તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 10th October 2025
૩૨ લાખ લૂંટયા પછી વોર્ડનની જાણ બહાર સાગ્રીત મહેશે ૧૧ લાખ બઠ્ઠાવી લીધા'તા!: કબ્જે લેવાયા
વિક્રમને વેપારી શૈલેષભાઇ સાથે બદલો લેવો હોઇ વોર્ડન સાથે મળી લૂંટનો પ્લાન ઘડયો'તો પીઆઇ વી.આર. વસાવા, પીએસઆઇ રંગાણી સહિતની ટીમે નવ લાખ જેવી રકમ કબ્જે કરી

રાજકોટ તા. ૧૦: રેસકોર્ષ લવગાર્ડન પાસે વેપારીને પોલીસના નામે ડરાવી લાફા મારી અપહરણ કરી રૂા. ૩૨ લાખની લૂંટ ચલાવવાના પ્રકરણમાં ઝડપાયેલા ટ્રાફિક વોર્ડન સહિત ચાર આરોપીના એક દિવસના રિમાન્ડ મળતાં પોલીસે વિશેષ તપાસ કરી હતી. દરમિયાન એવી વિગતો ખુલી છે કે વોર્ડનની લૂંટની ટીપ્સ આપનાર વિક્રમને નાણા આપનારા વેપારી શૈલેષભાઇ સાથે મનદુઃખ હોઇ બદલો લેવા માટે તેણે પ્લાન ઘડયો હતો અને વોર્ડનને હવાલો આપ્યો હતો. બીજી તરફ ચાર આરોપી રિમાનડ પર હોઇ પોલીસે અગાઉ ૨૧ લાખ કબ્જે કર્યા હોઇ બાકીના ૧૧ લાખ ક્યાં ગયા? તેની તપાસ થઇ રહી હતી. તે દરમિયાન વોર્ડનના જ સાગ્રીત મહેશે આ રકમ વોર્ડન શાહબાઝ સહિતનાની જાણ બહાર સેરવી લીધી હોવાનું ખુલતાં તેની પાસેથી રકમ કબ્જે લેવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
ભુતખાના ચોકમાં એકતા એન્ટરપ્રાઇઝના સંચાલક શૈલેષભાઈએ રૂા. ૩૨ લાખની રોકડ ભરેલો થેલો કમિશન એજન્ટ સમીરભાઇ પંડયાને પહોંચાડવા આપ્યો હતો. વિક્રમે સમીરભાઇને પોતે કિયા કારમાં રકમ લઇ લવગાર્ડન આવે છે તેમ કહેતાં સમીરભાઇ ત્યાં પહોંચ્યા હતાં અને વિક્રમ તેને રકમ આપીને ગયો ત્યાં જ ટ્રાફિક વોર્ડન શાહબાઝ સહિત ચાર જણાએ આવી સમીરભાઇને પોલીસના નામે ડરાવી મારકુટ કરી ૩૨ લાખ લૂંટી લીધા હતાં. પ્ર.નગર પોલીસે વોર્ડન સહિત ચાર આરોપીને પકડી લઇ કોર્ટમાં રજૂ કરતાં એક દિવસના રિમાન્ડ મળ્યા હતાં. લૂંટની આ ઘટનામાં પોલીસે ટ્રાફિક વોર્ડન શાહબાજ ઇસ્માલભાઇ મોટાણી (ઉ.વ ૨૯ રહે. હુડકો કવાર્ટર શેરી નંબર એક સાંઢીયા પુલ પાસે) વેપારી પુત્ર દાનિશ ઈબ્રાહીમભાઇ શેખ (ઉ.વ ૨૦ રહે. રેફયુજી કોલોની જંકશન પ્લોટ), અતીક દોસ્તમોહમ્મદ સુમરા (ઉ.વ ૧૯ રહે. પરસાણાનગર ૬/૭ નો ખૂણો) અને મહેશ ખોડાભાઇ વાઘેલા (ઉ.વ ૧૯ રહે. સ્લમ ક્વાર્ટર નંબર ૧૫૦, જામનગર રોડ)ની ધરપકડ કરી હતી.
પોલીસની તપાસમાં એવી વિગત ખુલી છે કે ફરિયાદી સમીરભાઇ પંડયાએ એકતા એન્ટરપ્રાઇઝના શૈલેષભાઇ દલસાણીયાને કપાસની ગાંસડી ખરીદવા માટે રૂ.૩૨ લાખ આપેલ હતાં. જે રૂપીયા શૈલેષભાઈએ તેના ઓળખીતા વિક્રમને ગાંસડી ખરીદી માટે આરટીજીએસથી આપ્યાં હતાં. પણ ગાંસડીનો સોદો રદ થતાં શૈલેષભાઇએ ૩૨ લાખ પરત માંગ્યા હતાં. વિક્રમે પોતે રેસકોર્ષ લવગાર્ડન પાસે હોઇ ત્યાંથી રકમ લઇ જવા કહ્યું હતું. વિક્રમને એમ હતું કે આ રકમ લેવા શૈલેષભાઇ આવશે. આથી તેને લૂંટી લેવાનો પ્લાન ઘડી તેણે વોર્ડનને હવાલો દીધો હતો. પરંતુ શૈલેષભાઇને બદલે સમીરભાઇ આવ્યા હતાં. તેને વોર્ડન સહિતે લૂંટી લીધા હતાં. સમીરભાઇએ આ વોર્ડને ‘તમારું નામ શૈલેષભાઇ જ છે ને?' એવુ પણ પુછ્યું હતું. ત્યારે જ સમીરભાઇને શંકા ઉપજી હતી.
વિક્રમ અને શૈલેષભાઇ વચ્ચે અગાઉના કોઇ સોદા મામલે મનદુઃખ હોઇ આ કારણે વિક્રમે જ શૈલેષભાઇ સાથે બદલો લેવા વોર્ડનને ટીપ્સ આપી પ્લાન ઘડયો હતો. પણ સમીરભાઇ પૈસા લેવા આવ્યા હતાં અને તે ભોગ બની ગયા હતાં. પીઆઇ વી.આર. વસાવા, પીએસઆઇ જે. બી. રંગાણી સહિતે વધુ તપાસ યથાવત રાખી હતી. દરમિયાન ૨૧ લાખ કબ્જે થયા પછી બાકીના ૧૧ લાખ ક્યાં ગયા? તેની પુછતાછ થતાં આ રકમ ચાર પૈકીના એક આરોપી મહેશ ઉર્ફ ઇતેડી વાઘેલાએ વોર્ડન સહિતની નજર ચુકવી સેરવી લઇ સ્લમ ક્વાર્ટરના પોતાના ઘરમાં છુપાવી દીધાનું ખુલતાં પોલીસે સાડાઆઠથી નવ લાખ જેવી રકમ કબ્જે કરવા તજવીજ હાથ ધરી હતી. આમ અહિ ચોર પે મોર જેવું થઇ ગયું હતું.
(4:15 PM IST)










