<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th October 2025

રિક્ષામાં બેસાડી ઉલ્‍ટીનું નાટક કરી ૧૫ દિ'માં ૩૬ મુસાફરોના ખિસ્‍સા કાપ્‍યાઃ પ્રકાશ ઝડપાયો, સુત્રધાર ધનજીની શોધખોળ

ક્રાઇમ બ્રાંચે હુડકો ચોકડીના અને હાલ શક્‍તિનગરમાં રહેતાં શખ્‍સને દબોચ્‍યોઃ પરપ્રાંતિય અથવા વૃધ્‍ધોને રિક્ષામાં બેસાડી ઉબકાનું નાટક કરી રોકડ સેરવી લઇ મુસાફરને ઉતારી મુકતાં: અન્‍ય સાગ્રીતોના નામ ખુલ્‍યા : ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ભરત બસીયાની રાહબરીમાં પીઆઇ ગોંડલીયા, પીઆઇ ડામોર, પીઆઇ જાદવની રાહબરીમાં પીએસઆઇ પરમારની ટીમની કામગીરીઃ રણજીતસિંહ, વિજયરાજસિંહ અને સંજયભાઇની બાતમી

રાજકોટ તા. ૮: શહેરમાં મુસાફરોને રિક્ષામાં બેસાડી ઉલ્‍ટી ઉબકાનું નાટક કરી મુસાફરની નજર ચુકવી રોકડ સેરવી લઇ બાદમાં બહાના કરી જે તે મુસાફરને ઉતારી રિક્ષા ભગાવી મુકવાના બનાવો ખુબ વધી ગયા હતાં. ૧૫ દિવસમાં આવા ૩૬ ગુના આચરનારી ટોળકીના એક શખ્‍સને ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધો છે. સુત્રધાર અને બીજા સાગ્રીતોની શોધખોળ થઇ રહી છે. મોટે ભાગે આ ટોળકી પરપ્રાંતિયોને અથવા વૃધ્‍ધોને રિક્ષામાં બેસાડી ચોરી કરતાં હતાં.

જાણવા મળ્‍યા મુજબ શહેરના અલગ અલગ વિસ્‍તારમાં કેટલાક દિવસથી રિક્ષામાં મુસાફરોને બેસાડી રોકડ સેરવી લેવાના બનાવો વધી ગયા હોઇ ક્રાઇમ બ્રાંચની ટીમ આવા ગુના ઉકેલવા સક્રિય બની હતી. દરમિયાન એએસઆઇ રણજીતસિંહ પઢારીયા અને વિજયરાજસિંહ જાડેજા તથા કોન્‍સ. સંજયભાઇ ખાખરીયાને મળેલી બાતમી પરથી જંકશન રેલ્‍વે સ્‍ટેશન રોડ પરથી પ્રકાશ નરેન્‍દ્રભાઇ હળદરીયા-પટેલ (ઉ.વ.૨૫-રહે. હાલ પરીન ફર્નિચર પાછળ, અકબર સોસાયટી નજીક, ઓરડીમાં, મુળ હુડકો ચોકડી ખખોડદળ પુલ પાસે નદી કાંઠે)ને ઝડપી લઇ તેની પાસેથી રોકડા ૬૫૭૦ તથા ૧ લાખની રિક્ષા જીજે૦૩બીયુ-૧૮૫૯ કબ્‍જે કરવામાં આવી છે.

પ્રકાશની પુછતાછ થતાં તેણે કબુલાત આપી હતી કે સુત્રધાર ધનજી ઉર્ફ ધનો કોળી ઘેડાણી (રહે. રેલ્‍વે સ્‍ટેશન નજીક કોઠી કમ્‍પાઉન્‍ડ પાસે ફૂટપાથ પર)ની સાથે મળી  શહરેના અલગ અલગ વિસ્‍તારોમાં ૧૫ દિવસમાં ૩૬ લોકોને રિક્ષામાં બેસાડી ઉલ્‍ટી ઉબકાનું નાટક કરી જે તે મુસાફરનું ધ્‍યાન ભંગ કરી તેના ખિસ્‍સા, થેલી, પર્સમાંથી રોકડ ચોરી લીધી હતી.

