<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th October 2025

એસટી બસ પોર્ટના ગેઇટ પાસે સિક્‍યુરીટી સાથે વાત કરી રહેલા વૃધ્‍ધ માટે બસ ‘કાળ' બની

વાડી માટે આંબામાં છાંટવાની દવાનું પાર્સલ લેવા મિત્ર સાથે ગયા હતાં અમેરિકાથી થોડા મહિના પહેલા જ રાજકોટ સ્‍થાયી થયેલા ૬૫ વર્ષના દિનેશભાઇ મારવણીયા મોટા મવામાં પત્‍નિ સાથે રહેતાં હતાં: નાના ભાઇ સુરેશભાઇની ફરિયાદ પરથી બસ ચાલક સામે ગુનો નોંધાયો :મિત્ર કમલેશભાઇએ કહ્યું-હું ઇનાવો ચાલુ રાખીને ઉભો હતો, દિનેશભાઇ દવાનું પાર્સલ ક્‍યાં આવે? તે પુછવા ગયા અને બસની ઠોકરે ચડી ગયા

રાજકોટ તા. ૮: શહેરના એસટી બસ પોર્ટના ગેઇટ પાસે જ એસટી બસ બેકાબુ બની જતાં ગેઇટ નજીક સિક્‍યુરીટી ગાર્ડ સાથે વાત કરી રહેલા મોટા મવાના વૃધ્‍ધ દિનેશભાઇ લીલાધરભાઇ મારવણીયા (ઉ.વ.૬૫) બસ અને પીલોરની દિવાલ વચ્‍ચે આવી જતાં ગંભીર ઇજા થતાં કમકમાટી  ભર્યુ મોત થયું હતું. તેઓ ખેતીવાડીમાં આંબામાં છાટવાની દવાનું પાર્સલ બસ મારફત આવવાનું હોઇ તે લેવા માટે ગયા ત્‍યારે આ ઘટના બની હતી. આ બનાવમાં એ-ડિવીઝન પોલીસે મૃતકના નાના ભાઇ પંચાયતનગર ચોક પવન એપાર્ટમેન્‍ટ બલોક નં. ૨૦૧માં રહેતાં સુરેશભાઇ લીલાધરભાઇ મારવણીયા-પટેલ (ઉ.વ.૬૨)ની ફરિયાદ પરથી એસટી બસ નં. જીજે૧૮ઝેડ-૪૬૪૪ના ચાલક વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો હતો.

સુરેશભાઇ મારવણીયાએ જણાવ્‍યું હતું કે હું શાપર મારા કારખાને હતો ત્‍યારે મારા ભત્રીજા માધવ શૈલેષભાઇ મારવણીયાએ મને ફોન કરી કહ્યું હતું કે દાદા દિનેશભાઇ મારવણીયા રાજકોટ એસટી બસ સ્‍ટેશન ખાતે પાર્સલ લેવા ગયા ત્‍યારે બસ સ્‍ટેશનના બહાર નીકળવાના ગેઇટ પાસે અકસ્‍માત સર્જાયો છે. આથી હું રાજકોટ બસ સ્‍ટેશન પાસે પહોંચ્‍યો હતો. ત્‍યાં મારા ભાઇ દિનેશભાઇ લીલાધરભાઇ મારવણીયા (ઉ.વ.૬૫) બેભાન અને લોહીલુહાણ પડયા હતાં. ત્‍યાં ઉભેલી બસમાં રાજકોટ-જસદણ-બોટાદ-બરવાડાનું બોર્ડ મારેલુ હતું.

અહિ મારા ભત્રીજા માધવ અને દિનેશભાઇના મિત્ર કમલેશભાઇ પણ હાજર હતાં. કમલેશભાઇએ મને કહ્યું હતું કે-હું અને દિનેશભાઇ એસટી બસ સ્‍ટેશન ખાતે પાર્સલ લેવા આવ્‍યા હતાં. આ વખતે હું મારી ઇનોવા  ગેઇટથી આગળ ચાલુ રાખીને ઉભો હતો અને દિનેશભાઇ નીચે ઉતરી ગેઇટ પરના સિક્‍યુરીટી ગાર્ડને બસમાં આવતાં પાર્સલ ક્‍યાં આવે છે? ક્‍યાંથી લેવાના હોય? તેની પૃછા કરવા ગયા હતાં. આ વખતે જ એસટી બસ દિનેશભાઇ સાથે પાછળથી અથડાઇ હતી. તેઓ પીલોરની દિવાલ અને બસ વચ્‍ચે આવી જતાં ગંભીર ઇજા થઇ હતી. આ વાત કમલેશભાઇએ મને જણાવી હતી. દિનેશભાઇને સિવિલ હોસ્‍પિટલે ખસેડાયા હતાં. પરંતુ તેમને ડોક્‍ટરે મૃત જાહેર કર્યા હતાં.

વધુ માહિતી મુજબ મૃત્‍યુ પામનાર દિનેશભાઇ ત્રણ ભાઇમાં મોટા હતાં. તેને સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. જેઓ અમેરીકા રહે છે. દિનેશભાઇ પણ અગાઉ અમેરિકા રહેતાં હતાં. થોડા મહિના પહેલા પત્‍નિ સાથે રાજકોટ મોટા મવામાં અલ્‍ટોસા બી-વીંગ બ્‍લોક-૫૦૨ ખાતે રહેતાં હતાં. કમલેશભાઇએ વધુમાં કહ્યું હતું કે મારે પંચાયત ચોકમાં શેરબજારની ઓફિસ છે. અમેરીકાથી આવ્‍યા બાદ મોટે ભાગે દિનેશભાઇ મારી ઓફિસે જ બેઠા હોય છે. સાંજે તેમનું પાર્સલ એસટી બસમાં આવવાનું હોઇ તે લેવા જવાનું મને કહેતાં હું મારી ઇનોવમાં બેસાડીને બસ સ્‍ટેશનેુ લાવ્‍યો હતો. મેં  કાર પાર્કિંગમાં રાખવાનું કહ્યું હતું પણ તેમણે કાર બહાર જ ચાલુ રાખવા અને પોતે સિક્‍યુરીટીને પુછીને તરત આવે છે તેમ કહી નીચે ઉતર્યા હતાં અને એસટી બસની ઠોકરે આવી ગયા હતાં.

કમલેશભાઇના કહેવા મુજબ હાલમાં જ દિનેશભાઇએ શેઠવડાળા ગામે વાડી લીધી હોઇ ત્‍યાં આંબામાં છાંટવા માટેની દવા તેમણે તાલાળા તરફથી મંગાવી હતી. આ દવાનું પાર્સલ બસમાં આવ્‍યું હોઇ તે લેવા માટે ગયા હતાં. એ-ડિવીઝન પીઆઇ બી. વી. બોરીસાગરની રાહબરીમાં પીએસઆઇ એમ. એસ. પારગીએ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. બસની બ્રેક ફેઇલ થતાં અકસ્‍માત સર્જાયો કે અન્‍ય કારણે? તેની તપાસ થઇ રહી છે. (૧૪.૭)

(12:51 PM IST)