તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 9th October 2025
સેનિયા રેબેનકીનાનો બેલે ડાન્સ જોઇ ફિલ્મ ‘મેરા નામ જોકર'માં રાજકપૂરે ભૂમિકા આપી
સેનિયા ફિલ્મોમાં કામ કરવા નહોતી માંગતી પણ મિત્રોના કહેવા પછી તેણે ઓફર સ્વીકારી રશિયન યુવતી સેનિયા રેબેનકીના ખૂબ જ યુવાન હતી અને બોલ્શેવિક્સ થિયેટરમાં કામ કરતી હતી મેરા નામ જોકરમાં ઘણા મોટા કલાકારો હતા પરંતુ આ મોટા કલાકારોમાં અભિનેત્રી સેનિયા રેબેનકીનાએ પોતાના નાના રોલથી બધાનું ધ્યાન ખેંચ્યું મોસ્કોમાં રાજ કપૂરે રોલ માટે સેનિયાને ફોનથી તરત જ મળવા આવવાનું કહ્યું ત્યારે તેણે મળવાનીના પાડી હતી એલેક્સી સ્ટાઈકિન સાથે તેણીએ લગ્ન કર્યા હતા. ૧૦ જૂન, ૧૯૭૪ના રોજ તેણે પુત્ર એવજેનીને જન્મ આપ્યો સેનિયાને ભારત દેશ ખૂબ જ સુંદર અને આધ્યાત્મિક લાગ્યો જોકે વ્યસ્ત શેડયૂલને કારણે ફરવા ન મળ્યું તે વાતનો થોડો અફસોસ રહ્યો

રાજ કપૂરની ફિલ્મ ‘મેરા નામ જોકર'માં બતાવવામાં આવેલી સર્કસ અભિનેત્રીનું નામ ‘સેનિયા રેબેનકીના' હતું અને તે એક રશિયન બેલે ડાન્સર હતી. રાજ કપૂરના ઉત્સાહી અને રંગીન મિજાજ વિશે બધા જાણે છે. સેનિયા રેબેનકીના સાથે પણ કંઈક આવું જ બન્યું. રાજ કપૂરે તેમનો બેલે ડાન્સ જોયો અને એટલા પ્રભાવિત થયા કે તેમણે તેમને પોતાની ફિલ્મમાં ભૂમિકા ઓફર કરી. સેનિયા અને રાજ કપૂર સાથેની મુલાકાત તથા ફિલ્મ મેરા નામ જોકર વિશે સંકળાયેલ રોચક વાત આજે અકિલાના વાંચકો માટે લઇને આવ્યા છીએ.
સેનિયા રેબેનકીના અને રાજ કપૂર લગભગ ૨૪-૨૫ વર્ષની ઉંમરે મળ્યા હતા. તે સમય સેનિયા રેબેનકીના ખૂબ જ યુવાન હતી અને બોલ્શેવિક્સ થિયેટરમાં કામ કરી રહી હતી. તેણી એક બેલે નૃત્યાંગના હતી. અને ખૂબ જ સારું બેલે નૃત્યાંગનાનું કાર્ય કરતી હતી તેના ક્ષેત્રમાં તેણી ખુબ પ્રખ્યાત પણ હતી. બોલીવુડમાં ઘણી ફિલ્મો બને છે જેમાં વિદેશી કલાકારો ઘણીવાર મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવે છે. જોકે, હિન્દી ફિલ્મોમાં બહુ ઓછા હોલીવુડ કલાકારો પોતાની છાપ છોડી શકે છે. આવી જ એક રશિયન અભિનેત્રી સેનિયા રેબેનકીના હતી, જેમણે રાજ કપૂરની ફિલ્મ મેરા નામ જોકરમાં એક નાનો પણ મહત્વપૂર્ણ રોલ ભજવ્યો હતો. જોકે, આ ફિલ્મ પછી સેનિયા ફરી જોવા મળી ન હતી.
તેણીને ‘ધ ટેલ ઓફ ઝાર સુલતાન' નામની એક ફિલ્મમાં કામ કરવાની ઓફર મળી હતી. સેનિયા ફિલ્મોમાં કામ કરવા નહોતી માંગતી પણ મિત્રોના કહેવા પછી તેણે ઓફર સ્વીકારી લીધી અને તે ફિલ્મમાં એક નાનું જ પાત્ર ભજવ્યું. સેનિયા એ પાત્રમાં ખુબજ જીવંત બની ગઈ. ફિલ્મ હિટ ગઇ અને સેનિયાને પણ તે ફિલ્મથી પ્રસિદ્ધિ મળી ગઈ. પ્રથમ ફિલ્મ પછી ત્રણ વર્ષો સુધી સેનિયાએ કોઈપણ ફિલ્મમાં કામ ન કર્યું. તે ફક્ત બેલે નૃત્ય કરતી રહી. તેણે ફરી ફિલ્મોમાં કામ કરવાનો વિચાર પણ નહોતો કર્યો.
