<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th October 2025

તાવ-આંચકીથી ૯ મહિનાની દિવ્‍યાંશીનું મોત

સવારે એકાએચ તબીયત બગડતાં રાજકોટ ખસેડાઇ હતીઃ શાપર રહેતાં મુળ બિહારના દંપતિએ અગાઉ એક દિકરી ગુમાવ્‍યા બાદ બીજી દિકરીનું પણ મોત

રાજકોટ તા. ૮: શાપર વેરાવળમાં રહેતાં મુળ બિહારના દંપતિની નવ મહિનાની દિકરીને તાવ આવ્‍યા બાદ આજે વહેલી સવારે આંચકી ચાલુ થઇ જતાં સારવાર માટે રાજકોટ ખસેડાઇ હતી. પરંતુ તેણીનું મોત થયું હતું.

શાપરમાં સત્‍યા એસ્‍ટેટ પાસે રહેતાં મુળ બિહારના જીતેન્‍દ્ર ભગવાનભાઇ ઠાકુરની દિકરી દિવ્‍યાંશી (ઉ.૯ મહિના)ને બે ત્રણ દિવસથી તાવ આવતો હોઇ દવા ચાલુ હતી. આજે સવારે ચારેક વાગ્‍યે અચાનક દિવ્‍યાંશીને આંચકી આવવા માંડતાં  રાજકોટ ઝનાના હોસ્‍પિટલના બાળકોના વિભાગમાં દાખલ કરવામાં આવી હતી. પરંતુ ટુંકી સારવારને અંતે દમ તોડી દીધો હતો. બનાવની જાણ શાપર પોલીસને કરવામાં આવી હતી.

જીતેન્‍દ્ર ઠાકુર કંપનીમાં કામ કરે છે. તેણે જણાવ્‍યું છે કે અગાઉ પણ એક દિકરી હતી જેનું કમળાથી મૃત્‍યુ થયું હતું. જ્‍યારે આ નવજાત દિકરીને તાવ આવ્‍યા બાદ આંચકી ઉપડતાં મૃત્‍યુ થયું હતું. લાડકવાયીના મૃત્‍યુથી દંપતિ શોકમાં ગરક થઇ ગયું હતું. 

(11:58 AM IST)