<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th October 2025

પડધરીના મેટોડા ગામે સરકારી જમીન ઉપર દબાણ કરવા સબબ પાર્ટીને દંડ : ૧૦ દિ'માં જમીન ખાલી કરવા આદેશો

પડધરી મામલતદાર સખીયાનો હુકમ : ડીડીઓના પત્ર અને નાયબ મામલતદારના રીપોર્ટ બાદ કાર્યવાહી

રાજકોટ, તા., ૧૧ : પડધરી મામલતદાર શ્રી  સખીયા દ્વારા સરકારી ખરાબાની જમીન પર ગેરકાયદેસર ખેતી વિષયક દબાણના કેસમાં એક મહત્‍વનો હુકમ કરવામાં આવ્‍યો છે. મેટોડા ગામના જગાભાઈ માધાભાઈ સોલંકીને સરકારી જમીન પર દબાણ કરવા બદલ ર્ંરૂ. ૩૭,૧૫૨/-નો દંડ ફટકારવામાં આવ્‍યો છે અને દબાણવાળી જમીનનો કબજો હુકમ મળ્‍યાના ૧૦ દિવસમાં ખુલ્લો કરવા માટે આદેશ કરાયો હતો.

આ કેસ (નં. ૨૪/૨૦૨૫) મેટોડા ગામના સરકારી ખરાબાના સર્વે નંબર ૬૬૬ (જુના સર્વે નંબર ૨૦૧ પૈકી ૧) ની જમીન પરના દબાણ અંગે હતો. તાલુકા વિકાસ અધિકારી પડધરીના પત્રથી અરજદાર  જગાભાઈ માધાભાઈ દેવીપુજકે આ જમીનમાં દબાણ કરેલ હોવાની ફરિયાદ બાદ નિયમોનુસાર કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. નાયબ મામલતદાર (દબાણ)ના અહેવાલ અને પંચરોજકામ મુજબ, સામાવાળા દ્વારા સરકારી ખરાબાની કુલ જમીન હે. ૩૫-૮૭-૨૫ ચો.મી. પૈકી આશરે હે. ૧-૨૧-૪૧ ચો.મી. (એ. ૩-૦૦ ગુંઠા) જમીનમાં વગર પરવાનગીએ આશરે ૩ (ત્રણ) વર્ષથી ખેતી વિષયક દબાણ કરેલું હોવાનું જણાઈ આવ્‍યું હતું.

સામાવાળાએ કોર્ટ સમક્ષ લેખિત/મૌખિક રજૂઆતમાં દબાણ કબૂલ્‍યું હતું અને જણાવ્‍યું હતું કે તેઓ ખેતીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે અને સ્‍વેચ્‍છાએ દબાણ ખુલ્લું કરી આપવા તૈયાર છે. તેમ છતાં, બિન અધિકળત પેશકદમી બદલ ગુજરાત મહેસુલ અધિનિયમ-૧૮૭૯ માં થયેલ સુધારા અધિનિયમ-૨૦૧૧ મુજબ દંડની ગણતરી કરવામાં આવી. મેટોડા ગામની ખેતીની જમીનનો પિયત ભાવ રૂા. ૫૧/- પ્રતિ ચો.મી. લેખે જંત્રીદર રૂા. ૧૦૨/- (બે ગણા) નક્કી કરવામાં આવ્‍યો હતો.

આ મુજબ, ૧૨૧૪૧.૦૦ ચો.મી. જમીન માટે જંત્રી મુજબ કુલ રકમ રૂા. ૧૨,૩૮,૩૮૨/- થાય છે. તેના ૧ ટકા લેખે એક વર્ષનો દંડ રૂા. ૧૨,૩૮૪/- ગણવામાં આવ્‍યો. ત્રણ વર્ષના દબાણ માટે કુલ દંડની રકમ રૂા. ૩૭,૧૫૨/-  નક્કી કરવામાં આવી છે.

મામલતદાર કોર્ટે દંડ વસૂલ કરીને, દબાણવાળી જમીનનો કબજો હુકમ મળ્‍યાના ૧૦ દિવસમાં ખુલ્લો કરવા અને કેસને દબાણ રજીસ્‍ટરેથી કમી કરવાનો આદેશ આપ્‍યો છે. જો દંડ ભરપાઈ ન થાય અને દબાણ ખુલ્લું ન કરાય, તો જમીન મહેસુલ કાયદાની કલમ-૨૦૨ મુજબ પગલાં લેવામાં આવશે. 

(2:40 PM IST)