<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th October 2025

રૂખડીયાપરા ફાટક પાસે યુવાને ટ્રેન હેઠળ પડતું મુકતાં ધડ-માથું નોખા થઇ ગયા

આશરે ૧૭ થી ૧૮ વર્ષના મૃતક યુવાનની ઓળખ મેળવવા રેલ્‍વે પોલીસ દ્વારા તપાસ

રાજકોટ તા. ૧૦: શહેરના પોપટપરાના છેડે રૂખડીયાપરા ફાટક નજીક પૂલ પાસે અજાણ્‍યા યુવાને રાતે એક યુવાને ટ્રેન હેઠળ પડતું મુકી દેતાં ધડ-માથું નોખા થઇ જતાં ઘટના સ્‍થળે જ કમકમાટી ભર્યુ મોત થયું હતું.

જાણવા મળ્‍યા મુજબ રાત્રીના સમયે આશરે ૧૭ થી ૧૮ વર્ષનો એક યુવાન રૂખડીયા પરા રેલ્‍વે ફાટક પાસે ઉભો હતો. ટ્રેન આવતાં જ તેણે દોટ મુકી પોતાનું માથુ પાટા પર મુકી દેતાં ટ્રેન ફરી વળતાં ધડ-માથું નોખા થઇ ગયા હતાં અને યુવાનનું અરેરાટી ભર્યુ મોત થયું હતું. બનાવની જાણ થતાં રેલ્‍વે પોલીસના એએસઆઇ કમલેશભાઇ સહિતે ઘટના સ્‍થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્‍ટમોર્ટમ માટે ખસેડયો હતો.

મૃતક યુવાને કાનમાં કડી પહેરી છે અને હાથમાં નંબરવાળી ઘડીયાળ પહેરી છે. બ્‍લુ કલરના ફુલડાની ડીઝાઇનનો શર્ટ અને કાળુ જીન્‍સ પહેરેલા છે. આ સિવાય ઓળખ થાય તેવું કંઇ મળ્‍યું નથી. મૃતકના કોઇ વાલીવારસ હોય તો રેલ્‍વે પોલીસનો ફોન ૦૨૮૧ ૨૪૪૩૩૫૮ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. (૧૪.૫)

(2:25 PM IST)