નરો સમીરાદે ગોપીદે (ઉ.વ.૨૦), નવ્‍યાદે ચાર્મીદે (ઉ.વ.૨૪), વંદનાદે સંજનાદે (ઉ.વ.૩૫), કલ્‍પુદે મીરાદે (ઉ.વ.૧૯), ધર્મિષ્‍ઠાદે દિવ્‍યાદે (ઉ.વ.૪૨), ખુશ્‍બુદે ગોપીદે (ઉ.વ.૨૧), હિરલદે ગોપીદે (ઉ.વ.૨૦) અને મીરાદે કંચનદે (ઉ.વ.૩૦) સામે ગુનો નોંધી ધરપકડની તજવીજ કરી હતી.

(3:17 PM IST)