સેનિયા રેબેનકીનાનો જન્મ મોસ્કોમાં એક કૂશળ નૃત્યાંગના માતા અને ભૂ-ભૌતિકશાસ્ત્રના ડોક્ટરને ત્યાં થયો હતો. તેમને ચાર વર્ષની એક મોટી બહેન છે જેનું નામ એલેના છે, જે પણ એક કુશળ નૃત્યાંગના છે. તેણીએ મોસ્કોના બોલ્શોઇ થિયેટરમાં નૃત્યાંગના તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. એલેક્સી સ્ટાઈકિન સાથે તેણીએ લગ્ન કર્યા હતા. ૧૦ જૂન, ૧૯૭૪ ના રોજ ૨૮ વર્ષની ઉંમરે તેમણે પુત્ર એવજેનીને જન્મ આપ્યો હતો. ભારતમાં તેણીને મરિના તરીકે સૌથી વધુ યાદ કરવામાં આવે છે, જે રાજ કપૂરની ક્લાસિક ૧૯૭૦ ની ફિલ્મ મેરા નામ જોકરની રશિયન સર્કસ ટ્રેપેઝ કલાકાર અને પ્રેમિકા હતી. નોંધનીય છે કે તેની મોટી બહેન એલેના એક સેલિબ્રિટી હતી અને જ્યારે રાજ કપૂરે એક પ્રતિભાશાળી રશિયન સર્કસ શોની શોધ કરી ત્યારે તેને લાગ્યું કે તે આ ભૂમિકા બહેનને મળશે. પરંતુ અંતે તેને આ ભૂમિકા મળી ગઈ.
પચાસ વર્ષ પહેલાં, શોમેન રાજ કપૂરે તેમની મહત્વાકાંક્ષી ફિલ્મ મેરા નામ જોકર બનાવી હતી. આ ફિલ્મમાં ઘણા મોટા સ્ટાર્સ હતા અને કપૂર માટે તેનું ખૂબ મહત્વ હતું. જોકે ફિલ્મ બોક્સ ઓફિસ પર અપેક્ષા મુજબ સારી કમાણી કરી શકી ન હતી પરંતુ ગીતોને વિવેચકોની પ્રશંસા મળી. જેમ કે રશિયન અભિનેત્રી સેનિયા રેબેનકીના જેમણે ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી તેમને પણ પ્રશંસા મળી. ફિલ્મ મેરા નામ જોકરમાં ઘણા મોટા કલાકારો હતા પરંતુ આ મોટા કલાકારોમાં અભિનેત્રી સેનિયા રેબેનકીનાએ પોતાના નાના રોલથી બધાનું ધ્યાન ખેંચ્યું. સેનિયા રેબેનકીના જે પોતાને વ્યવસાયે બેલે ડાન્સર તરીકે ઓળખાવે છે તેણે આ ફિલ્મમાં સર્કસ કલાકારની ભૂમિકા ભજવી હતી. ફિલ્મમાં તેનો રોલ બહુ મોટો નહોતો, પરંતુ ફિલ્મના હીરો રાજ કપૂર સાથેના પ્રેમકથાના દ્રશ્યને કારણે તે ફિલ્મનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ બની ગયો.
