News of Wednesday, 8th October 2025
ભાજપ રાહુલ ગાંધીની વધતી લોકપ્રિયતાથી ડર્યુઃ વાહીયાત નિવેદનોથી માનસિકતા છતીઃ વશરામભાઇ સાગઠીયા
બિહારમાં ભાજપના પ્રવકતા દ્વારા જાહેરમાં રાહુલને છાતીમાં ગોળી મારવાની વાતથી દેશભરમાં હોબાળોઃ રાજકોટમાં પણ વિરોધ કોંગી કોર્પોરેટરો તથા આગેવાનો દ્વારા પોલીસ કમિશનરને રજુઆતઃ સુરક્ષા વધારવા- ફરિયાદ નોંધવા માંગ

રાજકોટ તા.૮: બિહાર વિધાનસભા ચુંટણીના પડઘા વાગી ચુકયા છે ત્યારે ભાજપ, કોંગ્રેસ સહિતના રાજયકીયપક્ષો એકબીજા સામે આક્ષેપબાજી કરી રહયા છે. ત્યારે ભાજપના પ્રવકતાએ કોંગ્રેસના આગેવાન રાહુલ ગાંધીને છાતીમાં ગોળી મારવાના નિવેદનથી રાજકોટ સહિત સમગ્ર દેશમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. અને આ સામે વિરોધનો સૂર ઉઠવા પામ્યો છે. ત્યારે રાજકોટ મનપાના પૂર્વ વિપક્ષનેતા વશરામ સાગઠિયાએ પોલીસ કમિશનરને પત્ર પાઠવી આ વ્યકિત વિરૂધ્ધ ફરિયાદ નોંધવા તથા સુરક્ષામાં વધારો કરવા માંગણી કરી છે.
આ અંગે કોંગ્રેસ આગેવાન વશરામભાઇ સાગઠિયાએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે, જે લોકોએ ૬૨ વર્ષ સુધી તિરંગો પોતાની કાર્યાલય ઉપર ફરકાવ્યો નથી, જેમણે ભારતનાં બંધારણ નો હંમેશા વિરોધ કર્યો છે. તેવા સંવિધાન વિરોધી લોકતંત્ર વિરોધી લોકો એટલે કે ભાજપના બિહાર ના પ્રવક્તા એ જાહેર મંચ ઉપરથી કોંગી આગેવાન રાહુલ ગાંધીને છાતીમાં ગોળી મારવાની જે વાત કરી છે. અને આજની તારીખ સુધી તે વ્યક્તિ ઉપર પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી તે ખુબજ નિંદનીય બાબત છે. જેમાં આજ રોજ કોંગ્રેસના આગેવાનો વશરામભાઇ સાગઠીયા, મકબુલભાઇ દાવદાણી, માવજીભાઇ રાખશીયા, અને બહેન કોમલબેન ભારાઈએ રાજકોટ પોલીસ કમિશ્નરશ્રીને લેખિત ફરિયાદ કરી છે કે આ શખ્સ વિરુદ્ધ FIR નોંધી તેની ધરપકડ કરવામાં આવે, અને વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધીની સુરક્ષામા વધારો કરવામાં આવવો જોઈએ, ભાજપના આગેવાનો રાહુલ ગાંધીની વધતી લોકપ્રિયતાથી ડરી ગયા છે. એટલે આવા હવાતિયાં મારી રહ્યા છે.
(4:02 PM IST)










