<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th October 2025

રાજકોટમાં અડધા કરોડના એમ્‍બરગ્રીસ સાથે વિરમ ઝડપાયો

બાબરાના કરીયાણા ગામનો વિરમ બાવળીયા નામનો ખેત મજૂર શિહોરના જીતુ પાસેથી વ્‍હેલ માછલીની ઉલ્‍ટી લાવી રાજકોટમાં સાયલાના વિનોદને આપવાનો હતોઃ પરંતુ લેતીદેતી કરે એ પહેલા ૪૯૮ ગ્રામ જથ્‍થા સાથે સકંજામાં શહેર એસઓજી પીઆઇ સંજયસિંહ જાડેજા, પીએસઆઇ એસ.બી. ધાસુરા અને ટીમની કાર્યવાહીઃ આગળની તપાસ ફોરેસ્‍ટ વિભાગ કરશે શહેર એસઓજીના એએસઆઇ ફિરોઝભાઇ શેખ અને કોન્‍સ. રવિરાજભાઇ ધગલની બાતમી

રાજકોટ તા. ૧૧: શહેર એસઓજીની ટીમે અમરેલીના બાબરા પંથકના કરીયાણા ગામના એક ખેત મજૂર શખ્‍સને રાજકોટમાં વ્‍હેલ માછલીની ઉલ્‍ટી (એમ્‍બરગ્રીસ)ના જથ્‍થા સાથે ઝડપી લીધો છે. અનેક રીતે ઉપયોટી અને તરતુ સોનુ ગણાતી વ્‍હેલ માછલની ઉલ્‍ટી-એમ્‍બરગ્રીસના જપ્‍ત થયલા જથ્‍થાની કિંમત ૪૯, ૮૦,૦૦૦ જેવી છે. આ શખ્‍સ શિહોરના એક શખ્‍સ પાસેથી ગેરકાયદેસર એવો આ જથ્‍થો લઇને રાજકોટ આવ્‍યો હતો. રાજકોટ ખાતે તેને આ એમ્‍બરગ્રીસ સાયલાના એક શખ્‍સને આપવાનો હતો. જો કે આ લેતીદેતી થાય એ પહેલા આજીડેમ ચોકડીએથી શહેર એસઓજીએ તેને પકડી લીધો હતો.

જાણવા મળ્‍યા મુજબ શહેર એસઓજીની ટીમ વન્‍ય પ્રાણી સંરક્ષણ અધિનીયમનો ભંગ કરનારા શખ્‍સોને શોધવા વોચ રાખી રહ્યો હોઇ આ દરમિયાન શહેર એસઓજીના એએસઆઇ ફિરોઝભાઇ ઇકબાલભાઇ શેખ અને કોન્‍સ. રવિરાજભાઇ વીહાભાઇ ધગલને ચોક્કસ બાતમી મળી હતી કે આજીડેમ ચોકડીએ સીટી બસ સ્‍ટોપ પાસે એક શખ્‍સ વ્‍હેલ માછલીની ઉલ્‍ટીનો ગેરકાયદે જથ્‍થો લઇને આવ્‍યો છે.

આ બાતમી પરથી ટીમે ત્‍યાં પહોંચી શખ્‍સને સકંજામાં લઇ લીધો હતો. તેની પાસે પ્‍લાસ્‍ટીકની કોથળીમાં શંકાસ્‍પદ પદાર્થ હોઇ  આ બાબતે તેની પૃછા કરતાં ગોળગોળ જવાબ આપ્‍યા બાદ તેણે આ પદાર્થ વ્‍હેલ માછલીની ઉલ્‍ટી (એમ્‍બરગ્રીસ) હોવાનું કબુલ્‍યું હતું. શખ્‍સે પુછતાછમાં પોતાનું નામ વિરમ મનજીભાઇ બાવળીયા (ઉ.વ.૨૭-રહે. કરીયાણા ગામ તા. બાબરા જી. અમરેલી) જણાવ્‍યું હતું.

વિરમે વધુ પુછતાછમાં કબુલ્‍યું હતું કે પોતે ખેત મજૂરી કરે છે. વ્‍હેલ માછલીની ઉલ્‍ટીનો આ જથ્‍થો તેને શિહોરના જીતુ નામના શખ્‍સે આપ્‍યો હતો અને આ જથ્‍થો સાયલાના વિનોદને પહોંચાડવાનો હતો. આના બદલામાં પોતાને અમુક રકમ જીતુ આપવાનો હતો. પોતાને જીતુએ આ પદાર્થ લઇ રાજકોટ આજીડેમ ચોકડીએ પહોંચવા અને સાયલાનો જીતુ ત્‍યાં આવીને લઇજશે તેમ કહેવાયું હતું. જો કે અહિ તે પહોંચતતા સાયલાનો વિનોદ આવે એ પહેલા એસઓજીની ટીમ આવી ગઇ હતી.

શહેર એસઓજીએ રેન્‍જ ફોરેસ્‍ટ ઓઃસર, એફએસએલ અધિકારીને બોલાવી પદાર્થની ચકાસણી કરાવી બીએનએનએસ-૧૦૬ મુજબ કબ્‍જે કર્યો હતો. આ પદાર્થની ચકાસણી કરવાની લેબોરેટરી માત્ર કોલકત્તા અને દેહરાદૂન એમ બે જ જગ્‍યાએ છે. વાઇલ્‍ડ લાઇફ કાયદા અંતર્ગત આ પદાર્થની હેરાફેરી મામલે કાર્યવાહી થતી હોય છે. પોલીસે વિરમ બાવળીયા પાસેથી કબ્‍જે લીધેલુ એમ્‍બરગ્રીસ ૪૯૮ ગ્રામ છે અને તેની કિંમત રૂા. ૪૯,૮૦,૦૦૦ લાખ થાય છે. આગળની તપાસ હવે વન વિભાગ દ્વારા કરવામાં આવશે.

વ્‍હેલ માછલીની ઊલટીનો ઉપયોગ દવાઓ માટે થાય છે તેમજ કોસ્‍મેટિક આઈટમ્‍સ, અત્તર, સ્‍પ્રે પણ બને છે. આ ઉલ્‍ટીની બજાર કિંમત કરોડોમાં હોય છે.  વિનોદને આ પદાર્થ આપનાર શિહોરના જીતુ અને લેવા આવનારા સાયલાના વિનોદને શોધવા આગળ તપાસ કરવામાં આવશે. પોલીસે એમ્‍બરગ્રીસ, દસ હજારના બે મોબાઇલ, રોકડા ૩૧૦, બાઇક ૨૫ હજારનું મળી કુલ ૫૦,૧૩,૩૧૦નો મુદ્દામાલ કબ્‍જે કર્યો છે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ ભરત બી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ સંજયસિંહ એમ. જાડેજા, પીએસઆઇ એસ. બી. ધાસુરા, એએસઆઇ અરૂણભાઇ બાંભણીયા, ફિરોઝભાઇ શેખ, હેડકોન્‍સ. અમિતભાઇ ટુંડીયા, કોન્‍સ. રવિરાજભાઇ ધગલ અને કિશોરભાઇ ઘૂઘલે આ કામગીરી કરી છે.  

(1:07 PM IST)