News of Saturday, 11th October 2025
રૈયાધારમાં રામભાઇએ પડોશીને ઝાડ કાપવાનું કહેતાં તલવાર લઇ દોટ મુકી
આજે તો મારી જ નાખું ઉભો રહે કહી હડી કાઢીઃ યુવાન ભાગીને પોલીસ સ્ટેશને પહોંચ્યોઃ પ્રવિણ વાળા વિરૂધ્ધ ગુનો

રાજકોટ તા. ૧૧: રૈયાધારમાં રહેતાં અને લાદી કામ કરતાં યુવાને પડોશીના ઝાડવા બહુ વધી ગયા હોઇ અને આ યુવાનના મકાનના પતરા પર આવી ગયા હોઇ પતરા તૂટી જાય તેમ હોઇ તેણે પડોશીને પતરા તરફના ઝાડવા થોડા કાપી નાખવા અગાઉ જણાવતાં આ બાબતનો ખાર રાખી ગત રાતે પડોશીએ તેને ઉભો રાખી ગાળો દઇ તલવાર લઇ મારવા દોડી ઉભો રહે તને તો મારી જ નાખવો છે કહી ધમકી આપતાં ફરિયાદ થઇ છે. આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે રૈયાધાર સ્લમ ક્વાર્ટર ઝાકીર હુશેન સરકારી શાળા નજીક રહેતાં અને લાદી કામની મજૂરી કરતાં રામભાઇ ભાણજીભાઇ વાછકીયા (ઉ.વ.૩૦)ની ફરિયાદ પરથી પ્રવિણ વાળા વિરૂધ્ધ ગુનો નોંધ્યો છ.ે
રામભાઇએ જણાવ્યું છે કે હું પરિવાર સાથે રહી લાદી કામ કરી ગુજરાન ચલાવુ છું. એક મહિના પહેલા પડોશી પ્રવિણ વાળાને મેં કહેલું કે તમારા ઝાડવા બહુ મોટા થઇ ગયા હોઇ મારા પતરામાં અડે છે અને પતરા તૂટી જશે, તમે અમારા પતરા બાજુનું ઝાડવું થોડુ કપાવી નાખજો. જો કે તેણે તે સમયે ઝાડવા કાપ્યા નહોતાં. બાદમાં મારે તેની સાથે ઝાડવા કાપવા બાબતે કોઇ વાત થઇ નહોતી. દરમિયાન શુક્રવારે રાતે નવેક વાગ્યે મારા ફોનમાં હું વાત કરતો કરતો ચાલીને જતો હતો ત્યારે પ્રવિણે મને બોલાવીને મને કહેલું કે-મારા ઝાડવા તારા પતરા તોડી નાંખે તો ય તારે મને કહેવું નહિ. આમ કહી તેણે મને ગાળો દઇ ઝાડવા તો કપાશે જ નહિ તેમ કહેતાં મેં તેને ગાળો બોલવાની ના પાડતાં તે ઘરમાં જઇ દોડીને તલવાર લઇ આવ્યો હતો અને મારા પર ઘા કરવા પાછળ દોડી ઉભો રહે તને તો મારી જ નાંખવો છે તેમ બૂમો પાડતાં હું ભાગી ગયો હતો અને પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો.
તેમ વધુમાં રામભાઇએ કહેતાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીઆઇ એચ. એન. પટેલની રાહબરીમાં એએસઆઇ જે. એલ. બાળાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(3:20 PM IST)










