News of Thursday, 9th October 2025
હું છેલ્લુ પગલુ ભરુ છું...ચિઠ્ઠી લખી નિખીલેશગીરી ગોસ્વામીએ ફેમિલી કોર્ટમાં ફિનાઇલ ગટગટાવ્યું
ભાવનગર રહેતાં પત્નિએ ખાધાખોરાકીનો કેસ કર્યો છેઃ ભાડા ખર્ચ ભરપાઇ કરવા હુકમ થતાં અને કેસથી કંટાળી જતાં પગલુ ભર્યાનું પરિવારનું કથન

રાજકોટ તા. ૯: શહેરના કોઠારીયા રોડ રણુજા મંદિર પાછળ શ્યામ પાર્કમાં રહેતાં નિખીલેશગીરી હર્ષદગીરી ગોસ્વામી (ઉ.વ.૩૩) નામના યુવાને જુની કલેક્ટર ઓફિસ અંદર આવેલી ફેમિલી કોર્ટમાં ફિનાઇલ પી લેતાં ૧૦૮ મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્ર.નગર પોલીસને જાણ કરી હતી.
નિખીલેશગીરી એક ભાઇ અને એક બહેનમાં મોટો છે અને એમઆર તરીકે કામ કરે છે. સગાએ જણાવ્યું હતું કે નિખીલેશગીરીના પત્નિ ભાવનગરના મિતલબેન સાથે સાત વર્ષ પહેલા થયા છે. પરંતુ ચારેક વર્ષથી તેણી ભાવનગર રિસામણે છે અને રાજકોટ કોર્ટમાં ડાયવોર્સ માટે પીટીશન દાખલ કરી છે. આજે કોર્ટની તારીખ હોઇ નિખીલેશગીરી કોર્ટ ખાતે આવેલ, પાંચ હજાર ખાધાખોરાકી નક્કી થઇ હતી. નિખીલેશગીરીને ૧ લાખ ૨૫ હજાર ભાડા ખર્ચ પેટે ભરપાઇ કરવા પણ હુકમ થયો છે. તેમજ તે પોતાના પિતા સાથે રહે છે છતાં મિલ્કત જપ્તીની નોટીસ મળતી હોઇ નિખીલેશગીરી કંટાળી ગયો હતો.
તેણે આપઘાતનો પ્રયાસ કરતાં પુર્વે ચિઠ્ઠી લખી હતી તેમાં લખ્યું છે કે હું નિખીલેશગીરી ગોસ્વામી મારી જિંદગીનું છેલ્લુ પગલુ ભરવા જઇ રહ્યો છું. મારુ આમ કરવાનું કારણ મેઇન પાંચ માણસો જવાબદાર છે. તેને સરકાર સજા આપશે તેવી મારી છેલ્લી ઇચ્છા છે. તેમ કહી તેણે પાંચ નામ લખ્યા છે. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.
(3:08 PM IST)










