News of Wednesday, 8th October 2025
શિતળાધાર પાસે ધો-૮ના છાત્રને છરી બતાવી ૨૮ હજારનું ચગદુ લૂંટી લેવાયું
નિલેશ અને અજાણ્યાએ મારી નાખવાની ધમકી પણ દીધી

રાજકોટ તા. ૮: શહેરમાં લૂંટની વધુ એક ઘટના બની છે. જેમાં કોઠારીયા સોલવન્ટ શીતળાધાર નજીક સોમવારી ભરાય છે ત્યાં ધોરણ-૮ના વિદ્યાર્થીને છરી બતાવી તેણે ગળામાં પહેરેલુ રૂા. ૨૮ હજારનું ભગવાનની મુર્તિ સાથેનું ચગદુ લૂંટી લેવાયું છે.
આ બનાવ અંગે આજીડેમ પોલીસે કોઠારિયા સોલવન્ટમાં શિતળાધાર ૨૫ વારિયામાં રહેતા પિન્ટુભાઈ વિશ્વેશ્વર શાહ (ઉ.વ.૩૯)ની ફરિયાદ પરથી નિલેશ નામના શખ્સ અને અજાણ્યા વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. પિન્ટુભાઇનો પુત્ર રવિ સાયકલ લઇને જઇ રહ્યો હતો ત્યારે સોમવારી બજાર ભરાય છે તેની નજીક ખુલ્લા પ્લોટમાં નિલેશ અને તેની સાથેના અજાણ્યા શખ્સોએ ઉભો રાખી છરી બતાવી ૨૮ હજારની કિંમતનું ભગવાનની મૂર્તિ સાથેનું ચગદુ લૂંટી લઈ ગાળો દઈ ધમકી આપી હોવાનું અને બીજા દિવસે પણ મારકુટ કરવામાં આવ્યાનું ફરિાયદમાં જણાવાયું છે. લૂંટનો ભોગ બનનાર રવિ ૧૫ વર્ષનો છે અને આઠમા ધોરણમાં અભ્યાસ કરે છે.
રવિ સાયકલ હંકારીને જતો હતો ત્યારે બે શખ્સે તેને ઉભો રાખી સાયકલમાંથી ઉતારી ઢસડીને દૂર લઇ જઇ છરી બતાવી શાંતિથી ઉભો રહેજે નહિત મારી નાંખીશ તેમ કહી ધમકી દઇ ગળામાંથી ૨૮ હજારનું ભગવાનના ફોટાવાળુ સોનાનુ ચગદુ દોરો છરીથી કાપી લૂંટી જવાયુ હતું. તેમજ જતાં જતાં ધમકી આપી હતી કે કોઇને વાત કરીશ તો મારી નાંખશું. આજીડેમ પોલીસ મથકના પીએસઆઇ આર. એમ. સાખરાએ તપાસ હાથ ધરી છે.
(4:03 PM IST)










