News of Tuesday, 7th October 2025
રાજકોટ મારવાડી કોલેજમાં ગોંડલના શક્તિસિંહ પરમારનું હાર્ટએટેકથી મૃત્યુ
ગોંડલથી બસમાં વિદ્યાર્થીઓને લઇને આવ્યા હતાં

રાજકોટ તા. ૭: ગોંડલની આશાપુરા સોસાયટીમાં રહેતાં શક્તિસિંહ હેમતસિંહ પરમાર (ઉ.વ.૫૩) સવારે સાડા અગીયારેક વાગ્યે રાજકોટ મોરબી હાઇવે પર બેડી નજીક આવેલી મારવાડી કોલેજ ખાતે હતાં ત્યારે એકાએક બેભાન થઇજતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.
હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં કુવાડવા રોડ પોલીસે કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર શક્તિસિંહ બે ભાઇમાં મોટા હતાં. સંતાનમાં બે દિકરી અને એક દિકરો છે. પોતે બસ ડ્રાઇવીંગ કરતાં હતાં. ગોંડલથી છાત્રોને લઇને તેઓ મારવાડી કોલેજ ખાતે આવ્યા હતાં. બપોરે બે વાગ્યે પરત ગોંડલ જવાનું હતું. સ્ટાફ સાથે જમવાની તૈયારી કરતાં હતાં ત્યારે અચાનક ઢળી પડયા બાદ મૃત્યુ થયું હતું. હાર્ટએટેક આવી ગયાનું જણાવાયું હતું.
(4:08 PM IST)










