<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th October 2025

તું મને ખટકે છે...કહી રાજ વાઘેલાને મિત્ર લાલા ટોપીએ છરીના છએક ઘા ઝીંકી દીધા

એ. જી. ચોક પાછળ ક્‍વાર્ટરમાં બનાવઃ વહેલી સવારે રાજને ફોન કરી મળવા બોલાવ્‍યા બાદ લાલો અને અજાણ્‍યો અચાનક તૂટી પડયાઃ યુવાન સારવાર હેઠળ

 

રાજકોટ તા. ૯: કાલાવડ રોડ એ. જી. ચોક પાછળ કેવલમ્‌ નજીક આવેલા આવાસ યોજના ક્‍વાર્ટરમાં રહેતાં રાજ દલસુખભાઇ વાઘેલા (ઉ.વ.૨૬)ને વહેલી સવારે સાડા પાંચેક વાગ્‍યે ભીમનગરમાં આ વિસ્‍તારમાં જ રહેતાં તેના જુના મિત્ર લાલો ઉર્ફ ટોપીએ ફોન કરી તારુ કામ છે આવ તો તેમ કહેતાં રાજ એક્‍ટીવા લઇ ઘર નજીક ભીમનગરમાં નસીબ પાન ખાતે ઉભો રહી સિગારેટ પીતો હતો ત્‍યારે લાલો અને અજાણ્‍યાએ આવી ઝઘડો કરી છરીના ઘા મારી દેતાં સાથળ, વાંસામાં છથી સાત ઘા ઝીંકાતા લોહીલુહાણ થઇ ગયો હતો.

દેકારો મચી જતાં લોકો ભેગા થઇ જતાં લાલો અને અજાણ્‍યો ભાગી ગયો હતો. કોઇએ ૧૦૮ બોલાવતાં રાજને સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. તેના પરિવારજનોને જાણ થતાં તેઓ પણ દોડી આવ્‍યા હતાં. રાજ બે ભાઇ અને એક બહેનમાં નાનો છે અને સંતાનમાં એક દિકરો છે. રાજ લાઇટીંગ ડેકોરેશનનું કામ કરે છે. તેણે હોસ્‍પિટલના બીછાનેથી કહ્યું હતું કે લાલો ઉર્ફ ટોપી મારો મિત્ર છે. તે પોતાના ઘરમાં બે ચાર દિવસથી બધા સાથે લપ કરતો હતો અને ગુસ્‍સામાં રહેતો હતો.

સવારે મને ફોન કરી ભીમનગર નસીબ પાન પાસે બોલાવતાં હું ત્‍યાં ગયો હતો. હું સિગારેટ પીતો હતો ત્‍યાં લાલો અને અજાણ્‍યો શખ્‍સ આવ્‍યા હતાં અને મારી સાથે લપ કરી હતી. બાદમાં લાલાએ મને કહેલું કે તું મને ખટકે છે...તેમ કહી અચાનક પાછળથી છરીના ઘા કરતાં સાથળમાં ત્રણ ચાર ઘા અને વાંસામાં ત્રણેક ઘા લાગી જતાં  હું પડી ગયો હતો. દેકારો થતાં લાલો અને બીજો શખ્‍સ ભાગી ગયા હતાં. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ સહિતે જાણ કરતાં તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે. (૧૪.૧૪)

 

(4:04 PM IST)