તા. ૧૭ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૬ ગુરૂવાર
News of Wednesday, 8th October 2025
દિવાળી બાદ મનપા ધોકો પછાડશેઃ મિલ્કત સિલીંગ ઝુંબેશ
બાકી વેરો વસુલવા મોબાઇલમાં બિલ મોકલવાનું શરૂ! ૪૪૦ કરોડનો મિલ્કત વેરા લક્ષ્યાંક પૂર્ણ કરવા કવાયતઃ નવેમ્બરમાં મિલ્કત સીલ, નળ- ડ્રેનેજ કનેકશન કપાત સહિતની કાર્યવાહી કરાશે

રાજકોટ તા.૮: મનપાની મુખ્ય આવકનોસ્ત્રોત વેરાશાખા બ્રાન્ચએ બાકીદારોને ઓક્ટોબર માસના પ્રારંભથી જ વેરા બિલની બજવણી શરૂ કરી છે જેમાં સૌ પ્રથમ સ્પીડ પોસ્ટથી બિલ મોકલ્યા બાદ ત્રણ વખત એસએમએસ અને ત્યારબાદ ત્રણ વખત વ્હોટ્સ એપ અને ઇમેઇલ, આ મુજબ કુલ સાત વખત વેરા બિલની બજવણી કર્યા બાદ દિવાળીના તહેવારો બાદ લાભ પાંચમ પછીથી તુરંત મેગા સિલીંગ ડ્રાઇવ શરૂ કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.
વેરાશાખાના સુત્રોમાંથી મળતી માહિતી મુજબ સપ્ટેમ્બર મહિનાના અંતે રૂ.૧૦ હજારથી વધુ રકમનો વેરો બાકી હોય તેવા ૧.૫૦ લાખ બાકીદારોને વેરા બિલ સ્પીડ પોસ્ટથી રવાના કરાયા હતા જેની બજવણી ઓક્ટોબર મહિનાના પ્રથમ સપ્તાહમાં કરાઇ હતી, ત્યારબાદ અન્ય તમામ મિલકત ધારકોને રૂટિન પોસ્ટથી બિલની બજવણી કરાઇ હતી. બિલની બજવણી થયા બાદ બાકીદારોના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર ઉપર ૩ વખત એસએમએસથી અને ત્રણ વખત વ્હોટ્સએપથી વેરા બિલની બજવણી કરાઇ હતી. આ મુજબ કુલ સાત વખત બિલ બજવણી કમ આઉટ સ્ટેન્ડિંગ અંગે રિમાઇન્ડર આપવામાં આવ્યા બાદ હવે દિવાળીના તહેવારો પછી કોઈ પણ ચમરબંધીની શેહ શરમ કે ભલામણ રાખ્યા વિના મેગા સિલીંગ ડ્રાઇવ શરૂ થશે. અલબત્ત હાલમાં પણ એકલ દોકલ મિલકતો સીલ કરવાનું ચાલું જ છે.
વેરાશાખા સ્પીડ પોસ્ટથી મોકલેલા કુલ ૧.૫૦ વેરા બિલમાંથી લગભગ ૫૦ હજાર જેટલા વેરા બિલ રિટર્ન થયા છે. અમુક બિલ કોઈએ નહીં સ્વીકારવાને કારણે તો અમુક બિલ મિલકતધારક સ્થળાંતર કરી ગયા હોવાને કારણે રિટર્ન થયા છે. જ્યાંથી બિલ રિટર્ન થયા છે તેવા સ્થળે તપાસ માટે વોર્ડ ઇન્સ્પેકટરની ટીમને મોકલવામાં આવી રહી છે. વેરાશાખા દ્વારા શહેરના તમામ બાકીદારો તેમજ મિલકતધારકોને હાલ સુધીમાં સાત વખત વેરા બિલની બજવણી કરવામાં આવ્યાનું જાહેર કરાયું છે, આમ છતાં જો કોઈને વેરા બિલ મળ્યું ન હોય તો તેમણે ટેક્સ બ્રાન્ચમાં ઇમેઇલ અને મોબાઇલ નંબર અપડેટ કરાવવા જણાવાયું છે.
(4:15 PM IST)