રાજકપૂર સાથે સેનિયા રેબેનકીનાનો ભેટો કઇ રીતે થયો? એક દિવસ અચાનક સેનિયાને કોઈએ ફોનથી કહ્યું કે પ્રખ્યાત ભારતીય અભિનેતા રાજકપૂર આ સમય મોસ્કોમાં છે. રાજકપૂર એક મોટી ફિલ્મ બનાવી રહ્યા છે અને તેમને પોતાના ફિલ્મના એક પાત્ર માટે રશિયન છોકરીની શોધ છે. કારણ કે રાજકપૂર રશિયામાં ખૂબ જ પ્રખ્યાત હતા, તો સેનિયા માટે આ એ ખૂબ જ ખુશીની વાત હતી કે રાજકપૂર તેને સામેથી મળવા માંગે છે. સેનિયાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, જ્યારે પ્રથમ વખત તેને કહેવામાં આવ્યું કે રાજકપૂર મોસ્કોમાં છે અને ટૂંક સમયમાં તેઓ તેણીને મળશે, ત્યારે હું ખૂબ જ ઉત્સાહિત થઈ ગઈ હતી. કારણ કે રાજકપૂર ભારત પરત જતા પહેલા તેની ફિલ્મ માટે રશિયન છોકરીઓને પસંદ કરવા માંગતા હતા અને ખાસ કરીને સર્કસની અભિનેત્રીઓ સાથે પણ મળવા ઇચ્છતા હતા. કારણ કે તેમની ફિલ્મનું પાત્ર ‘‘મરીના'' સર્કસમાં કામ કરતી છોકરીનું હતું. જ્યારે સેનિયાને ફોનથી તરત જ મળવા આવવાનું કહેવામાં આવ્યું ત્યારે તેણે મળવાની ના પાડી હતી. કારણ કે તે જ રાતે તેનો પોતાનો એક કાર્યક્રમ હતો. ફોન કરનારાએ કહ્યું કે, ‘‘શા માટે ના પાડો છો? ત્યારે સેનિયા કહ્યું કે, તમે રાજકપૂરને થિયેટર લઇ આવો. તેઓ ત્યાં મારો કાર્યક્રમ પણ જોઈ લેશે.'' રાજકપૂરને આ વાતની જાણ થઇ ત્યારે તેઓ તૈયાર થઈ ગયા. તે દિવસે ઓડિટોરિયમમાં સેનિયાનું નૃત્ય અને અભિનય જોઈને રાજકપૂર ખૂબ જ ખુશ થયા. પછી પડદા પાછળ સેનિયાની મુલાકાત થઈ. રાજકપૂરે મરીનાના રોલ વિશે વાત કરી અને સમજાવ્યું કે તેને કેવા પ્રકારની અભિનેત્રી જોઈએ છે.
બે-ત્રણ દિવસ પછી ફરી બેઠક થઈ અને રાજકપૂર સેનિયાને મરીનાનો રોલ આપવાનો નક્કી કર્યો. સેનિયાએ પણ કામ માટે સંમતિ આપી. ત્યારબાદ તમામ વિગતો નક્કી થઈ, કેટલો સમય ભારતમાં રહેશે, ફી વગેરે. બોલ્શોઇ થિયેટરના મેનેજર પાસે પરવાનગી માગવામાં આવી. સામાન્ય રીતે થિયેટરના કલાકારોને બહારના પ્રોજેક્ટ્સમાં કામ કરવાની પરવાનગી મળતી નહીં પણ રાજકપૂર માટે ખાસ મંજૂરી મળી ગઈ. શૂટિંગ માટે સેનિયા પ્રથમ દિલ્હી આવી. સર્કસના દ્રશ્યો ત્યાં શૂટ થયા. ત્યારબાદ તે મુંબઈ આવી અને બાકીનું શૂટિંગ થયું.
સેનિયા કહે છે કે, ભારત તેના માટે એક અદ્ભુત અનુભવ રહ્યો. પ્રથમ વખત જ્યારે તે બે મહિના માટે આવી હતી ત્યાર બાદ પરત જઈને અંગ્રેજી શીખવા મહેનત કરી. પછી ફરી જ્યારે આવી ત્યારે થોડું અંગ્રેજી બોલી અને સમજતી હતી. તેને ભારત દેશ ખૂબ જ સુંદર અને આધ્યાત્મિક લાગ્યો જોકે વ્યસ્ત શેડ્યૂલને કારણે ફરવા ન મળ્યું તે વાતનો થોડો અફસોસ રહ્યો. આજે સેનિયા રેબેનકીના ૮૦ વર્ષના થયા છે. તેઓનો જન્મ ૪ સપ્ટેમ્બર, ૧૯૪૫ના રોજ થયો હતો.
સેનિયા રેબેનકીનાએ અનેક ફિલ્મોમાં કામ કર્યું છે એવું જરા પણ નથી.‘‘મેરા નામ જોકર'' પછી ૨૦૦૯માં આવેલી ‘‘ચિન્ટુ જી'' ફિલ્મમાં તેણીએ કામ કર્યું હતું. તેમાં રાજકપૂર મુખ્ય ભૂમિકામાં હતા. વર્ષો પછી સ્ક્રીન પર દેખાવાનો અનુભવ તેમને માટે ખૂબ જ સુખદ રહ્યો.
