News of Thursday, 9th October 2025
દાઉદી બોહરા સમાજ દ્વારા યોજાયો વિશેષ ફિઝિયોથેરાપી કેમ્પ : ૧૫૭ લોકોએ લાભ લીધો

રાજકોટ : દાઉદી બોહરા સમાજ ના પરમ પવિત્ર ધર્મગુરુ સૈયદના મુફદ્દલ સૈફુદ્દીનની ખુશી મુતાબિક અને દાઉદી બોહરા સમાજને શારીરિક આરોગ્યમાં રાહત આપવા માટે હકીમી રિલીફ કમિટી - રાજકોટ દ્વારા ઉમૂર એ સેહતના સહકારથી વિશેષ ફિઝિયોથેરાપી કેમ્પનું સફળ આયોજન નૂર મસ્જિદના નૂર હોલ ખાતે કરવામાં આવ્યું હતુ. આ કેમ્પમાં લાંબા સમયથી ઘૂંટણ, કમર, સાંધા તથા માંસપેશી સંબંધિત તકલીફોથી પીડાતા મુમિનીનને યોગ્ય માર્ગદર્શન અને સારવાર પુરી પાડવામાં આવી હતી. કેમ્પમાં ૧૫૭ મુમિનીનએ ભાગ લીધો હતો અને નિષ્ણાંત ફિઝિયોથેરાપિસ્ટ ડો. હુસૈના અબ્દેઅલી વેજલાની (બીપીટી, સીઆડીએન - ઈઝઝી શિફાખાના), ડો. સકીના અલીઅસગર ચૌહાણ (બીપીટી) અને ડો. અજબ મુસ્તફા કાથાવાળા (પી.ટી. - ફ્લેક્સ ્રૂ ફ્લો ફિઝીયોથેરાપી) દ્વારા વ્યક્તિગત ચેકઅપ, માર્ગદર્શન અને સારવાર આપવામાં આવી હતી. ઉપરાંત, આહાર અને જીવનશૈલી સંબંધિત સલાહ પણ આપવામાં આવી જેથી લાંબા ગાળે સમાજના લોકોને આરોગ્યલાભ મળી રહે. કેમ્પ માટે પૂર્વ નોંધણી પ્રક્રિયા રાખવામાં આવી હતી. જેથી નિષ્ણાતોને દરેક ભાગ લેનારના આરોગ્યની પરિસ્થિતિ વિશે અગાઉથી જાણકારી મળી રહે. આ ઉપક્રમને સફળ બનાવવા માટે ડો. હુસૈના વેજલાની અને ડો. સકીના ચૌહાણ અને ડો. અજબ કાથાવાળા દ્વારા નિષ્ઠાપૂર્વકની સેવા આપવામાં આવી હતી. ઉમૂર ખારેજીયાહ, ઉમૂર સેહત અને હકીમી રિલીફ કમિટીની ટીમે આખા કાર્યક્રમને સફળ બનાવવા મહત્વની ભૂમિકા ભજવી હતી. હસનૈન માંકડા, અઝીઝ ભારમલ, સિરાજ સદિકોટ, મુસ્તફા ભારમલ(એમ.આર), યુસુફભાઈ ભારમલ, તાહા ફક્કડ, રાજ લાકડાવાલા અને કૈઝાર જોડીયાવાલા જેવા સમર્પિત સભ્યોની ખિદમત અને પ્રતિબદ્ધતા પ્રશંસનીય રહી. આ કેમ્પ પછી હકીમી રિલીફ કમિટીએ નક્કી કર્યું છે કે ભાગ લેનારાઓના આરોગ્ય રિપોર્ટનું મૂલ્યાંકન કરીને ભવિષ્યમાં વધુ અદ્યતન અને વિશિષ્ટ આરોગ્ય શિબિરોનું આયોજન કરવામાં આવશે. તેમ શેખ યુસુફભાઈ જોહર કાર્ડસવાળાની યાદીમાં જણાવ્યું છે.
(2:26 PM IST)










