<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th October 2025

કુંભારા ગામના પ્રતાપે રાજકોટની કંપનીમાંથી લોન લઇ એનઓસી રજુ ન કરી બારોબાર બીજી લોન લઇ લીધી

૧૫૦ રીંગ રોડ પર આવેલી ક્‍લબ ઓનેસ્‍ટ કંપનીએ ૧૦.૧૨ લાખની લોન અપાવી દીધી હતીઃ મનેજર યુવરાજસિંહ પરમારની ફરિયાદ પરથી તાલુકા પોલીસે છેતરપીંડીનો ગુનો દાખલ કર્યો

રાજકોટ તા. ૯: શહેરના ૧૫૦ ફુટ રીંગ રોડ પર ફોર્ચ્‍યુન હોટેલ પાસે વીંગ્‍સ બિઝનેસ-૨માં બેસતી ક્‍લબ ઓનેસ્‍ટ નામની કંપની મારફત ચોટીલાના કુંભારાના શખ્‍સ પોતાની મહિન્‍દ્રા બોલેરો ગાડી પર લોન ચાલુ હોઇ વધુ લોન મેળવવા ડોક્‍યુમેન્‍ટ આપી ક્‍લબ ઓનેસ્‍ટ મારફત ૧૦ લાખ ૧૨ હજારની લોન પાસ કરાવડાવી મહિન્‍દ્રાની લોન ભરપાઇ કરી તેની એનઓસી ક્‍લબ ઓનેસ્‍ટમાં જમા ન કરાવી બારોબાર તેના આધારે વધુ એક નવી લોન મેળવી લઇ ઠગાઇ કરતાં ફરિયાદ થઇ છે.

આ બનાવમાં તાલુકા પોલીસે રેલનગર પેટ્રોલ પંપ પાસે ઓસ્‍કાર એન્‍કલેવ સી-૨૦૨ ખાતે લક્કીરાજસિંહ જાડેજાના ફલેટમાં ભાડેથી રહેતાં મુળ મુળીના લીમલી ગામે રહેતાં યુવરાજસિંહ મહેન્‍દ્રસિંહ પરમાર  (ઉ.વ.૪૦)ની ફરિયાદ પરથી ચોટીલાના કુંભારા ગામના પ્રતાપ કાળાભાઇ ઉર્ફ કાળુભાઇ માણસુરીયા વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે

યુવરાજસિંહ પરમાર હાલ રાજકોટ પત્‍નિ અને પુત્ર સાથે સાત વર્ષથી રહે છે અને ક્‍લબ ઓનેસ્‍ટ પ્રા.લિ.માં પાંચ વર્ષથી મેનેજર તરીકે નોકરી કરે છે. ઓફિસનો તમામ વહિવટ અને લોનને લગતા ડોક્‍યુમેન્‍ટની ચકાસણી, એગ્રીમેન્‍ટ, આરટીઓના કામ અને લોન પેમેન્‍ટ, નવી કાર લોન વેગેરેની  કામગીરી પણ તે કરે છે. તેની કંપની અલગ અલગ ફાયનાન્‍સ કંપની સાથે કરારથી કમિશન ઉપર કામ કરે છે. યુવરાજસિંહે ફરિયાદમાં જણાવ્‍યું છે કે ચારેક મહિના પહેલા મને એજન્‍ટ પિનલભાઇએ ફોન કરી લોનની જરૂરીયાતવાળા ગ્રાહક પ્રતાપ ઉર્ફ કાળુ માણસુરીયાનો સંપર્ક કરાવ્‍યોહ તો. ચોટીલાના કુંભારા ગામના આ શખ્‍સે મને કહેલુ કે મારી પાસે મહિન્‍દ્રા બોલેરો જીજે૧૩સીએ-૬૩૬૯ છે તેના ઉપર મહિન્‍દ્રા બેંકમાં ૭ લાખ અને ૧ લાખ ૭૦ હજારની લોન ચાલુ છે. હજુ મારે વધુ પૈસાની જરૂર  છે.

આ પછી તેણે લોન માટે ડોક્‍યુમેન્‍ટ આપતાં મેં ૧૦,૧૨,૩૩૦ની લોન પુનાવાલા ફીનકોર્પમાંથી મંજુર કરાવી આપી હતી. આ લોન પાસ થયા બાદ તેની મહીન્‍દ્રા એન્‍ડ મહિન્‍દ્રા બેંકની બાકી લોન આરટીજીએસના માધ્‍યમથી ભરપાઇ કરાવી દીધી હતી. આ લોનની એનઓસી પ્રતાપ માણસુરીયાએ અમને પંદર દિવસમાં આપવાની હતી. આ એનઓસી તે મહિન્‍દ્રામાંથી રૂબરૂ જઇ લઇ આવેલ પરંતુ અમને આપી નહોતી. બાદમાં આ એનઓસીનો નવી લોન માટે એચડીએફસી બેંકમાં ઉપયોગ કરી  લીધો હતો. આ અંગે અમે પ્રતાપની માહિતી ઓનલાઇન એમપરિવહન પર ચેક કરતાં અને આ બાબતે તેને પુછતાં તેણે મને કંઇ ખબર નથી તેમ કહી ફોન બંધ કરી દીધો હતો. આજ સુધી તેનો સંપર્ક થયો ન હોઇ અંતે ફરિયાદ કરવી પડી હતી.

પ્રતાપ ઉર્ફ કાળુ માણસુરીયાએ તેની બોલેરોની લોન ચાલુ હોઇ તેમાં વધુ લોનની જરૂર છે તેમ કહી ડોક્‍યુમેન્‍ટ અમને આપતાં અમારી કંપનીએ રૂ. ૧૦,૧૨,૩૩૦ની લોન મંજુર કરાવી દીધી હતી. આને આધારે તેણે મહિન્‍દ્રાની લોન રૂ. ૫,૪૧,૩૦૧ અને ૩,૯૨,૪૧૮ ભરપાઇ કરી એનઓસી મેળવી લઇ એ એનઓસી અમારે ત્‍યાં જમા ન કરાવી બારોબાર તેનો ઉપયોગ કરી બીજી નવી લોન એચડીએફસીમાંથી લઇ અમારી સાથે ઠગાઇ કરી હતી. તેમ વધુમાં યુવરાજસિંહે જણાવતાં પીઆઇ ડી. એમ. હરીપરાની રાહબરીમાં એએસઆઇ ડી. સી. જોષીએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

(2:56 PM IST)