જેનું સુત્રધાર તરીકે નામ ખુલ્‍યું છે ધનજી ઉર્ફ ધનો રીઢો શખ્‍સ છે. તેની સાથે અન્‍ય સાગ્રીતો અર્જુન સોઢા, અમિત બેરાના પણ નામ ખુલ્‍યા છે. આ બધા ટોળકી રચી રિક્ષા લઇને નીકળે છે અને પરપ્રાંતિય લોકો કે પછી વૃધ્‍ધ વયના મુસાફરને રિક્ષામાં બેસાડે છે. અગાઉથી સાગ્રીતો પાછળ બેઠા હોય છે તેની વચ્‍ચે મુસાફરને બેસાડે છે. રિક્ષા ચાલુ થાય પછી સાગ્રીત ઉલ્‍ટી ઉબકાનું નાટક કરી બહાર માથુ કાઢે છે અને એ દરમિયાન બીજા સાગ્રીતો મુસાફરની નજર ચુક્‍વી ધક્કામુક્કી કરી રોકડ ચોરી લે છે. આ રીતે પંદર દિવસમાં આ ટોળકીએ ૩૬ મુસાફરોના રૂપિયા ચોરી લીધા હતાં.

રીક્ષા ગેંગના પકડાયેલ સાગરીતે કબૂલાત આપી હતી કે પંદરેક દિવસ પહેલા પોતાની રીક્ષામા અર્જુન તથા અમીત સાથે મળી રાત્રીના સમયે એક પેસેન્‍જરના રૂપીયાની ચોરી કરેલ હતી, જામનગરથી પરત રાજકોટ આવતી વખતે એક પેસેન્‍જરના રૂ.૨૫૦૦ ચોરી તેને ઉતારી બીજા પેસેન્‍જરને બેસાડી તેના રૂ.૧૯૦૦ની ચોરી, પ્રકાશ, અર્જુન સોઢા તથા ધનજી ઉર્ફે ધનો ગેડાણીએ ડોળિયા બાઉન્‍ડ્રીથી વાંકાનેરનાં રસ્‍તે હાઇવે રોડ પરથી પરપ્રાંતીય મજુરના રૂ.૪૦૦૦ની ચોરી,   ડોળિયા બાઉન્‍ડ્રીથી વાંકાનેરના રસ્‍તે હાઇવે રોડ રીક્ષાનું એન્‍જીન રાઉસ કરવુ છે તેમ કહીને એક બાપાને રીક્ષામાં બેસાડી રૂ.૩૫૦૦ની ચોરી કરેલ હતી.

આ ઉપરાંત ટોળિયા બાઉન્‍ડ્રીથી વાંકાનેરનાં રસ્‍તે હાઇવે રોડ કોઇ એક ભાઇના રૂ.૫૫૦૦,  આજી ડેમ ચોકડીએ પેટ્રોલ પંપ પાસે પરપ્રાંતીય મજુરના રૂ.૭૫૦૦, ભાવનગર રોડ પરથી,  સોરઠીયા વાડી સર્કલ, મોચીબજાર, વેલનાથપરા, ગુંદાવાડી, માર્કેટિંગ યાર્ડ,  રેસકોર્સ, ગોંડલ ચોકડી, અટીકા ફાટક, માલધારી ફાટક, કુવાડવા જીઆઇડીસી સહિતના વિસ્‍તારોમાં મુસાફરોને બેસાડી ચોરીઓ કરી હતી.

પોલીસે લોકોને ચેતવણી આપી છે કે તમે અજાણી રિક્ષામાં બેસો એ પહેલા ખાસ તપાસ કરવી કે તેમાં કેટલા માણસો છે, રિક્ષાના નંબરનો ફોટો પાડી પરિવારના સભ્‍યને મોકલી દેવો. ઉલ્‍ટી ઉબકાનું કોઇ નાટક કરે તો તરત જ પોતાના ખિસ્‍સા, સમાન પર બરાબર ધ્‍યાન આપવું અને શંકા જણાતાં જ પોલીસને જાણ કરવી.

આ કામગીરી પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી ભરત બસીયાની રાહબરીમાં પીઆઇ એમ. આર. ગોંડલીયા, એમ. એલ. ડામોર, સી. એચ. જાદવ, પીએસઆઇ એ. એન. પરમાર, એએસઆઇ અશોક કલાલ, રણજીતસિંહ પઢારીયા, સંજયભાઇ દાફડા, વિજયરાજસિંહ જાડેજા, હેડકોનસ. સુભાષભાઇ ઘોઘારી, ક્રિપાલસિંહ ઝાલા, પ્રતિકસિંહ રાઠોડ, કોનસ. સંજયભાઇ ખાખરીયા, તુલસીભાઇ ચુડાસમાએ કરી હતી. 

(3:30 PM IST)