<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th October 2025

'ભારવિ' (ભાષા રચના વિચાર મંચ) દ્વારા આગામી ૧૨ ઓક્ટોબર, રવિવારે 'બેઠક મણકો-૪૪'નું આયોજન : AI ચર્ચાથી માંડીને કુદરતી સૌંદર્ય અને પક્ષીવિદ્યાના વૈવિધ્યસભર કાર્યક્રમોનું આકર્ષણ : કાર્યક્રમ સવારે ૯:૩૦ શરૂ થશે

દિનેશ ટિલવા 'પૂછતાં પંડિત થવાય' શીર્ષક હેઠળ વાર્તાલાપ કરશે : રાજ્ય ગૌરવ પુરસ્કાર વિજેતા ઈશ્વરલાલ વ્યાસ અને સુખ્યાત પક્ષીવિદ અશોક મશરૂ પોતાના દિવ્ય ફોટોગ્રાફીના અનુભવો અને નિદર્શન રજૂ કરશે : તમામ કલાપ્રેમી ભાવકોને કલાવૈવિધ્યસભર આ કાર્યક્રમ માણવા માટે સાદર નિમંત્રણ

રાજકોટ : રાજકોટના સાહિત્ય અને કલાપ્રેમીઓ માટે એક અદ્ભુત કલાવૈવિધ્યપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ભાષા રચના મંચ (ભારવિ) દ્વારા આગામી રવિવાર, તા. ૧૨ ઓક્ટોબર, ૨૦૨૫ ના રોજ તેમનો 4૪મો બેઠક મણકો યોજાવા જઈ રહ્યો છે.
આ કાર્યક્રમ સવારે ૯:૩૦ થી ૧૨:૦૦ દરમિયાન "સત્ત્વ" બિલ્ડિંગ, ભારત વિકાસ પરિષદ, જલારામ-૨ સોસાયટી, શેરી નં. ૨/૧૦, એસબીઆઈ વાળી શેરી, રાજકોટ ખાતે યોજાશે.
આ બેઠકમાં ત્રણ વિશેષ અને જ્ઞાનવર્ધક પ્રસ્તુતિઓ રાખવામાં આવી છે:
૧.  દિનેશ ટિલવા: કૃષિ અને પર્યાવરણના અભ્યાસી નિષ્ણાત તેમજ દુર્લભ પુસ્તકોનાં પ્રકાશક દિનેશ ટિલવા "પૂછતાં પંડિત થવાય" શીર્ષક હેઠળ વક્તવ્ય આપશે, જેમાં તેઓ પોતાના વિવિધ અનુભવો આધારિત વાર્તાલાપની સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના ઉપયોગ અંગે મુક્ત ચર્ચા કરશે.
૨.  ઈશ્વરલાલ ડી. વ્યાસ: રાજ્ય સરકારના ગૌરવ પુરસ્કાર સહિત અનેક પારિતોષિકો પ્રાપ્ત કરી ચૂકેલા સુખ્યાત છબીકાર (ફોટોગ્રાફર) ઈશ્વરલાલ ડી. વ્યાસ પોતાની પસંદગીની તસવીરોનું નિદર્શન કરીને તેમના પ્રવાસના રોચક અનુભવો ભાવકો સાથે વહેંચશે.
૩.  અશોક મશરૂ: સુખ્યાત નેચર ફોટોગ્રાફર, બર્ડ વોચર અને પક્ષીવિદ અશોક મશરૂ પક્ષીઓની અદ્ભુત તસવીરો સાથેનું પ્રેઝન્ટેશન રજૂ કરશે અને પક્ષીઓ વિશે વિસ્તૃત માહિતી આપીને વાર્તાલાપ કરશે.
ભારવિ દ્વારા તમામ કલાપ્રેમી ભાવકોને કલાવૈવિધ્યસભર આ કાર્યક્રમ માણવા માટે સાદર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં પ્રવેશ નિ:શુલ્ક છે અને કાર્યક્રમ સવારે ૯:૩૦ ના ટકોરે અચૂક શરૂ થઈ જશે.

(6:17 PM IST)