<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th October 2025

નંબર વગર નો-એન્‍ટ્રીમાં દોડતાં ડમ્‍પરો સામે પોલીસના આંખ મીંચામણાઃ કોંગ્રેસનો આક્રોશ

હેલ્‍મેટ, પીયુસી સહિતના નામે કેસ કરતી ટ્રાફિક પોલીસને આ કેમ નહિ દેખાતું હોય? નિર્દોષ નાગરિકોના મોત માટે નિમીત બનતાં આવા ડમ્‍પરના ચાલકો સામે પગલા લેવા ઉચ્‍ચ પોલીસ અધિકારીઓ જાગૃત થાય તેવી માંગણીઃ પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ ગાયત્રીબા અશોકસિંહ વાઘેલા, અતુલ રાજાણીની રજૂઆત

રાજકોટ તા. ૭: શહેરમાં હપ્‍તાખોરીને કારણે નિરંકુશ બનીને દોડતાં ડમ્‍પરો અવાર-નવાર નિર્દોષ નાગરિકોનો ભોગ લઇ રહ્યા છે. ઘણીવાર તો નશાખોર ડ્રાઇવર બેફામ બની જતો હોય છે અને ડમ્‍પરની ઠોકરે વાહનોને, લોકોને ઉલાળી દેતો હોય છે. વિકરાળ ટ્રાફિક સમસ્‍યા વચ્‍ચે નિરંકુશ ડમ્‍પરોનું દૂષણ ઘર કરી ગયું હોવાનો આક્રોશ  ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ શ્રીમતી ગાયત્રીબા અશોકસિંહ વાઘેલા, પુર્વ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી, અગ્રણી-એડવોકેટ અશોકસિંહ વાઘેલા સહિતે કર્યો છે અને આ મામલે સંબંધીત તંત્રવાહકો આંખ ઉઘાડી લોકોની જિંદગી બચાવે તેવી રજૂઆત કરી છે.

આગેવાનોએ રજૂઆતમાં જણાવ્‍યું છે કે ભાજપના રાજમાં ટ્રાફિક શાખામાં ભ્રષ્‍ટાચાર ફાલ્‍યો ફુલ્‍યો હોવાનું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે. બીજી તરફ મીઠી નજર તળે ગેરકાયેદસર બેફામ દોડતાં ડમ્‍પરો લોકોનો ભોગ લઇ રહ્યા છે. ડમ્‍પરોને કારણે જીવલેણ અકસ્‍માત સર્જાયા હોઇ અનેક પરિવારના માળા વેરવિખેર થઇ ગયા છે, થઇ  રહ્યા છે. ત્‍યારે તંત્રવાહકો નીંભર થઇ તમાશો જોઇ રહ્યા છે.  શહેરમાં ખુલ્લેઆમ વેચાતા દેશી અને અંગ્રેજી દારૂને ઢીંચીને અમુક ડમ્‍પરચાલકો બેફામ સ્‍પીડથી ડમ્‍પર હંકારી બીજા માટે અને પોતાના માટે જોખમી, જીવલેણ બની જાય છે. આવા ડમ્‍પર ચાલકો સામે કાર્યવાહી કરવામા શહેરનું પોલીસ તંત્ર અને  આટીઓ વિભાગ વામણું પુરવા થઇ રહ્યાનો પ્રજામાં રોષ છે.

સામાન્‍ય નાગરિકો ન હેલ્‍મેટના નામે કે સિગ્નલ તોડવાના નામ,ે કાળા કાચ પીયુસીના નામે દંડ ફટકારી વસુલાત કરતી ટ્રાફિક પોલીસ નંબર પ્‍લેટ વગર ઓવરલોડીંગ સાથે નો-એન્‍ટ્રીમાં વાંરમવાંર ઘુસી  જતા ડમ્‍પરો કેમ દેખાતા નથી? જોખમી જીવલેણ બની જતાં આવા ડમ્‍પરોને કાબૂમાં લેવા ઉચ્‍ચ અધિકારીઓ એસી ચેમ્‍બર છોડી બહાર આવે તો પ્રજાની પીડા દેખાઇ શકે. ખુદ અધિકારીઓએ આ માટે ફિલ્‍ડમાં ઉતરવાની જરૂર છે.  તેમ કોંગ્રેસના આગેવાનોએ વધુમાં જણાવ્‍યું છે. 

(3:20 PM IST)