News of Tuesday, 7th October 2025
કર્લી વાળ બાબતે વિશાલની મજાક કરી ઝાયલોમાં ઉઠાવી જવાનો પ્રયાસઃ ઢીકાપાટા-પટ્ટાથી ફટકાર્યો
બહેન સાથે સાધુ વાસવાણી રોડ પર શાકભાજી-ફળ લેવા નીકળ્યો ત્યારે બે શખ્સે ઠ્ઠઠા મશ્કરી કરી હોઇ યુવાને ઠપકો આપતાં ખાર રખાયો હતો સુપરવાઇઝર તરીકે કામ કરતો યુવાન કારમાંથી બહાર નીકળી જતાં વિશાલ, કુલદીપ સહિત ૭ જણાએ ઘુસ્તાવી-આજે તો તું બચી ગયો, હવે પછી દેખાતો નહિ કહી ધમકી દીધીઃ યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૭: શહેરના સાધુ વાસવાણી રોડ પર રહેતાં અને સુપરવાઇઝર તરીકે નોકરી કરતાં યુવાનને તે પોતાના બહેન સાથે સાધુ વાસવાણી રોડ પર શાકભાજી, ફળ ખરીદવા ગયો ત્યારે બે શખ્સોએ આ યુવાનના કર્લી વાળ વિશે જેમ તેમ બોલી મજાક કરતાં યુવાને તમારા ઘરે મા-બહેન-દિકરી હોય તો આવી મજાક કોઇની ન કરાય તેમ કહી બહેન સાથે નીકળી ગયા બાદ બે દિવસ પછી યુવાન તેના મિત્ર સાથે પાન-ફાકી ખાઇને જતો હતો ત્યારે ફરી અગાઉ મજાક કરનાર શખ્સે તું એ જ છો ને લાંબા વાળવાળો? શું કરવું છે? તારે કહી બીજા શખ્સો સાથે મળી ઢીકાપાટુનો બેફામ માર મારી ઝાયલો ગાડીમાં નાંખી ઉઠાવી જવાનો પ્રયાસ કર્યો હતો. પણ યુવાન દોટ મુકી બહાર નીકળી જતાં મારકુટ કરી ધમકી દઇ બધા ભાગી ગયા હતાં.
આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે મુળ ગીરગઢડાના ઝુંડવડલી ગામના વતની અને હાલ રાજકોટ સાધુ વાસવાણી રોડ પર કર્મદીપ કોમ્પલેક્ષ ફલેટ નં.૩માં રહી આજી જીઆઇડીસીબી ટર્બો ગેઇટમાં વાસુ માર્કેટીંગ નામની કન્સ્ટ્રક્શન કંપનીમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરતાં વિશાલ જેઠાભાઇ સાંવ (ઉ.વ.૨૭)ની ફરિયાદ પરથી વિજય, કુલદીપ અને પાંચ અજાણ્યા વિરૂધ્ધ રાયોટીંગ, હુમલાનો ગુનો નોંધ્યો છે.
વિશાલે જણાવ્યું છે કે હું તથા મારા મોટા બહેન તા. ૨/૧૦ના રોજ સાધુ વાસવાણી રોડ શાકમાર્કેટમાં શાકભાજી તથા ફળ લેવા ગયેલ ત્યારે વિજય નામનો માણસ તથા ફુલદીપ દરબાર નામનો માણસ મારા મોટા બેનની હાજરીમાં મારા લાંબા અને કર્લી વાળ બાબતે મજાક કરેલ જેથી મેં બંનેને કહેલ કે તમારા ઘરે મા-બહેન-દિકરીઓ હોય તો આવી મજાક ન કરાય. આ વખતે મારા બહેને આપણે કોઇ લપ નથી કરવી તેમ કહેતાં અમે અમારી કીયા કાર લઇ જતાં રહ્યા હતાં.
દરમિયાન તા.૫ના રાતે સાડા દસેક વાગ્યે હું તથા મારો મિત્ર રોહિત લાડવા અમે બંને રાજ પેલેસ પાસે ડીલક્ષ પાન આવેલ છે ત્યાં પાન-માવા ખાઈને ચાલીને અમારા ઘર તરફ જતાં હતાં ત્યારે રાજ પેલેસ ચોકમાં વિજય નામનો માણસ તથા તેની સાથે તેના ત્રણ મિત્રો હોઇ મને વિજયે બોલાવી કહેલું કે તું એ જ છો ને લાંબા વાળ વાળો તારે શું કરવું છે? તેમ કહેતા મેં કહેલ કે મારે કોઈ માથાકૂટ કરવી નથી. તો પણ આ વિજય મને જેમ ફાવે તેમ ગાળો દેવા લાગેલ અને તેના મિત્રોને કહેવા લાગેલ કે આને ગાડીમાં બેસાડી દયો તેમ કહી આ બધાય ભેગા મળી એક સફેદ કલરની ઝાયલો કાર પડે લ હોય જેમાં મને પાછળ બેસાડી દીધેલ અને હું બહાર નીકળી ભાગવા ગયેલ તો આ ચારેય મને પાછળ દોડી પકડી ઢીકા પાટુનો આડેધડ મારવા લાગ્યા હતાં.
બાદ મને ત્યાં રોડ પર જ બેસાડી દીધેલ એ દરમિયાન આ વિજયના બીજા મિત્રો કુલદીપ દરબાર તથા બે અજાણ્યા માણસો પણ આવી ગયેલા તેમાંથી એક પાસે લાકડી હોય તે લાકડી વતી મને આડેધડ મારવા લાગેલા અને કોઈકે બેલ્ટ વતી પણ મને મારેલ અને ફરી પાછો મને તેમની ઝાયલો ગાડીમાં બેસાડવા પ્રયાસ કરેલ હું બેઠેલ નહિ અને મારી સાથે ઝપઝપી કરતા હાઇ મારા ગળામાં સોનાનો ચેઇન પાંત્રીસ ગ્રામનો હતો તે તથા મારા પેન્ટના પાછળના ખીસ્સામાં રાખેલુ પર્સ પણ પડી ગયું હતું. પર્સમાં પાન કાર્ડ, આધાર કાર્ડ, રોકડા ચાર હજાર હતાં તે પડીગયા હતાં. ત્યારબાદ ત્યાં રોડ ઉપર ઘણા માણસો ભેગા થઇ જતાં મને છોડાવ્યો હતો. આ શખ્સોએ જતા જતા પણ-આજે તો તું બચી ગયો આજુબાજુમાં દેખાતો નહીં નહિતર જીવતો નહીં રહેવા દઈએ તેવી ધમકી આપી જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કર્યો હતો. બાદ મેં ફોન કરી મારા બહેનને બોલાવતાં તે આવી ગયેલ અને મને હોસ્પિટલમાં ખસેડયો હતો. તેમ વધુમાં વિશાલે જણાવતાં યુનિવર્સિટી પીઆઇ એચ. એન. પટેલની રાહબરીમાં પીએસઆઇ સી. પી. રાઠોડે ગુનો નોંધતા વધુ તપાસ એસીપી સી.એમ. પટેલે હાથ ધરી છે.
(3:23 PM IST)










