News of Wednesday, 8th October 2025
રીઢા મેહુલ ઉર્ફ ભુરી ઉર્ફ મામાએ સાગ્રીત સાથે મળી કાર ચોરીઃ વેંચે એ પહેલા પકડાયો
મંદિરોમાં ચોરીઓ કરવાની આદત ધરાવતો ભુરી લૂંટ, મારામારી સહિત ૩૪ ગુનાઓમાં સામેલ : માલવીયાનગર પીઆઇ જે. આર. દેસાઇ, પીએસઆઇ એમ. જે. ધાધલ અને ટીમની કાર્યવાહીઃ હેડકોન્સ. અજયભાઇ વિકમા, કોન્સ. ભાવેશભાઇ ગઢવી, જયદિપસિંહ ભટ્ટીની બાતમી

રાજકોટ તા. ૮: બે દિવસ પહેલા નવલનગરમાંથી જીજે૦૩સીઆર-૦૭૮૦ નંબરની એક લાખની સ્વીફટ કાર ચોરાઇ ગઇ હતી. આ ગુનાનો ભેદ માલવીયાનગર પોલીસે ઉકેલી રીઢા ગુનેગારની છાપ ધરાવતાં અને અગાઉ મંદિરોમાં ચોરીઓ, લૂંટ, મારામારી સહિતના ૩૪ ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચુકેલા મેહુલ ઉર્ફ ભુરી ઉર્ફ મામો ધનજીભાઇ જેઠવા (ઉ.વ.૨૮-રહે. કૈલાસનગર-૨, નવલનગર-૯ના છેડે) તથા તેના સાગ્રીત અલ્ફાઝ ઉર્ફ અલ્તાફ હાસમભાઇ કાદરી (ઉ.વ.૨૪-રહે. પુનિતનગર વિશ્વકર્મા સોસાયટી)ને ચોરાઉ કાર સાથે પીડીએમ કોલેજ નજીક મામલતદાર ઓફિસ પાસેથી ઝડપી લીધા છે. આ બંને ચોરાઉ ગાડીનો નીકાલ કરવા, વેંચવા માટે ગ્રાહકની શોધમાં હતાં ત્યાં પોલીસ ભેટી ગઇ હતી.
ચોરીનો ભેદ ઉકેલવા ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે ડી. સ્ટાફના અજયભાઇ વીકમા, ભાવેશભાઇ ગઢવી અને જયદિપસિંહ ભટ્ટીને બાતમી મળતાં મેહુલ ઉર્ફ ભુરી ઉર્ફ મામો અને અલ્ફાઝ ઉર્ફ અલ્તાફને પકડી લઇ કાર કબ્જે લીધી હતી. લોક કરીને પાર્ક કરાયેલી કારને ડુપ્લીકેટ ચાવીથી ખોલીને ચોરી લીધી હતી. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ મેહુલ ઉર્ફ ભુરી ઉર્ફ મામો રીઢો ગુનેગાર છે. તે અનેક મંદિરોમાં ચોરીઓ કરી ચુક્યો છે. તેમજ જૈન દેરાસરમાં પુજારી પર હુમલો કરી લૂંટના ગુનામાં પણ પકડાયો હતો. આ ઉપરાંત મારામારી, હદપાર ભંગ, નિર્લજ્જ હુમલો સહિતના ૩૩ ગુના આચરી ચુક્યો છે અને એક વખત પાસાની હવા ખાઇ ચુક્યો છે. જ્યારે તેનો સાગ્રીત પણ અગાઉ દારૂ, ચોરીના ચાર ગુનામાં પકડાયો હતો અને એક વખત પાસામાં જઇ આવ્યો છે.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી રાકેશ દેસાઇ, એસીપી બી. જે. ચોૈધરીની સુચના અંતર્ગત પીઆઇ જે. આર. દેસાઇ, પીએસઆઇ એમ. જે. ધાધલ, એએસઆઇ હિરેનભાઇ પરમાર, કેતનભાઇ શેખલીયા, હેડકોન્સ. અજયભાઇ વિકમા, ચિત્રકેતુસિંહ ઝાલા, કોન્સ. ભાવેશભાઇ ગઢવી, જયદિપસિંહ ભટ્ટી, અમરદિપસિંહ જાડેજાએ આ કામગીરી કરી હતી.
(2:28 PM IST)










