<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th October 2025

સ્‍વદેશી મેળાનું મારા હાથે ઉદઘાટન કેમ નહી? દર્શીતાબેન-નયનાબેન વચ્‍ચે તુતુ મેંમેં

ભાજપ સંકલન બાદ મેયર અને ધારાસભ્‍ય વચ્‍ચે તણખા ઝર્યા? હું સાંજે ઉદઘાટનમાં જવાની છું: સંકલનનો નિર્ણય સ્‍વીકાર્યઃ ડો. દર્શીતાબેન

રાજકોટ તા. ૧૦ :.. આજે ભાજપની સંકલન બેઠક બાદ પાર્ટીના બે મહિલા નેતાઓ વચ્‍ચે ઉદ્‌્‌ઘાટનને લઇને ભારે બોલાચાલી થઇ હોવાનું સૂત્રોએ જણાવ્‍યું હતું. બન્ને મહિલા નેતાઓને શાંત કરવા અને મામલો થાળે પાડવા અન્‍ય નગરસેવકો-આગેવાનોએ મધ્‍યસ્‍થી કરી હતી.

આ અંગે સૂત્રોના જણાવ્‍યા મુજબ આજથી સ્‍વદેશી મેળો રેસકોર્ષ મેદાનમાં ખુલ્લો મૂકાયો છે. જેનું ઉદઘાટન રાજકોટ-૭૦ ના ધારાસભ્‍ય રમેશભાઇ ટીલાળાના હસ્‍તે કરાયું હતું. આ મુદાને લઇને વોર્ડ નં. ર ના કોર્પોરેટર અને રાજકોટ-૬૯ ના ધારાસભ્‍ય ડો. દર્શીતાબેન શાહે નારાજગી વ્‍યકત કરી હતી.

ડો. દર્શીતાબેને જણાવેલ કે, રેસકોર્ષ મારા મત વિસ્‍તારમાં આવે છે, તો મારા હસ્‍તે ઉદઘાટન કેમ નહી ? આ અંગે મેયર નયનાબેન પેઢડીયાએ જણાવેલ કે, બધાને સાથે લઇને ચાલવાનું હોય. રાજકોટમાં ૪ ધારાસભ્‍ય અને બે સાંસદો છે.

મારી નિષ્‍ઠા ઉપર સવાલ ઉઠાવવા યોગ્‍ય નથી. મે બુથના કાર્યકરથી લઇને મેયર પદ સુધી વફાદારીથી કામ કર્યુ છે. કોઇ તે અંગે મારા ઉપર આંગળી ચિંની ન શકે. ઉપરાંત રેસકોર્સ કોઇ એક મત વિસ્‍તારનું ન કહેવાય તેમ પણ મેયર નયનાબેન સ્‍પષ્‍ટ જણાવ્‍યું હતું.

આ અંગે ડો. દર્શીતાબેન શાહે અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે, સ્‍વદેશી મેળાના મહેમાન તરીકેની કોઇ વાત જ ન હતી. સંકલનમાં જે નકકી થયું હોય તે સ્‍વીકાર્ય હોય છે. તેવો કોઇ દુરાગ્રહ પણ ન હોય. મારા મત વિસ્‍તારમાં ઘણા કાર્યક્રમો થતા હોય છે. સાંજે મેળામાં હાજરી આપવાની વાત સાથે વિવાદનો છેદ ઉડાડયો હતો. (૬-ર૬)

(3:50 PM IST)