ચિન્ટૂજી ફિલ્મમાં સેનિયાને અભિનય આપવાનો વિચાર કેવી રીતે આવ્યો તે સમજાવતા બેદીએ કહ્યું, ચિન્ટુજી ફિલ્મ ઋષિ કપૂરના વાસ્તવિક જીવનથી ઘણી પ્રેરણા લે છે. ફિલ્મમાં મેરા નામ જોકરનો ઉલ્લેખ છે. દિગ્દર્શક રણજીત સિંહે સૂચન કર્યું હતું કે આપણે ક્ષેનિયાને કાસ્ટ કરવી જોઈએ જેમણે મેરા નામ જોકરમાં રાજ કપૂરની સામે ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમને લાગ્યું કે તે અમારી ફિલ્મને પ્રમાણિકતા આપશે. ચિન્ટુજીમાં, તે એવી વ્યક્તિની ભૂમિકા ભજવે છે જે ઋષિનું જીવન બદલી નાખે છે. વૃદ્ધાવસ્થાને કારણે ખૂબ જ નબળા પડી ગયેલા સેનિયાને એ વખતે રશિયાથી ચંદીગઢ લાવવામાં આવ્યા હતા. તેની સાથે પરાગપુર નામના ગામમાં શૂટિંગ કર્યું, જે ચંદીગઢથી બે કલાકના અંતરે છે અને હિમાચલ પ્રદેશની સીમમાં છે. તેઓ બીમાર હોવા છતાં અને લગભગ એ અરસામાં ૭૦ વર્ષના હોવા છતાં પણ તેણી શૂટિંગ કરવા સંમત થયા તેમ નિર્માતા બોબી બેદીએ જણાવ્યું હતું.
હિન્દી ભાષાની કોઈ સમજ ન હોવા છતાં, સેનિયા રાજ કપૂરની ફિલ્મ કરવા માટે સંમત થઈ કારણ કે તે તેમને તેમના કેટલાક ગીતો દ્વારા ઓળખતી હતી જે રશિયામાં પ્રખ્યાત હતા. તેણીએ ૨૦૧૬ માં ભારતની મુલાકાત પણ લીધી હતી. એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેણીએ રાજ કપૂરની યાદો શેર કરી હતી. તેણીએ ખુલાસો કર્યો કે ‘‘મેરા નામ જોકર'' માં કામ કરતા પહેલા તેણીએ એક ફિલ્મમાં કામ કર્યું હતું. તેમણે એમ પણ કહ્યું કે તેમના સમગ્ર કારકિર્દીમાં તેમણે ૧૫-૧૬ ફિલ્મોમાં કામ કર્યું હતું પરંતુ આજે પણ તેમને ફક્ત રાજ કપૂરની ફિલ્મ 'મેરા નામ જોકર' માટે યાદ કરવામાં આવે છે. રાજ કપૂરે આ ફિલ્મ બનાવવામાં પોતાની બધી શક્તિ અને પૈસા લગાવી દીધા હતા પરંતુ જ્યારે ફિલ્મ સારી ચાલી નહીં ત્યારે તેઓ દેવામાં ડૂબી ગયા. એવું કહેવામાં આવતું કે આ ફિલ્મ તેના સમય કરતા આગળ હતી અને તેથી તે દર્શકોમાં લોકપ્રિય ન થઇ. જો કે, સમય જતાં ફિલ્મની લોકપ્રિયતા વધતી ગઇ અને હવે તેને હિન્દી સિનેમાની કલાસિક ફિલ્મ માનવામાં આવે છે.
‘ધર્મેન્દ્ર ગજબના હેન્ડસમ દેખાતા હતા'
ધર્મેન્દ્રએ ‘મેરા નામ જોકર' માં પણ મુખ્ય ભૂમિકા ભજવી હતી. સેનિયા રેબેનકીના કહે છે, ધર્મેન્દ્ર અતિ સુંદર હીરો હતા. હું તેમની સ્માર્ટનેસની પ્રશંસા કરું છું. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તે કયા અન્ય ભારતીય કલાકારોને જાણે છે, ત્યારે સેનિયાએ કહ્યું કે તે ફિલ્મ નિર્માતા સત્યજીત રેને ઓળખે છે અને તેમની કેટલીક ફિલ્મો જોઈ છે. તે તેમને મળી પણ છે. તે અમિતાભ બચ્ચનને પણ જાણે છે, પણ તે અન્ય કોઈ ભારતીય કલાકારોથી પરિચિત નથી. શું તે રાજ કપૂર માટે ગીત ગાવાનું પસંદ કરશે ત્યારે સેનિયાએ અચકાતા ગાયેલું, જીના યહાં મરના યહાં, ઉસકે સિવા જાના કહાં.
