News of Sunday, 12th October 2025
કોઠારીયા સોલવન્ટના ચીકનના ધંધાર્થી અબ્દુલભાઇ ઠેબા પર પડોશી ડિમ્પલબેન, તેના પતિ સહિતનો છરી-પાઇપથી હુમલો
ડિમ્પલબેનના પતિ કમલેશ અને અબ્દુલભાઇના દિકરા સમીર વચ્ચે મિત્રતા હોઇ તે ડિમ્પલબેનને ન ગમતાં માથાકુટઃ આજીડેમ પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટઃ કોઠારીયા સોલવન્ટમાં રહેતાં ચિકનના ધંધાર્થી પર આ વિસ્તારમાં જ રહેતી મહિલા, તેના પતિ સહિતનાએ છરી-પાઇપથી હુમલો કરી ઇજાઓ પહોંચાડી હતી અને ધમકી આપી હતી. આ બનાવમાં આજીડેમ પોલીસે કોઠારીયા સોલવન્ટ રૂડાના ત્રણ માળીયા ક્વાર્ટર નં. ૧૦ શિવ હોટલ પાછળ રહેતાં અબ્દુલભાઈ હુસેનભાઈ ઠેબા (ઉ.વ.૫૦)ની ફરિયાદ પરથી પાડોશી ડિમ્પલબેન, તેના પતિ કમલેશભાઇ અને અજાણ્યા વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. હુમલામાં અબ્દુલભાઇને પાંસળીમાં ફ્રેકચર થયું હતું. માથે જતાં તેને અને તેના દિકરાઓને મારી નાંખવાની ધમકી પણ અપાઇ હતી.
અબ્દુલભાઇ ઠેબા ચીકનની દૂકાન ચલાવે છે. તેણે જણાવ્યું છે કે હું મારા પત્નિ ફરીદા, બે દિકરા અમીન અને સમીર સાથે રહુ છું. હું તથા મારા પત્ની અમારૂ ઇલેક્ટ્રોનિક ટુવ્હીલ લઈ બેંકના કામ થી ઘરેથી નીકળી નજીકના સ્મશાન પાસે ટ્રેક્ટરના શોરૂમ પાસે સર્વિસ રોડ પર પહોંચતા સામેથી ડિમ્પલબેન જે ત્રણ માળીયા ક્વાર્ટરમાં રહે છે તે તેમના પિતા કમલેશભાઈ તેમનું એકટીવા લઇને સામે આવી અમને ઉભા રાખેલા અને જમે ફાવે તેમ ગાળો દેવા માંડયા હતાં. અમે તેને ગાળો દેવાની ના પાડતાં ડિમ્પલબેન વધુ જોર જોરથી બોલી મારી સાથે ઝપાઝપી કરવા માંડયા હતાં. આ પછી તેના પતિ કમલેશભાઇએ મને પકડી લીધો હતો અને ડીમ્પલબેને છરી કાઢી મારા પર હુમલો કરી ડાબા ખભાના ભાગે એક ઘા મારી દીધેલ જેથી હું પડી ગયેલ. ત્યાં અજાણ્યા શખ્સે પાઇપથી હુમલો કરી મને મારા માર્યો હતો. મારા પત્નિએ મને છોડાવવા પ્રયાસ કર્યો હતો. દેકારો થતાં એ વખતે જ મારો દિકરો ત્યાંથી નીકળતાં તે અમને છોડાવવા આવ્યો હતો. બાદમાં ડીમ્પલબેન સહિતના ભાગી ગયા હતાં. મને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો.
આ બનાવનું કારણ મારો નાનો દીકરો સમીર તથા ડિમ્પલબેનના પતિ કમલેશભાઈ બંને મિત્રો હોઇ અને સાથે ફરતા હોય અને અમારા ઘરે તેમના પતિ આવતા જતા હોય જે ડિમ્પલબેનને ગમતું ન હોય અને આ બાબતે અગાઉ મારા નાના દીકરા સામે બોલાચાલી કરેલ હોઇ તેનો ખાર રાખી ડિમ્પલબેને તેના પતિ અને અજાણ્યા શખસ સાથે મળી મારા પર હુમલો કર્યો હતો. તેમ વધુમાં અબ્દુલભાઇએ કહેતાં આજીડેમ પોલીસ સ્ટેશનના એએસઆઇ જે. કે. કુરીયાએ ગુનો નોંધ્યો છે.
(11:08 AM IST)










