News of Wednesday, 8th October 2025
શહેરના ૮ સ્થળે ૩પ ફટાકડા સ્ટોલ ચપોચપ વેંચાયા : ૪૪.૩ર લાખ જમા
દિવાળી આવી, મનપા માટે આવક લાવી ગત વર્ષે માત્ર પ લાખ ભાડાની રકમ મળેલ : આ વર્ષે ૮ ગણાથી વધુની આવક

રાજકોટ, તા. ૮: મનપા દ્વારા દિવાળીના તહેવારોના અનુસંધાને ફટાકડા સ્ટોલ માટેની જાહેર હરરાજી યોજવામાં આવેલ હતી. જેમાં આઠ સ્થળ ખાતે ફટાકડાનાં સ્ટોલ આપવા માટે હરરાજી યોજાઈ હતી. જેમાં પૂજ્ય પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ પાસેના ગ્રાઉન્ડ ખાતે ૪ સ્ટોલ,નાનામવા સર્કલ ખાતે ૪ સ્ટોલ, અમીન માર્ગ કોર્નર ખાતે ૫ સ્ટોલ, રાજ પેલેસ સામેના ગ્રાઉન્ડ ખાતે ૮ સ્ટોલ, સુવર્ણ ભૂમિ પાસેના ગ્રાઉન્ડ ખાતે ૫ સ્ટોલ, સાધુવાસવાણી માર્કેટ સામેના ગ્રાઉન્ડ ખાતે ૧ સ્ટોલ, રાજનગર મેઈન રોડ, ધરતી હોન્ડાના શો રૂમ સામેના ગ્રાઉન્ડ ખાતે ૧ સ્ટોલ અને ગંગોત્રી પાર્ક મેઈન રોડ ખાતે ૭ સ્ટોલની હરરાજી યોજાઈ હતી. તમામ સ્થળ ખાતેનાં કુલ-૩૫ સ્ટોલ ભાડે અપાયેલ છે. હરરાજીમાં કુલ-૮૨ વ્યક્તિઓએ ભાગ લીધેલ હતો. આ હરરાજીથી મહાનગરપાલિકાને અંદાજીત રૂ.૪૪.૩૨ લાખ જેટલી આવક થઇ છે. આ તમામ સ્ટોલ ૧૦ દિવસ માટે તા.૧૧ થી તા.૨૦ ઓક્ટોબર સુધી ભાડે આપવામાં આવનાર છે. અત્રે નોંધનીય છે કે ગત વર્ષે મનપા દ્વારા ફટાકડાના સ્ટોલની હરરાજી યોજાઇ હતી. જેમાં માત્ર પ લાખની આવક થઇ હતી. વેપારીઓએ અમુક લોકેશનમાં જ રસ દાખવતા મોટા ભાગના સ્ટોલ ખાલી રહ્યા હતા. જયારે આ વર્ષે તમામ સ્થળોના ૩પ સ્ટોલ ભાડે અપાયા હોવાથી ગત વર્ષ કરતા ૮ ગણી ૪૪.૩ર લાખની મનપાને આવક થઇ છે.
ઉપરાંત વેપારીઓ દ્વારા સ્ટોલની પાસેની વધારાની જગ્યા અપસેટ કિંમતથી ભાડે આપવા તંત્ર સમક્ષ માંગ કરી છે. જો કે હાલ તે નિયમાનુસાર અપાશેનું તંત્રવાહકો જણાવી રહ્યા છે.
(4:05 PM IST)










