<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th October 2025

બજરંગવાડીમાં ઉર્મિલાબેન પરમારની થેલીમાંથી ૨.૫૦ લાખના સાંકળા સાથેનું પર્સ ચોરાઇ ગયું

મુળી શેખપર ગામે સાસરૂ ધરાવતાં પરિણીતા હાલ પડધરીના રાદડ ગામે માવતરે આવ્‍યા છેઃ રાજકોટ રહેતી પિત્રાઇ બહેન સાથે ખરીદી કરવા અને દાગીના બનાવડાવવા આવ્‍યા ત્‍યારે બનાવઃ ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધ્‍યો

રાજકોટ તા. ૯: મુળીના શેખપર ગામે સાસરૂ ધરાવતાં અને હાલ પડધરીના રાદડ ગામે માવતરે આવેલા પરિણીતા રાજકોટમાં રહેતાં પિત્રાઇ બહેનને લઇ બજરંગવાડીમાં  જ્‍વેલર્સ પાસે સોનાના સાંકળામાંથી બીજા દાગીના બનાવડાવવા અને સોમવારી બજારમાં ખરીદી કરવા આવ્‍યા ત્‍યારે એક દૂકાન પાસે કપડા લેતી વખતે તેમણે થેલીમાં મુકેલુ નાનુ પર્સ કોઇ ચોરી જતાં આ બનાવમાં ગાંધીગ્રામ પોલીસે સુરેન્‍દ્રનગર મુળી તાબેના શેખપરના ઉર્મિલાબા જયદિપસિંહ પરમાર (ઉ.વ.૨૭)ની ફરિયાદ પરથી ચોરીનો ગુનો નોંધ્‍યો છે. પર્સમાં સોનાના સાંકળા, રોકડ મળી અઢી લાખની મત્તા હતી.

ઉર્મિલાબા પરમારે જણાવ્‍યું છે કે હું પરિવાર સાથે રહુ છું અને મારુ પિયર રાજકોટના પડધરીનું રાદડ ગામ છે. મારા પિતાનું નામ અરવિંદસિંહ રણજીતસિંહ જાડેજા છે. એકાદ મહિનાથી હું મારા સાસરેથી પિયર રાદડ ગામે આવી છું. પાંચ વર્ષ પહેલા મારા પપ્‍પાએ મારા માટે સોનાના સાંકળા બે નંગ વજન આશરે ૨૫ ગ્રામના ખરીદ કર્યા હતાં. મારા લગ્ન ત્રણ વર્ષ પહેલા થયા તે વખતે આ સાંકળા મને આપ્‍યા હતાં. હાલ મારા પિતા હયાત નથી. મારે સોનાના સાંકળામાંથી બીજી વસ્‍તુ બનાવડાવવી હોઇ જેથી તા. ૬/૧૦ના રોજ હું રાજકોટ બજરંગવાડીમાં આવેલા પટેલ જ્‍વેલર્સ ખાતે બતાવવા આવી હતી. આ વખતે બજરંગવાડી સોમવારી બજારમાં પણ થોડી ખરીદી કરવાની હોવાથી ત્‍યાં ગઇ હતી. આ વખતે સોનાના સાંકળા મારી પાસેના પર્સમાં રાખ્‍યા હતાં.

આ પર્સ આછા ગુલાબી રંગનું હતું અને પર્સમાં સાંકળાની સાથે રૂા. ૧૫૦૦ રોકડા પણ હતાં. આ નાનુ પર્સ બાદમાં મેં ગુલાબી કલરથી થેલીમાં રાખ્‍યું હતું. હું અને મારા ભાઇ જયદિપસિંહ એ દિવસે સવારે રાદડથી નીકળી પહેલા માધાપર મનહરપુરમાં કાકાના ઘરે ગયા હતાં. બાદ ત્‍યાંથી હું અને કાકાના દિકરી રાજલબા બજરંગવાડીમાં આવ્‍યા હતાં. અહિ શ્રીઆશાપુરા કૃપા નામની દૂકાન પાસે કપડા લેવા ઉભા હતાં. આ વખતે મારી થેલી બહેન રાજલબા પાસે હતી. તેણે થેલી કપડા જોતી વખતે બાજુમાં મુકી હતી. પૈસા ચુકવવા માટે મેં થેલી માંગી તેમાં રાખેલુ પર્સ લેવા જતાં તે પર્સ જોવા મળ્‍યું નહોતું. જો કે મારી બહેનનું પર્સ અંદર હેમખેમ હતું. કોઇ નજર ચુકવી થેલીમાંથી આ પર્સ ચોરી ગયું હતું. જેમાં ૨,૫૦,૦૦૦ના સોનાના સાંકળા, ૧૫૦૦ રોકડા હતાં. તેમ વધુમાં ઉર્મિલાબાએ કહેતાં પીઆઇ એસ. આર. મેઘાણીની રાહબરીમાં હેડકોન્‍સ. આર. ડી. બારૈયાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

(2:53 PM IST)