News of Saturday, 11th October 2025
જ્યુબીલી ચોકમાં ખાનગી બસે સાઇકલ સહિત ઉલાળતાં દિવાનપરાના ફાતેમા માકડાનું મોત
૨૭ વર્ષિય યુવતિ વયોવૃધ્ધ કાકાનો એક માત્ર આધાર હતીઃ રઘુવીરપરામાં મોબાઇ સર્વિસની દુકાનેથી નોકરી પુરી કરી ઘરે જતી હતી ત્યારે બસ કાળ બની ગઇઃ ૭૨ વર્ર્ષિય કાકા શબ્બીરભાઇ માકડાની ફરિયાદ પરથી જુનાગઢના બસ ચાલક સાગર ભાદરકા વિરૂધ્ધ એ-ડિવીઝન પોલીસે ગુનો નોંધ્યો

તસ્વીરમાં મૃત્યુ પામનાર ફાતેમાબેન તુરબભાઇ માકડા તથા કાળ બનનારી ખાનગી બસ જોઇ શકાય છે (તસ્વીરઃ અભીજીત બગથરીયા)
રાજકોટ તા. ૧૧: શહેરના જ્યુબીલી બાગ ચોકમાં રાતે ખાનગી બસના ચાલકે સાઇકલને ઠોકરે ચડાવતાં સાઇકલ હંકારી રહેલી દિવાનપરામાં રહેતી દાઉદી વ્હોરા પરિવારની ૨૭ વર્ષિય દિકરી રોડ પર ફેંકાઇ જતાં અને બાદમાં બસના આગલા વ્હીલમાં આવી જતાં કમકમાટી ભર્યુ મોત થયું હતું. માતા-પિતા વિહોણી આ યુવતિ વયોવૃધ્ધ કાકા સાથે રહેતી હતી. રાતે સાડા નવેક વાગ્યે નોકરી પુરી કરી દિવાનપરામાં ઘરે જતી હતી ત્યારે આ બનાવ બન્યો હતો.
જાણવા મળ્યા મુજબ દિવાનપરામાં રહેતી ફાતેમાબેન તુરબભાઇ માકડા (ઉ.વ.૨૭) જ્યુબીલી બાગ ચોકમાં સાઇકલ સહિત ખાનગી બસની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થતાં મૃત્યુ થયું હતું. આ બનાવમાં એ-ડિવીઝન પોલીસે દિવાનપરા-૧માં ચંદનવીલા મકાનની સામે રહેતાં મૃતકના કાકા શબ્બીરભાઇ અકબરઅલી માકડા (ઉ.વ.૭૨)ની ફરિયાદ પરથી હરિકૃપા ટ્રાવેલ્સની બસ નં. એઆર૦૬સી-૯૪૯૪ના ચાલક વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.
શબ્બીરભાઇ માકડાએ જણાવ્યું છે કે હું મારા ભત્રીજી ફાતેમા તુરબભાઇ માકડા (ઉ.વ.૨૭) સાથે રહુ છું. ભત્રીજી ફાતેમાના પિતાજીનું અઢાર વર્ષ પહેલા અવસાન થઇ ચુક્યું છે. હું નિર્મલા કોન્વેન્ટ રોડ પર હેન્ડસમ ક્રિએશનમાં કપડાના શો રૂમમાં નોકરી કરુ છું અને મારી ભત્રીજી ફાતેમા રઘુવીરપરા રિલાયન્સ મોબાઇલ સર્ર્વિસ નામની દૂકાનમાં નોકરી કરી હતી. શુક્રવારે તા. ૧૦ના રાતે સાડા નવેક વાગ્યે હું નોકરીએથી એકટીવા લઇને ઘરે આવતો હતો ત્યારે રસ્તામાં ત્રિકોણબાગ પાસે અમારા સમાજના ફાતેમાબેન સરીયાનો ફોન આવેલો કે તારી ભત્રીજી ફાતેમાનું એક્સીડન્ટ થયું છે અને તેને સિવિલ હોસ્પિટલમાં લઇ ગયા છે.
આથી હું તરત હોસ્પિટલે પહોંચતા ભત્રીજી ફાતેમા ત્યાં સારવારમાં બેભાન હાલતમાં હતી. આ વખતે મારા સગા મોઇઝભાઇને મેં ફોન કરતાં તે તથા સમાજના બીજા લોકો પણ આવી ગયા હતાં. એ દરમિયાન મારા ભત્રીજીને ડોકટરે મૃત જાહેર કર્યા હતાં. ફાતેમા રાતે સાઇકલ હંકારી નોકરીના સ્થળેથી છુટીને દિવાનપરામાં અમારા ઘર તરફ જઇ રહી હતી ત્યારે જ્યુબીલી ચોકમાં પહોંચતા હરિકૃપા ટ્રાવેલ્સની બસની ઠોકરે ચડી ગઇ હતી. આ બસના ચાલકનું નામ સાગર હરેશભાઇ ભાદરકા છે અને તે જુનાગઢ રહે છે. તેણે બેફીકરાઇથી બસ હંકારી મારા ભત્રીજી ફાતેમાને સાયકલ સહિત ઉલાળી દેતાં તે બસના આગળના વ્હીલમાં આવી જતાં ગંભીર ઇજાઓ થતાં મૃત્યુ થયું હતું. તેમ વધુમાં શબ્બીરભાઇ માકડાએ જણાવતાં એ-ડિવીઝન પીઆઇ બી. વી. બોરીસાગરની રાહબરીમાં હેડકોન્સ. એલ. એ. જતાપરાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. (૧૪.૬)
(2:22 PM IST)










