<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th October 2025

મનપાના ઢોર ડબ્‍બાને આંતરી પશુ છોડાવી જનારા છ શખ્‍સો સામે ફોજદારી

તમે ગામડાના વિસ્‍તારમાંથી ઢોર પકડી ન શકો કહી ડખ્‍ખો કર્યો

રાજકોટ તા. ૧૧: રાષ્‍ટ્રપતિશ્રીના વીઆઇપી રૂટ પર રખડતા પશુઓ હોઇ તેને ડબ્‍બે પુરવાની કામગીરી કરનારા મહાનગર પાલિકાના સ્‍ટાફની ફરજમાં રૂકાવટ કરી સ્‍કોર્પિયોમાં આવેલા છ શખ્‍સો પકડેલા ઢોર છોડાવીને ભાગી જતાં આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે. આ બનાવમાં કુવાડવા રોડ પોલીસે આજીડેમ ચોકડી પાસે શ્રીરામ સોસાયટીમાં રહેતાં મુળ અરવલ્લી મેઘરજના પંચાલ ગામના શશીકાંતકુમાર જગદીશભાઇ નીનામા (ઉ.વ.૩૦)ની ફરિયાદ પરથી કાળા રંગની સ્‍કોર્પિયોમાં આવેલા છથી સાત અજાણ્‍યા શખ્‍સો સામે ગુનો નોંધ્‍યો છે.

શશીકાંતકુમાર નીનામા મહાનગર પાલિકામાં એનીમલ ન્‍યુસન્‍સ કન્‍ટ્રોલ ડિપાર્ટમેન્‍ટ શાખામાં લાઇવ સ્‍ટોક ઇન્‍સપેક્‍ટર તરીકે ફરજ બજાવે છે. આ શાખાની કામગીરી રખડતા પશુ પકડવાની છે, તેનું સુપરવિઝન તેઓ કરે છે. તેમણે ફરિયાદમાં જણાવ્‍યું છે કે તા. ૯ના રોજ રાજકોટ શહેરમાં રાષ્‍ટ્રપતિશ્રીનું આગમન થયું હોઇ વીઆઇપી રૂટ પર રખડતા પશુઓ નડતરરૂપ ન થાય તે માટે અમે બપોરે બે વાગ્‍યે અમુલ સર્કલ ખાતે ઢોર ડબ્‍બાની જગ્‍યાએથી સરકારી ત્રણ બોલેરો, ટ્રેકટર તેમજ કારમાં સાથેના કર્મચારી અંકિતભાઇ ગોહિલ, પોલીસ સ્‍ટાફ, એએસઆઇ માવજીભાઇ, કોન્‍સ. યોગેન્‍દ્રસિંહ, કોન્‍સ. સુનિતાબેન, નેહાબેન, એકસ આર્મીમેન જગદીશભાઇ ગધેસરીયા, સરકારી વાહનોમાં ડ્રાઇવરો સાથે નીકળ્‍યા હતાં.

બાદમાં ગ્રનીલેન્‍ડ ચોકડીથી રાજકોટ અમદાવાદ હાઇવે પર વીઆઇપી રૂટ પર મેંગો માર્કેટ નજીક રખડતા પશુઓ અડચણરૂપ છે તેવો કન્‍ટ્રોલ તરફથી મેસેજ આવતાં અમે ત્‍યાં ગયા હતાં અને ત્રણ ગાય તથા એક આખલો અને એક વાછરડુ રોડપર જોવા મળતાં આમારા સ્‍ટાફે કોર્ડન કરી તેને ટ્રેકટરના ડબ્‍બામાં પુરી દીધા હતાં. આ પછી આગળ રૂટ ક્‍લીયર કરવા અમે સાત હનુમાન મંદિર નવાગામ આણંદપર પુલ પાસે પહોંચ્‍યા હતાં. સર્વિસ રોડ પર થઇ સાત હનુમાન મંદિર પાસે પહોંચતા કાળા રંગની સ્‍કોર્પિયો આવી હતી અને અમારા વાહન, ઢોર ડબ્‍બાવાળુ ટ્રેકટર વગેરે આંતરી લીધા હતાં.  સ્‍કોર્પિયોમાંથી છએક શખ્‍સો ઉતર્યા હતાં અને ‘તમે ગામડાના વિસ્‍તારના ઢોર પકડી ન શકો' તેમ કહેતાં અમે તેને મેંગો માર્કેટ વિસ્‍તાર શહેરની હદમાંથી આ ઢોર પકડયા છે તેમ જણાવતાં કેટલાક શખ્‍સો ટ્રેકટરના ડબ્‍બામાં ચડી ગયા હતાં અને દોરડાથી ઢોરને બાંધેલા હોઇ તે દાતરડાથી કાપી ઢોરને છોડાવી આ બધા જતા રહ્યા હતાં.

બાદમાં અમે શાખા અધિકારી ઉપેન્‍દ્ર પટેલને જાણ કરી હતી. આ પછી અમે ફરિયાદ નોંધાવવાનું નક્કી કર્યુ હતું. તેમ વધુમાં શશીકાંતકુમારે કહેતાં કુવાડવા રોડ પોલીસ સ્‍ટેશનના પીઆઇ બી. પી. રજયાની રાહબરીમાં પીએસઆઇ બી. વી. ભગોરાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો હતો. 

(3:54 PM IST)