રાજ કપૂર સાથે મુલાકાત
સેનિયા રેબેનકીનાએ એક મુલાકાતમાં કહેલું કે, જ્યારે તે રાજ કપૂરની પહેલી બેઠક મળી ત્યારે તે ૨૪-૨૫ વર્ષની હતી. રાજ કપૂર ‘મેરા નામ જોકર' ની તૈયારી કરી રહ્યા હતા અને મોસ્કો આવ્યા હતા. એક સાંજે તેણે સેનિયાનો બેલે ડાન્સ જોયો અને તેનાથી અત્યંત પ્રભાવિત થયા. તેમણે સેનિયાને તેમની ફિલ્મમાં કામ કરવાનો પ્રસ્તાવ મૂક્યો. સેનિયા રાજ કપૂરના નામથી ખુબ પરિચિત હતી કારણ કે તેમની ફિલ્મો ‘આવારા' અને ‘શ્રી ૪૨૦' રશિયામાં ખૂબ પ્રખ્યાત હતી અને તેના ગીતો રશિયન લોકો ગણગણાવતા હતા. સેનિયાએ આ ઓફર સ્વીકારી અને તે શૂટિંગ માટે ભારત આવી. રાજ કપૂરે અનેક રશિયન યુવતિઓ સાથે મુલાકાત કરી હતી. સરકસની ઘણી રશિયન યુવતીઓને મળ્યા હતા પણ ફિલ્મના રોલ માટે કોઇ પસંદ નહોતી આવતી. જ્યારે રાજ સાહેબે સેનિયાને જોઇ અને તુરતજ ફિલ્મ માટે ફાઇનલ કરી લીધી. જોકે તેણીની ફિલ્મમાં મોટી ભૂમિકા નહોતી પરંતુ તે આ અનુભવને યાદગાર માને છે. તે કહે છે, રાજ કપૂર સેટ પરના દરેકની સંભાળ લેતા હતા. પછી ભલે તે કોઈ મોટો કલાકાર હોય અથવા તેના સેટ પર જુનિયર હોય, દરેક વ્યક્તિની સંભાલ લેતા હતા. પરંતુ એકવાર જો કેમેરો શરૂ થયો કે તેઓ ખૂબ જ કઠોર બની જતા અને જ્યાં સુધી શ્રેષ્ઠ શોટ ન મળે ત્યામ સુધી સંતોષ માનતા નહીં.
કપૂર પરિવાર સાથે મિત્રતા
સેનિયા ‘મેરા નામ જોકર' ની શૂટિંગ કર્યા પછી રશિયા ચાલી ગઇ અને બેલે નૃત્યમાં તેની કારકિર્દી ચાલુ રાખી. તે રાજ કપૂર અને તેના પરિવાર સાથે પણ સંપર્કમાં હતી. તે કહે છે કે જ્યારે પણ તે ભારત આવતી, ત્યારે તે ચોક્કસપણે રાજ કપૂરના પરિવારને મળતી. તે કપૂર પરિવારના મહેમાન નવાઝીની ખુબ પ્રશંસા કરે છે. સેનિયાને જ્યારે ૧૯૮૮ માં રાજ કપૂરના મૃત્યુના સમાચાર મળ્યા ત્યારે તેને ખુબ આઘાત લાગ્યો. સેનિયા કહે છે કે રાજ કપૂરના મૃત્યુ પછી પણ તે રાજ કપૂરના પુત્રો રણધીર, ઋષિ અને રાજીવ કપૂરને અવારનવાર મળતી રહેતી હતી. ‘મેરા નામ જોકર'ના ૩૯ વર્ષ પછી, સેનિયા રેબેનકીનાએ ૨૦૦૯ માં તેમના પુત્ર ઋષિ કપૂરની ફિલ્મ ‘ચિન્ટુ જી' માં નાનકડી ભૂમિકા ભજવી હતી.
પ્રશાંત બક્ષી
મો. ૭૯૯૦૫ ૫૮૪૬૯

(3:49 PM IST)










